ભરૂચ : આમોદ તાલુકાના સરભાણ ગામે 13 વર્ષની આદિવાસી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ભરૂચ પોલીસે 70 દિવસની અથાગ મહેનત બાદ મજૂર કોલોનીમાં જ રહેતા 24 વર્ષીય આરોપી વસંત રાઠોડને પકડી પાડી મનોવૈજ્ઞાનિક રીતે આ અતિ સંવેદનશીલ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગત 8 નવેમ્બરે દીવાળીના તહેવાર બાદ સરભાણ ગામે પિતા વિનાની 13 વર્ષની ગરીબ આદિવાસી બાળા લાકડાનો ભારો લેવા ગઈ હતી. સીમમાં કપાસના ખેતરમાં સગીરાનું ગળું દબાવી, દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવાઈ હતી. જે અંગે આમોદ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. અતિ સંવેદનશીલ આ ગુનામાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ સ્થાનિક પોલીસ સાથે તપાસ LCBને સોંપી હતી. તેઓએ જાતે પણ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું. અને 5 વખત સ્પોટ વિઝીટ કરી ગામમાં જ કેમ્પ રાખી ગુનો ડિટેકટ કરવા રાત દિવસ એક કર્યા હતા.
SPની સીધી દેખરેખ હેઠળ LCB પીઆઇ જે.એન.ઝાલા, પેરોલ ફ્લો સ્કવોર્ડ સહિત 5 PSI અને 25 જવાનોની ટીમ બાળકીને ન્યાય અપાવવા અને ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી ગઈ હતી. LCB અને પેરોલ ફલો સ્કવોર્ડએ સરભાણ ગામે જ સિવિલ ડ્રેસમાં ધામા નાખ્યા હતા. ગામ તથા આજુબાજુના 200 થી વધુ લોકો તથા શકમંદોની સઘન પુછપરછ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ આધારે 1100થી વધુ મોબાઇલ ધારકોની ચકાસણી પણ કરાઈ હતી.
પરિવાર અને ગ્રામજનો બાળકીની લાશને બનાવ સ્થળેથી ઘરે લઇ આવ્યા હતા. ગામ લોકો તરફથી ગુનાને મદદરૂપ થાય તેવી પૂરતી માહીતી પણ સમયસર મળતી ન હતી. જોકે પોલીસ પ્રથમથી જ પેનલ ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ દરમ્યાન ખુબ જ ચોકસાઇ પુર્વક બાયોલોજીકલ સેમ્પલ લેવડાવ્યા હતા. જેમાં DNA મેચીંગ માટે સુરત FSLમાં મોકલ્યા હતા. સીમમાં ઘટના સ્થળની આસપાસ 100થી 150 મીટરના અંતરમાં 45 થી વધુ માણસો મજુરી કરતા હતા.જેનું 2 વખત રીકંન્ટ્રક્શન કરાયું હતું. તપાસ દરમ્યાન કુલ 7 શકમંદોને ઓળખી કઢાયા હતા.
પોલીસની 70 દિવસની મહેનત હવે રંગ લાવી રહી હતી. 7 શકમંદોના બાયોલોજીકલ સેમ્પલ મેળવી FSL સુરત ખાતે મોકલ્યા. અંતે જંત્રાણ ખાતેથી દુષ્કર્મ અને હત્યાનો આરોપી 24 વર્ષીય વસંત રાઠોડ ઝડપાઇ ગયો હતો. LCBની મનોવૈજ્ઞાનિક ઢબે સઘન પુછપરછ દરમ્યાન ગુનાને અંજામ આપનાર વસંત ભાંગી પડી રેપ અને મર્ડરની કબૂલાત કરી હતી.
આરોપી 19 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર, વહેલામાં વહેલી ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે
જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસ સામે આ અત્યંત નાજુક ગુનામાં અનેક પડકારો હતા. સાથે જ દિવસો વધતા જતા દબાણ પણ ખૂબ વધી રહ્યું હતું. તમામ પડકરોને પાર કરી રાતદિવસની અથાગ મહેનતથી અંતે પોલીસ આરોપી સુધી પોહચી ગઈ છે. શક્ય તેટલુ વહેલું ચાર્જર્સીટ કરી , કોર્ટમાં સત્વરે ટ્રાયલ પુર્ણ થાય અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છે. હાલ આરોપીના 19 મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ગુનો આચર્યા બાદ અન્ય લોકો સાથે જોડાઈ પોતે બાળકીની લાશને ઉંચકીને ઘરે લાવ્યો
આમોદના સરભાણની મજૂર કોલોનીમાં રહેતો રેપીસ્ટ અને હત્યારો 24 વર્ષીય વસંત પુંજાભાઇ રાઠોડ બે સંતાનોનો પિતા છે. જે બાળકીની નજીકમાં જ રહેતો હતો. તેની દુકાને વિમલ ગુટખા ખાવા જતો અને ખરાબ નજરથી જોતો. દરમિયાન 8 નવેમ્બરે બાળકી એકલી લાકડાનો ભારો લેવા સીમમાં જતા તેનો પીછો કરી ખેતરમાં આંતરી તેને પકડી, મોઢુ દબાવી, કપાસના વાવેતરમાં લઇ જઇ, નીચે પાડી દઇ, ગળુ દબાવી, બદકામ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ વસંત બાળકીની શોધખોળમાં અન્ય લોકો સાથે જોડાઇ ગયો અને લાશને ઉંચકીને ઘરે લઇ આવી પોલીસને ગુમરાહ પણ કરી હતી.