સુરત : સ્મીમેર હોસ્પિટલમાં શ્રમજીવી પરિવારની મહિલાએ બીજા દિકરાને જન્મ આપ્યો હતો. તે સમય દરમિયાન તેના મોટા 4 વર્ષના દિકરાને એક મહિલા અપહરણ કરી લઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ અને વરાછા પોલીસે આ મહિલાને ગણતરીના કલાકોમાં પકડી પાડી બાળકને શોધી પરિવારને સોંપ્યો હતો. મહિલાના લગ્નના વીસ વર્ષ પછી પણ તેને સંતાન નહીં હોવાથી તેણે સ્મીમેરમાંથી બાળકનું અપહરણ કર્યું હતું.
કતારગામ ખાતે જનતાનગરમાં રહેતા 30 વર્ષીય શિવશંકર ચંદ્રબલી ગૌડ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને એક ચાર વર્ષનો પુત્ર અર્ક છે. શિવશંકરની પત્ની ગોમતી ગર્ભવતી હોવાથી તેની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
શુક્રવારે સાંજે તે સ્મીમેરમાં સારવાર માટે આવતા તેમને રાત્રે ગાયનેકોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. અને રાત્રે એકાદ વાગ્યે ગોમતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. બીજા દિવસે શનિવારે બપોરે શિવશંકર તેની પત્ની અને ભાભી સાથે બેસીને જમતા હતા ત્યારે શિવશંકરની ભાભીએ 4 વર્ષીય અર્ક ગાયબ હોવાનું કહ્યું હતું. જેથી તેમણે હોસ્પિટલમાં શોધખોળ કરી બાદમાં સીસીટીવી રૂમમાં ગયા હતા. જ્યાં ચેક કરતા અર્ક ગાયનેકોલોજીસ્ટ વોર્ડની સામે એમએનસીયુ વોર્ડમાં ચાલતો જતો હતો. ત્યાં એક સાડી પહેરેલી મહિલા અર્કને તેડીને તેને સાડીમાં ઢાકીને લઈ જતી જોવા મળી હતી.
આ મહિલા બાળકને ગેટની બહાર લઈ જતી જોવા મળતા તાત્કાલિક વરાછા પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ પોલીસ અને વરાછા પોલીસની ટીમે સંયુક્ત પ્રયાસ કરીને આરોપી મહિલા સીમાબેન શંકરભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૫, રહે. ૩૧૭,૧૩૮, બીજા માળે, વિજયનગર સોસાયટી વિભાગ-૨, આઇમાતા રોડ, પૂણાગામ તથા મુળ મહુવાગામ, જિલ્લો પાલી રાજસ્થાન) અને તેના પતિ શંકરભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૮) ની ધરપકડ કરી હતી.
મહિલાની પુછપરછ કરતા તપાસ દરમ્યાન તેનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં બાળકના સ્વાગત કરતા ફોટા હતા. તેમજ કંકુ પગલાના ફોટા પાડેલા હતા. અને બાળકના પગમાં પણ કંકુના નિશાન મળી આવ્યા હતા. મહિલાના લગ્નને વીસેક વર્ષ થયા હતા. છતા પોતાને સંતાન થયું નહીં હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં જઇ આ બાળકનું અપહરણ કર્યું હતું. તેને ઉછેર કરવાના ઇરાદે ઘરે લઇ આવી હતી.
મહિલાએ વારાફરથી બે રીક્ષા બદલી હતી
બનાવને પગલે વરાછા પોલીસની ટીમ તથા ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમોએ કામે લાગી સીસીટીવી કેમેરા ચેક કરતા આ મહિલા બાળકને સ્મીમેર હોસ્પિટલની બહાર જઇ એક ઓટો રીક્ષામાં બેસતા જોવા મળી હતી. પોલીસ આગળની દિશા નક્કી કરી તે પહેલા મહિલાએ બીજી ઓટો રીક્ષા બદલી નાખી હતી.
સીસીટીવીમાં રીક્ષા નંબરના આધારે ચાલકનો સંપર્ક કરી પગેરું મેળવ્યું
પોલીસની ટીમે આશરે 75 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આ ઓટો રીક્ષાને શોધી તેનો નંબર જોઈને નંબરના આધારે ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરાયો હતો. અને રીક્ષા ચાલકને બનાવ અંગે વાત કરી સાથે રાખી પોલીસે તપાસ કરી હતી. ત્યારે રીક્ષા ચાલકે એક મહિલાને સ્મીમેર હોસ્પિટલના ગેટ આગળથી બેસાડી હતી. અને વરાછા પૂણા બોમ્બે માર્કેટ રોડ રેણુકાભવન બ્રિજ ઉતરતા ત્યાં ઉતારી હતી. પોલીસે તે દિશામાં સીસીટીવી ચેક કરતા કરાવતા અર્ચના બ્રિજ નીચે લગાવેલા સરકારી સીસીટીવી કેમેરામાં આ મહિલા બાળકને લઇને આઇમાતા રોડ તરફ ચાલતી ચાલતી વિજયનગર સોસાયટી તરફ જતી જોવા મળી હતી.
પોલીસ હોવાની જાણ ન થાય તે રીતે સોસાયટીના મકાનોમાં તપાસ કરી
મહિલા બાળકને વિજયનગર સોસાયટીની આજુબાજુમાં જ લઇ ગઈ હતી. પોલીસ કોઈને શોધી રહી છે એવી કોઈને ખબર પણ ન પડે અને બાળકને આરોપીઓ કોઈ પણ પ્રકારનું નુકશાન ન કરે તે રીતે આખું ઓપરેશન પ્લાન કરાયું હતું. કારણકે જો અપહરણકારોને ગંધ આવી જાય તો બાળકને મારી નાખવાની શક્યતાઓ વચ્ચે ખૂબ કુનેહપૂર્વક આખી સોસાયટીના તમામ ઘરોને અલગ અલગ ટીમોથી ચેક કરાયા હતા.
સોસાયટીના સીસીટીવીમાં મહિલા મકાનમાં જતી જોવા મળી
સોસાયટીના એક સીસીટીવી કેમેરામાં અપહરણકાર મહિલા બાળકને લઇને એક મકાનમાં જતી જોવા મળી હતી. જે મકાનમાં બીજી પંદર જેટલી નાની નાની ખોલીઓ હોવાથી તેમાં કુનેહપૂર્વક કામ હાથ ઉપર લઇ ભોગ બનનાર બાળક તથા આરોપી મહિલા તથા તેના પતિને શોધી કાઢી સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
એક બાજુ બીજા પુત્રનો જન્મ અને બીજી બાજુ મોટા દિકરાનું અપહરણ
સ્મીમેર હોસ્પિટલમાં એક તરફ માતાએ બીજા દિકરાને જન્મ આપ્યો અને બીજી તરફ ચાર વર્ષનો મોટો દિકરો ગુમ થઈ ગયો હતો. એક તરફ બાળક થવાની ખુશી અને બીજી તરફ બાળક ગુમ થતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી મા-બાપને સોંપતા પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.