કાબૂલ: અફઘાનિસ્તાનના (Afghanistan) ઉત્તરીય પ્રાંત સરાએ પોલમાં બે પ્રાથમિક શાળાઓમાં કુલ મળીને ૮૦ જેટલી છોકરીઓને ઝેર (Poison) અપાયું હોવાના અહેવાલ બહાર આવ્યા છે, જો કે સદભાગ્યે કોઇનો જીવ ગયો નથી.
મળતી વિગતો મુજબ સાંગચરાક જિલ્લાની નસવાને અબોદ સ્કૂલ નામની એક શાળામાં ૬૦ છોકરીઓને અને નસવાને ફૈઝાબાદ શાળામાં ૧૭ છોકરીઓને ઝેર અપાયું હતું. પ્રાંતિય શિક્ષણ વિભાગના વડા મોહમ્મદ રહેમાનીએ જણાવ્યું હતું કે ૮૦ વિદ્યાર્થિનીઓને ઝેર અપાયું હતું. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેમની સ્થિતિ હવે સારી છે. જો કે કઇ રીતે ઝેર અપાયું તેની કોઇ વિગતો તેમણે આપી ન હતી. એમ જાણવા મળે છે કે જેમને ઝેર અપાયું તે બધી છોકરીઓ ધોરણ ૧થી ૬ની વિદ્યાર્થિનીઓ હતી. હાલની તાલીબાન સરકારે ધોરણ ૬થી આગળ છોકરીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂકયો છે. જો કે ચોરી છૂપીથી છોકરીઓના ઉચ્ચ શિક્ષણ માટેના વર્ગો ચાલે છે.
- છોકરીઓને હોસ્પિટલમાં ખસેડાઇ, તમામના જીવ બચી ગયા, ઉત્તર અફઘાનિસ્તાનનો બનાવ
- કોણે અને કેવી રીતે ઝેર આપ્યું તેની કોઇ માહિતી નહીં
- અતિ રૂઢિચુસ્ત કબીલાઇ અગ્રણીઓ છોકરીઓને બિલકુલ ભણાવવા જ માગતા નથી તેથી કન્યા શાળાઓ પર આવા હુમલા થતા રહે છે
- જેમને ઝેર અપાયું તે બધી છોકરીઓ ધોરણ ૧થી ૬ની વિદ્યાર્થિનીઓ હતી
એમ જાણવા મળે છે કે અગાઉ અમેરિકાના ટેકા સાથે ચાલતી સરકાર હતી ત્યારે પણ આવા છોકરીઓને ઝેર આપવાની, કન્યા શાળા તરફ ઝેરી ગેસ છોડવાના બનાવો બન્યા હતા. આની પાછળનું કારણ એમ જાણવા મળે છે કે તાલીબાનો તો છોકરીઓને છઠ્ઠા ધોરણ સુધી પણ ભણવાની છૂટ આપે છે પરંતુ કેટલાક અતિ રૂઢિચુસ્ત કબીલાઇ અગ્રણીઓ તો છોકરીઓને બિલકુલ ભણાવવા જ માગતા નથી અને તેથી કન્યા શાળાઓ પર આવા હુમલા થતા રહે છે.