કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. બદલાપુરની શાળામાં છોકરીઓની જાતીય સતામણીનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તેવામાં પુણેમાં એક ખાનગી શાળામાં 12 વર્ષની વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પિંપરી ચિંચવાડની એક ખાનગી શાળામાં એક વિદ્યાર્થીનીની જાતીય સતામણીના સંબંધમાં શારીરિક શિક્ષણ (PE) શિક્ષક અને સાત અન્ય લોકોની ધરપકડ કરી છે.
અધિકારીએ જણાવ્યું કે બાળકીના માતા-પિતાએ નિગડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શુક્રવારે આરોપીની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષક અગાઉ પણ છેડતીના આરોપમાં જેલમાં જઈ ચૂક્યો છે. જો કે જેલમાંથી છૂટ્યા પછી, શાળાએ તેને પાછો નોકરી પર રાખ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદ મુજબ શિક્ષક છેલ્લા બે વર્ષથી કથિત રીતે છોકરીની જાતીય સતામણી કરી રહ્યો હતો. તેણે તેને ઘણી વખત ધમકી પણ આપી હતી. આરોપીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં શાળાના આચાર્ય, કેટલાક ટ્રસ્ટીઓ અને બોર્ડના સભ્યોનો સમાવેશ થાય છે.