સોશિયલ મિડિયાએ આપણું ઘણું બધું છીનવી લીધું છે. ટીવી ચેનલોની વાહિયાત શ્રેણીઓ એ સારાં નાટકો, પ્રહસનોનો ભોગ તો લીધો જ છે. આખા વર્ષમાં એકાદ બે સ્પર્ધાની ટેકણ લાકડીના સહારે નાટકો ચાલે છે. તો સુગમસંગીતની તો દિશા અને દશા એટલી હદે ભુલાઈ ગયાં છે કે સુરત જેવા સમૃદ્ધ નગરમાં પણ એકાદ સુગમ સંગીતનો કાર્યક્રમ વર્ષમાં એકાદ પણ યોજાય તો આપણું નસીબ. આવા સોશિયલ મિડીયાના આક્રમણ સામે પણ પોણી સદીથી અણનમ અને અજોડ, ચાર-ચાર પેઢી જોઈ ચૂકેલું કોઇ એક ગીતનું નામ આપવું હોય તો તે ફિલ્મ દિવાદાંડીનું, ‘તારી આંખનો અફીણી’ કહી શકાય.
કવિ વેણીભાઈ પુરોહિતે રચેલું આ ગીત ગુજરાતી ફિલ્મ દિવાદાંડીમાં તો બાદમાં સમાવેશ પામ્યું. એનો યશ બરકત વીરાણી ‘બેફામ’ ને આપવો પડે. કારણ કે આ ફિલ્મનાં સંવાદો એમણે લખેલા અને એક પ્રણય ગીતની જરૂર હતી. વેણીભાઈએ આ ગીત બેફામને સંભળાવતા તરત એમને ગમી ગયું અને પછી તો આ એક ગીતે ઈતિહાસ સર્જયો. જેનુ સંગીત અજિત મર્ચન્ટે તૈયાર કર્યું. સ્વરકાર તરીકે જાણીતા હોય એવા નાગર સપૂત સ્વ. દિલીપ ધોળકિયાએ સૌ પ્રથમ આ ગીતને કંઠ આપ્યો.
એ પણ વિરલ ઘટના કહેવાય. કારણ કે સંગીતકાર તરીકે જ એમની ખ્યાતિ હતી. સુરતના રાષ્ટ્રીય કલાકેન્દ્રે એક સમયે સંગીત શિબિરનું આયોજન કરેલ ત્યારે પ્રત્યક્ષ મળવાનો મોકો આ લખનારને પ્રાપ્ત થયો હતો. પણ ત્યારબાદ ભાગ્યેજ કોઈ એવો કોઈ ગાયક હશે કે જેણે મંચ ઉપરથી આ ગીત રજૂ ના કર્યું હોય. આ ગીત ગુજરાત તો ઠીક વિદેશ વસેલા ગુજરાતી સમાજમાં પણ એટલું જ વ્હાલું છે. એક કોન્સર્ટમાં એક નોન ગુજરાતી જગજિત સિંહને આ ગીત ગાવાની ફરમાઈશ કરી બેઠો. તો શ્રોતાઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા. ત્યારે જગજિત સિંહે હસતાં હસતાં કહ્યું કે ભલે હું ગુજરાતી નથી. પણ આ ગીત હું જાણું છું, મને અડધું તો આવડે જ છે, માટે તમારી ફરમાઈશ પૂરી કરીશ.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજથી તમારી બચત પાછલી જિંદગીનો આધાર સ્થંભ બને છે
હાલમાં લગ્નની સીઝન ચાલે છે. લોકો ચડસાચડસીમાં સમાજમાં આના કરતાં મારું સારું અને મોટું દેખાય એવા અહંકારથી મોટા પાર્ટી પ્લોટ તથા તેની સાથે મોટી રકમની ડીશનો કોન્ટ્રાકટ આપે છે. મારો સવાલ એ છે કે મોટી રકમની ડીશ હશે તો શું મહેમાન વધારે ખાશે. માણસ પોતાની કેલેરી બને તેટલો જ ખાશે. સિનિયર લગભગ 500 ગ્રામ ખાશે જયારે જુવાન તેનાથી વધારે ખાશે. મારો સવાલ એ છે કે મોટા પાર્ટી પ્લોટ તથા મોટી રકમની ડીશમાં કાપ મૂકીને રકમ બચે તે તમારી છોકરીને બચત તરીકે દરેક સ્વરૂપમાં આપી રોકાણ રોકી શકાય છે. બચત કાયમની યાદગાર બની રહેશે. પાર્ટી પ્લોટ કે ડીશની ચર્ચા 2 થી 3 દિવસ ચાલશે પછી બધાં ભૂલી જશે. આજથી તમારી બચત હોય ત્યારે પાછલી જિંદગીમાં આવક ઘટી જાય છે અને ખર્ચા વધી જાય છે.
સુરત – મહેશ આઇ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
