સુરત: એડવોકેટ (Advocate) મેહુલ બોઘરા (Mehul Boghra) પર ટીઆરબી (TRB) સાજન ભરવાડ (Sajan Bharvad) દ્વરા જીવલેણ હુમલા (Attack) ના કેસમાં આરોપી સાજન ભરવાડ તરફે જામીન અરજી દાખલ કરનાર સુરતના વકીલ મિનેષ ઝવેરી (Manish Zaveri) સામે સુરતની વકીલ આલમમાં રોષ વ્યાપી ગયો છે. સુરત બાર એસોસિએશન (Surat Bar Association) દ્વારા મિનેષ ઝવેરીને ઠપકો આપવામાં આવ્યા બાદ આજે વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં મિનેષ વિરુદ્ધ ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલ મંડળ દ્વારા મિનેષ ઝવેરીનું સભ્ય પદ આજીવન માટે સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન સુરત જિલ્લા વકીલમંડળે વકીલ ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી સાજન ભરવાડ તરફે કોઇપણ વકીલે હાજર નહીં થવા માટે વિનંતી કરી હતી, પરંતુ વકીલમંડળના આ નિર્ણય સામે સુરત વકીલમંડળના જ સભ્ય મિનેષ ઝવેરીએ સાજન ભરવાડ તરફે વકીલપત્ર રજૂ કરીને જામીનઅરજી દાખલ કરતાં વકીલમંડળમાં હોબાળો મચી ગયો હતો. મિનેષ ઝવેરી સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે સુરત વકીલમંડળની તાત્કાલિક અસરથી ગુરૂવારે કાઉન્સિલ સભા મળી હતી, જેમાં શુક્રવારે ફરી વકીલોની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં મિનેષ ઝવેરીના સભ્યપદને આજીવન રદ કરવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવાયો હતો.
આ પ્રશ્ન વકીલોના સ્વાભિમાનનો.., મિનેષ ઝવેરીના આક્ષેપો સામે મેહુલ બોઘરાનો જવાબ
આ અગાઉ આજે સવારે એડવોકેટ મેહુલ બોઘરાએ સુરત બાર એસોસિએશનને એક પત્ર મોકલી મિનેષ ઝવેરીના આક્ષેપોના જવાબ આપ્યા હતા. મેહુલ બોઘરાનું કૃત્ય વ્યક્તિગત છે, તેવો આક્ષેપ કરનાર મિનેષ ઝવેરીને જવાબ આપતા મેહુલ બોઘરા લખે છે ભ્રષ્ટ્રાચાર એ વ્યક્તિગત નહીં પરંતુ દેશવ્યાપી સમસ્યા છે. આઝાદીના લડવૈયા તેમજ ધારાશાસ્ત્રી ગાંધીજી, સરદાર પટેલ, લાલા લજપતરાય તમામ દ્વારા જો લડાઈ માત્ર ને માત્ર બ્રિટિશ કોર્ટની અંદર જ લડવામાં આવી હોત તો આજે દેશ આઝાદ થયો ના હોત. ભ્રષ્ટ્રાચારીઓ અને બેઈમાનીને લડાઈ માત્રને માત્ર એક કાયદાનો જાણકાર વકીલ જ આપી શકે. સામાન્ય જનતા નહીં, જેથી ભ્રષ્ટ્રાચાર સામેની મારી લડાઈએ અંગત પ્રશ્ન નથી.
મિનેષ ઝવેરીના બીજા આક્ષેપ કે સુરત બાર કાઉન્સિલનું સભ્ય પદ લીધા બાદ મેહુલ બોઘરાએ કૃત્ય આચર્યું તેના જવાબમાં મેહુલે લખ્યું કે તેઓ 2018થી ગુજરાત બાર કાઉન્સિલનું સભ્ય પદ ધરાવે છે. અહીં સભ્ય પદ મુદ્દો નથી પરંતુ વકીલો પર તથા અવાનવાર હુમલાઓ અને વકીલોના સ્વાભિમાનનો છે. આમ મિનેષ ઝવેરી દ્વારા ટીઆરબી સાજન ભરવાડનો કેસ લડવા માટે રજૂ કરાયેલી દલીલો અને મેહુલ બોઘરા પર કરેલા આક્ષેપોનો જવાબ મેહુલ બોઘરાએ વકીલ મંડળને પત્ર મોકલાવી આપ્યો હતો.