બ્રિટીશ યુગમાં ઘડાયેલા ફોજદારી કાયદાઓને બદલે આપણી સરકાર ત્રણ નવા કાયદાઓ લાવી રહી છે. આ ત્રણ કાયદાઓ અપરાધને લગતા છે અને તેનો દેશમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. કેટલાક કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો કેટલાક નવેસરથી લખાયા છે; એટલે કે નામની સાથે તેમનું કામ પણ બદલાઈ ગયું છે. લોકસભામાં પસાર કરવામાં આવેલા ખરડા મુજબ અગાઉની ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ હવે ભારતીય ન્યાયિક સંહિતા ૨૦૨૩ હશે. એ જ રીતે ક્રિમિનલ પ્રોસિજર કોડ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ ૧૯૭૨ હવે ભારતીય પુરાવા અધિનિયમ ૨૦૨૩ બનશે. આ ત્રણ નવા કાયદાઓ લાવતાં પહેલાં ૧૮ રાજ્યો, ૬ કેન્દ્રશાસિત પ્રદેશો, સુપ્રીમ કોર્ટ, ૧૬ હાઈકોર્ટ, ૫ ન્યાયિક અકાદમી, ૨૨ કાયદા યુનિવર્સિટીઓ, ૧૪૨ સાંસદો, લગભગ ૨૭૦ ધારાસભ્યો અને જનતાએ આ નવા કાયદાઓ પર તેમનાં સૂચનો આપ્યાં હતાં. ભાજપની સરકારને વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધનની એટલી બધી એલર્જી છે કે આ નવા કાયદાઓમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવ્યું છે. આ કાયદાઓ પર ૪ વર્ષ સુધી સઘન ચર્ચા કર્યા બાદ તેને તૈયાર કરીને લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે. હવે તેને રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેનો અમલ કરવામાં આવશે.
બ્રિટિશ યુગ દરમિયાન ઇન્ડિયન પિનલ કોડ ભારતમાં અંગ્રેજી શિક્ષણપદ્ધતિનો પાયો નાખનારા લોર્ડ મેકોલે દ્વારા લખવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે મેકોલેએ કાયદાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને સૌથી પહેલો ઈંડાંની ચોરીનો કેસ મળ્યો હતો, પરંતુ તે પહેલો કેસ જ હારી ગયો હતો. તેને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. તે પહેલા કેસમાં જ પોતાની હારને પચાવી શક્યો ન હતો. તેણે વકીલાત છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
ટૂંક સમયમાં મેકોલે બ્રિટિશ સંસદનો સભ્ય બન્યો હતો. પછી ૧૬૩ વર્ષ પહેલાં એવી તક આવી કે તેણે ઇન્ડિયન પિનલ કોડ લખ્યું હતું. બ્રિટીશ યુગમાં ભારતને ગુલામ રાખવા માટે ઘડવામાં આવેલા ઘણા કાયદાઓમાં ફેરફારની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. કેટલાક કાયદાઓ એવા છે જે તેમની ઉપયોગિતા ગુમાવી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ૨,૦૦૦ થી વધુ જૂના પુરાણા કાયદાઓ ઓળખી કાઢ્યા છે અને તેને રદ પણ કર્યા છે.
દેશના સૌથી ચર્ચિત કાયદા આઈપીસીમાં ૫૧૧ સેક્શન છે, પરંતુ તેમાંથી હવે ૧૫૫ સેક્શન ઘટાડવામાં આવશે, જે નવા કાયદામાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. એટલે કે નવા કાયદામાં બધા મળીને માત્ર ૩૫૬ કલમો હશે. આ કાયદાના ૧૭૬ વિભાગોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, તેના ૨૨ વિભાગો દૂર કરવામાં આવી રહ્યા છે અને તેમાં ૮ નવા વિભાગો ઉમેરવામાં આવી રહ્યા છે. જો આપણે મુખ્ય ફેરફારનો ઉલ્લેખ કરીએ તો તે છે દફા ૩૦૨ જે તમે ઘણી વાર ફિલ્મોમાં પણ સાંભળ્યું હશે. તેમાં હત્યાના કેસમાં મૃત્યુદંડ આપવામાં આવે છે.
નવા કાયદામાં આ સંખ્યા હવે દફા ૧૦૧ થઈ જશે. તમે કલમ ૪૨૦ વિશે ઘણું સાંભળ્યું હશે. ઘણી વાર છેતરપિંડીના કિસ્સામાં આ કલમ લગાવવામાં આવે છે. આ કલમ હવે ૩૧૬ બની જશે. ગુનાહિત ષડયંત્ર માટે ઉપયોગમાં લેવાતી કલમ ૧૨૦-બીનો નંબર પણ બદલાઈ ગયો છે. હવે તે ૬૧મા નંબર પર રહેશે. જ્યારે પણ હુલ્લડ કે હંગામો થાય છે ત્યારે પોલીસ તરત જ કલમ ૧૪૪ લગાવી દે છે. ભીડ એકઠી થતી રોકવા માટે CrPCની કલમ ૧૪૪ લાગુ કરવામાં આવે છે. તેને સભા કે સરઘસબંધી પણ કહેવાય છે. હવે તે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં કલમ ૧૬૩ થઈ જશે.
આઈપીસીની જે કલમની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે રાજદ્રોહની છે. આ બાબત પણ તાજેતરના દિવસોમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. નવા કાયદામાં કલમ ૧૨૪બીને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે લોકો તેને દેશદ્રોહ કહે છે, પરંતુ અંગ્રેજોના સમયમાં તે રાજદ્રોહ ગણાતો હતો. તે મુજબ બ્રિટીશ તાજની કે સરકારની ટીકા કરવી તેને રાજદ્રોહ માનવામાં આવતો હતો. આઈપીસીની કલમ ૧૨૧માં દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે અલગ કલમ છે.
જો તમને ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈની તાજ હોટેલ પર થયેલો હુમલો યાદ હોય, તો આ જ કલમ પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ સામે લગાવવામાં આવી હતી. દેશદ્રોહના નામે જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેમાં ઘણી નવી બાબતો છે. નવા કાયદામાં સશસ્ત્ર વિદ્રોહ, દેશની તોડફોડ, અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી, દેશની એકતા અને અખંડિતતા માટે જોખમ જેવા અપરાધો ઉમેરવામાં આવ્યા છે. આ નવો કાયદો હવે કલમ ૧૫૦ હશે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ માટે સજાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
નવા કાયદામાં નાના ગુનાઓ માટે સમુદાય સેવા દંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે નાનીમોટી ચોરી જેવા કેસમાં જો કોઈ પકડાય તો તેને આકરી સજા આપવાને બદલે સમાજ માટે કંઈક સારું કામ કરવા જવાનું કહેવામાં આવશે. આનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદામાં સામુહિક બળાત્કારના દોષિતોને ૨૦ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. સગીર પર બળાત્કાર કરનારને ફાંસીની સજા સાથે કડક બનાવવામાં આવી છે. લગ્ન કે નોકરીના બહાને બળાત્કાર કરવા બદલ અલગથી સજાની જોગવાઈ છે.
મોબ લિંચિંગ કેસમાં ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા છે. એટલે કે ભીડમાં કોઈને પકડીને મારી નાખે તો તેને હવે અલગ કાયદામાં રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી આવા મામલાઓને માત્ર કલમ ૩૦૨માં સામેલ કરવામાં આવતા હતા. હવે કેસમાં ઝડપી કાર્યવાહી માટે ઝીરો એફઆઈઆરની સુવિધામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. કેસ પર ઝડપી કાર્યવાહી માટે હવે ઝીરો એફઆઈઆર ૧૫ દિવસની અંદર કેસ નોંધાયેલ પોલીસ સ્ટેશનને મોકલવી પડશે. ઝીરો એફઆઈઆર એટલે કે તમે રાજ્યના કોઈ પણ શહેર અથવા પોલીસ સ્ટેશનમાં જઈને તમારી એફઆઈઆર નોંધાવી શકો છો. કેસ કયા પોલીસ સ્ટેશન કે શહેરમાં છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ૨૦૧૨ માં દિલ્હીમાં બનેલા નિર્ભયા ગેંગ રેપ કેસ પછી કેન્દ્ર સરકારે દેશમાં વધતા ગંભીર કેસોને રોકવા માટે ઝીરો એફઆઈઆરની સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
નવા કાયદામાં એફઆઈઆરથી લઈને સમગ્ર પ્રક્રિયાને ડિજિટાઈઝેશનની વાત છે. દરેક કેસમાં ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. નવા કાયદામાં ચાર્જશીટ પ્રાપ્ત થયાના ૬૦ દિવસની અંદર ચાર્જ ફ્રેમ કરવાનો પ્રસ્તાવ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોર્ટે સુનાવણી પૂર્ણ થયાના ૩૦ દિવસમાં પોતાનો નિર્ણય આપવો પડશે. કોર્ટનો નિર્ણય ૭ દિવસમાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્રણ વર્ષની સજામાં સમરી ટ્રાયલ ફરજિયાત કરવામાં આવશે. સમરી ટ્રાયલ એટલે ઓછા ગંભીર કેસોની ઝડપથી સુનાવણી કરીને કેસનો નિકાલ. અગાઉ બે વર્ષ સુધીની સજામાં આ ફરજિયાત હતું. એવું માનવામાં આવે છે કે આનાથી સેશન્સ કોર્ટમાં કેસોની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો થશે. કેસના ત્વરિત નિકાલ અને યોગ્ય તપાસ માટે નવા કાયદામાં હવે ફોરેન્સિક ટીમ માટે કોઈ પણ ગુનાના સ્થળની મુલાકાત લેવાનું ફરજિયાત બનાવાયું છે.