મુંબઈ: બોલિવુડના કિંગ (Bollywood) શાહરૂખ ખાન (ShahRukhKhan) માટે હિટ ફિલ્મ બનાવી હોય છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ વર્ષ સુધી કોઈ જ કામ ન મળે તેવું બની શકે? આ વાત પર વિશ્વાસ થાય તેમ નથી, પરંતુ એવું બન્યું છે. શાહરૂખ ખાનની ઓલટાઈમ હિટ ફિલ્મોમાં જેની ગણતરી થાય છે તે ફિલ્મ ‘કલ હો ના હો’ (KalHoNaHo) નું દિગ્દર્શન કરનાર ડિરેક્ટર નિખિલ અડવાણીએ (NikhilAdvani) આવો જ આક્ષેપ કર્યો છે.
નિખિલ અડવાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કલ હો ના હો’ ના ડિરેક્ટર કર્યા બાદ ત્રણ વર્ષ સુધી તે બેરોજગાર હતો. તેની પાસે કોઈ જ કામ ન હતું. કામ નહીં હોવા પાછળ નિખિલ અડવાણીએ કરણ જૌહરને (KaranJohar) જવાબદાર ઠેરવ્યો હતો. ‘કલ હો ના હો’ ફિલ્મના મેકિંગ દરમિયાન કરણ જૌહર સાથે ઝઘડો થવાના લીધે તેને ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ જ કામ નહીં મળ્યું હોવાનો નિખિલે આક્ષેપ કર્યો છે.
નિખિલ અડવાણીએ કરણ જોહરની પ્રથમ બે ફિલ્મો ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ સાથે સહાયક દિગ્દર્શક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 2003માં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાન અભિનીત કલ હો ના હો સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમાં કરણ જોહરની વાર્તા અને પટકથા હતી. કરણે તેના સંસ્મરણો ‘એન અનસ્યુટેબલ બોય’માં જણાવ્યું કે તેને રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું નિર્દેશન ન કરવા બદલ અફસોસ છે. હવે નિખિલે આ ફિલ્મ દરમિયાન કરણ સાથેના પોતાના મતભેદો વિશે વાત કરી છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નિખિલે ખુલાસો કર્યો હતો કે તેને કરણ સાથે જાહેરમાં અણબનાવ હતો અને તેણે ત્રણ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ કર્યું નથી. નિખિલે કહ્યું, “કલ હો ના હો પછી, મારી પાસે ત્રણ વર્ષ સુધી કામ નહોતું. કોઈ મારી સાથે કામ કરવા માગતું ન હતું. મેં ધર્મા પ્રોડક્શન્સ છોડી દીધું અને તે જાહેર થયું ત્યારથી મારી પાસે ત્રણ વર્ષથી કોઈ કામ નહોતું. આખરે ‘ડી-ડે’ પછી જ્યારે મેં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું બધું જ કરવા માંગતો હતો. ફરીથી, હું ક્યારેય તે સ્થિતિમાં પાછા જવા માંગતો ન હતો.”
આ પહેલા નિખિલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નિર્માતા યશ જોહરના મૃત્યુ બાદ તેણે અને કરણે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, 2004માં તે સમયે અમારા બંનેમાં અહંકાર હતો. મેં ‘કલ હો ના હો’ ડિરેક્ટ કર્યા પછી એક આસિસ્ટન્ટ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો સંબંધ બે દિગ્દર્શક વચ્ચેનો બની ગયો. બંનેએ સુપરહિટ ફિલ્મો બનાવી. પરંતુ જ્યારે યશ જોહરનું અવસાન થયું, અમે ફરીથી એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું.