સુરત: આજે મંગળવારથી અધિક માસ સાથે ગુજરાતીઓનો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. 19 વર્ષ પછી શ્રાવણ માસમાં અધિક માસ આવ્યો છે. જેમાં પુષ્ય નક્ષત્ર પહેલા જ દિવસે આવી રહ્યું છે. દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, આ દિવસે શિવ અને નારાયણની પૂજા અને જપ-તપ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2004 માં શ્રાવણ માસમાં પુરૂષોત્તમ માસ આવ્યો હતો, 19 વર્ષ બાદ ફરી તેનો લાભ મળવા જઈ રહ્યો છે. તે 18 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને 16 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વખતે શ્રાવણના પહેલા જ દિવસે પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે, જેમાં શિવ-નારાયણની પૂજા, જપ અને તપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે. પુરુષોત્તમ માસમાં લગ્ન, જનોઈ, વાસ્તુ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ આ માસમાં ભગવાનની આરાધના, જપ, ભક્તિ અને દાન અનેકગણું ફળદાયી બને છે.
પુરૂષોત્તમ માસમાં સાત અનાજની પૂજા, ઘડાનું દાન, અન્નદાન, વસ્ત્ર-રત્નનું દાન, ભગવાન સત્યનારાયણની કથા, પુરુષોત્તમ માસની કથા, ભાગવત કથા અને ભક્તિ-કીર્તન ખૂબ જ શુભ અને તરત જ ફળદાયી બને છે. પુરૂષોત્તમ માસ દરમિયાન ભગવાન કૃષ્ણની તસ્વીર રાખવા, દીવો અને ધૂપ પ્રગટાવવાથી અને આખો મહિનો ‘શ્રી કૃષ્ણ શરણમ્ મમ’ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.