છેલ્લા 60 કરતાં વધુ વર્ષોથી રમતોના મહાકુંભ એવી ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાત સતત ગેરહાજર જ રહ્યું છે. જો કે ટોક્યો ઓલિમ્પિક્સમાં જાણે કે એ 60 વર્ષની કસર નીકળી રહી હોય તેમ ત્રણ મહિલા ખેલાડી મુખ્ય ઓલિમ્પિક્સમાં, જ્યારે બીજી ત્રણ મહિલા ખેલાડીઓ પેરાલિમ્પિક્સમાં ભાગ લઇ રહી છે અને તેના કારણે 60 વર્ષ પછી ઓલિમ્પિકસમાં ગુજરાતની હાજરી પુરાશે અને સંભવત: આ ગુજરાતી ખેલાડીઓમાંથી કોઇ મેડલ પણ જીતી લાવી શકે છે, 1960માં યોજાયેલા રોમ ઓલિમ્પિકસમાં હોકી ટીમમાં રમેલા ગોવિંદરાવ સાંવતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને હવે સ્વિમર માના પટેલ, ટેનિસ ખેલાડી અંકિતા રૈના, શૂટર ઇલાવેનિલ વલારીવન ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો પહોંચી ગયાં છે, આ ઉપરાંત પારૂલ પરમાર પેરા બેડમિન્ટનમા, તેમજ ભાવિના પટેલ અને સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસમાં ભાગ લેવાની છે. છ મહિલા ખેલાડીઓમાંથી ત્રણ મહિલા ટોક્યો ઓલિમ્પિક્સમાં, જ્યારે ત્રણ પેરાલિમ્પિક્સમાં ભાગ લઇ રહી છે, જેમાં સ્વિમર માના પટેલ, ટેનિસ ખેલાડી અંકિતા રૈના, શૂટર ઇલાવેનિલ વલારીવન મુખ્ય ઓલિમ્પિક્સમાં ભાગ લઇ રહી છે જ્યારે પારૂલ પરમાર પેરા બેડમિન્ટનમાં, તેમજ ભાવિના પટેલ અને સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસમાં ભાગ લેવાની છે
માના પટેલ
ગુજરાતની 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે યુનિવર્સિટી ક્વોટા પર ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થઇને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, મૂળ અમદાવાદની માના પટેલ 100 મીટર બેકસ્ટ્રોક સ્વીમીંગમાં ભાગ લેશે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી દેશની પ્રથમ મહિલા સ્વીમર બની છે. 21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં અત્યાર સુધી 80થી વધુ મેડલ મેળવ્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ, રાજ્ય કક્ષાના 82 અને રાષ્ટ્રીય સ્તરના 72 મેડલ છે.
અંકિતા રૈના
ભારતમાં ટેનિસની રમતમાં જો કોઇ મહિલા ખેલાડીનું સૌથી વધુ જાણીતું નામ હોય તો તે છે સાનિયા મિર્ઝા, જો કે છેલ્લા કેટલાક સમયથી ટેનિસ તખ્તે સિંગલ્સ અને ડબલ્સમાં એક નામ સતત ચર્ચામાં રહ્યું છે અને તે છે ગુજરાતની અંકિતા રૈનાનું. સાનિયા ભલે ડબલ્સમાં ચેમ્પિયન હોય પણ જો વાત સિંગલ્સની આવે તો અંકિતા રૈના ભારતની ટોચની ખેલાડી છે. આ વર્ષે ઓલિમ્પક્સમાં ક્વોલિફાઇ થયેલી અંકિતા સાનિયા મિર્ઝાની ડબલ્સ પાર્ટનર તરીકે રમવાની છે અને ત્યારે જૂની બધી ફરિયાદો દૂર થઇ જશે
ઇલાવેનિલ વાલરીવાન
શૂટિંગમાં ચર્ચાતુ એક નામ ઇલાવેનિલ વલારિવાનનું છે. મૂળે દક્ષિણ ભારતીય પરંતુ અમદાવાદમાં સ્થાયી થયેલી ઇલાવેનિલે છેલ્લા કેટલાય સમયથી શૂટિંગમાં જોરદાર સફળતા મેળવી છે. ચીનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઇએસએસએફ)ની વર્લ્ડ શૂટિંગ ફાઇનલ્સમાં ભારતે પ્રથમ દિવસે જ તરખાટ મચાવીને ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા જેમાંનો એક મેડલ ઇલાવેનિલે જીત્યો હતો. તામિલનાડુના કુડ્ડાલોરમાં જન્મેલી ઇલાવેનિલ બાળપણથી જ પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થઈ છે.
ગુજરાતમાંથી સૌપ્રથમ ઓલિમ્પિકમાં જનાર કોણ હતું ?
ટોકિયો ઓલિમ્પિક માટે ગુજરાતની છ મહિલા વિવિધ રમતની પસંદ થઈ છે. પરંતુ ગુજરાતમાંથી સૌ પ્રથમ ઓલિમ્પિક્સ માટે કોણ ગયું હતું? તેનો જવાબ છે શશિકાંત થોરાટ દાદા. વડોદરાના આ જાણીતા પહેલવાને 1936 ની બર્લિન(જર્મન) ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમમાંથી ભાગ લીધો હતો. ત્યારબાદ 1960માં ગુજરાતના ગોવિંદરાવ સાવંતે 1958 ની ટીમ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમમાં હતા અને ફાયનલ સુધીની મેચો રમ્યા હતા. યોગાનુયોગ બંને વડોદરાના હતા. તે પછી ગુજરાતનો કોઇ ખેલાડી એકેય ઓલિમ્પિક્સમાં હાજરી પુરાવી શક્યો નહોતો.
પારૂલ પરમાર (પેરાલિમ્પિયન)
ઉંમર અને શારીરિક વિષમતાઓ છતાં પારુલ પરમાર પૅરા બેડમિન્ટનના વર્લ્ડ સર્વિસ એસએલ3 કૅટેગરીમાં છેલ્લા એક દાયકાથી નંબર વન છે અને 47 વર્ષની ઉંમરે પહોંચવા છતાં પારૂલ હજુ રમતમાં સક્રિય છે. પારૂલના પ્રભુત્વનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બીજી ક્રમાંકિત માનસી જોષીથી તે 1000 પૉઇન્ટ આગળ છે. 2007માં પારુલે સિંગલ્સ અને ડબલ્સ પૅરા વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. 2015 અને 2017માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં જીત મેળવી. 2014 અને 2018માં એશિયન પૅરા ગેમ્સમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભાવિના પટેલ (પેરાલિમ્પિયન)
વિશ્વમાં 8મો રેન્ક ધરાવતી 35 વર્ષીય ભાવિના પટેલ પહેલી એવી ખેલાડી છે જે પેરા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગામડાંમાં ઉછેરેલાં ભાવિનાબહેનના પરિવારમાં કોઇ સ્પોટ્ર્સ બેગ્રાઉન્ડ ધરાવતું નથી. ટાઇમપાસ કરવા માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કરનાર ભાવિના પટેલે નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો તે પછી તેમણે ટેબલટેનિસ પ્રોફેશનલી રમવાનું શરૂ કર્યું હતુ અને હવે ટોક્યો ખાતે યોજાનારા પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાતની હાજરી પુરાવશે.
સોનલ પટેલ (પેરાલિમ્પિયન)
અમદાવાદમાં ગોતા વિસ્તારની 34 વર્ષીય સોનલ પટેલે કદી પેરા ખેલાડી બનવાની ખ્વાઇશ રાખી નહોતી. જન્મથી દિવ્યાંગ હોવાથી સારો અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સપનું જોનારી સોનલ પટેલે અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. છેલ્લાં 12 વર્ષથી ટેબલ ટેનિસ રમતી સોનલના પતિ પણ પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે અને હવે ગોલ્ડ મેડલ જીતવાના લક્ષ્યની સાથે સોનલ પટેલ ગુજરાત વતી પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.