વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની રસ્તા રેસામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે વહીવટી વોર્ડ નં-2માં સમાવેશ ગધેડા માર્કેટ લક્ષ્મીનારાયણ સોસાયટી તરફ જવાના માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા દબાણો દૂર કરાયા બાદ સફાઈ તેમજ નવો રસ્તો બનાવવાની કામગીરી કરાતી ન હોવાના આક્ષેપ કર્યાં હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તા રેસામાં આવતા દુકાન દબાણો દૂર કરવાનું ઘનિષ્ઠ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વારસિયા પોલીસ અને જીઇબીની ટીમને સાથે રાખી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા આડેધડ કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દબાણ શાખા દ્વારા ઓટલા, કમ્પાઉન્ડ વોલ, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એક તબક્કે દબાણ શાખા અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ કે, દબાણો દૂર કરવા સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ, લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે દૂર કરાયેલા દબાણો બાદ સફાઇની કામગીરી કરવામાં નહીં આવે તો આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.