સુરત: મોસમની ચોક્કસ આગાહી માટે સુરત માટે એક મોટી સિદ્ધિ તરીકે ગણાવી શકાય એવું પગલું ભારત સરકાર તરફથી લેવામાં આવ્યું છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD)એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત શરૂ કરાયેલા ‘મિશન મોસમ’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં ૫૩ નવા ડોપ્લર વેધર રડાર (DWR) સ્થાપિત કરવાના નિર્ણયો મુજબ એક અદ્યતન એસ-બેન્ડ ડોપ્લર રડાર હવે સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લાગશે. જે માટે મંગળવારે તા. 10 જૂનના રોજ મળેલી મિટિંગમાં મંજૂરી આપવામાં આવી છે.
- ભારત સરકારના ‘મિશન મૌસમ’ હેઠળ સુરતને મોટી ભેટ
- VNSGU કેમ્સપમાં લાગનારૂં રડાર દેશનું અદ્યતન એસ-બેન્ડ ડોપ્લર વેધર રડાર હશે
- 250 કિ.મી. સુધી વીજળી, ભારે વરસાદ અને વાવાઝોડા સહિત આબોહવાકીય આપત્તિઓની ચોક્કસ આગાહી શક્ય બનશે
દક્ષિણ ગુજરાત માટે મોસમ સંબંધી આગાહી વ્યવસ્થામાં ક્રાંતિ લાવતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારત મોસમ વિજ્ઞાન વિભાગે ‘મિશન મોસમ’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ૫૩ નવા ડોપ્લર વેધર રડાર (DWR) લગાવવા પહેલ કરી છે.
આ અન્વયે ગુજરાતના સુરત શહેરમાં પણ હવે એક અદ્યતન એસ-બેન્ડ ડી.ડબ્લ્યૂ.આર. રડાર સ્થાપિત કરાશે. જે માટે સ્થળ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પસંદ કરાયું છે. આ રડાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લગાવવામાં આવશે. કારણ કે, ત્યાં જરૂરી વિશાળ ખુલ્લી જગ્યા ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે, પહેલાથી જ સુરતમાં હવામાન વિભાગની કચેરી આવેલી છે અને રડાર માટે એરપોર્ટ નજીક પણ વિચારણા થઈ હતી, પરંતુ આજુબાજુ ઊંચી બિલ્ડિંગ્સ હોવાથી રડારના કાર્યમાં અડચણ આવી શકે તેમ હોવાથી યુનિવર્સિટીની જગ્યા વધુ યોગ્ય ગણાઇ રહી છે.
યુનિવર્સિટીએ જમીન ફાળવાય નહીં પણ કોઈપણ એક ઓરડો રડાર માટે આપવાનો એવો નિર્ણય યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણરૂપે મોકલવામાં આવ્યો છે. સ્થાનિક સહયોગ અને ટેકનિકલ મંજૂરી બાદ રડારની સ્થાપનાની પ્રક્રિયા શરૂ થશે.
શું છે એસ-બેન્ડ ડોપ્લર વેધર રડાર?
એસ-બેન્ડ ડોપ્લર વેધર રડાર એ અદ્યતન તકનિકી સાધન છે. જે માઇક્રોવેવ સિગ્નલ્સ દ્વારા હવામાન ચક્રવાતો, વીજળી, ગાજવીજ, ભારે વરસાદ અને આંધીઓ જેવી ઘટનાઓનું નિરીક્ષણ કરે છે. સુરતમાં સ્થાપિત થનારો રડાર ૨૫૦ કિ.મી.ની વ્યાપક રેન્જ ધરાવશે. એટલે કે, સુરતથી 250થી વધુ કિ.મી. વ્યાસ સુધીના વિસ્તારોમાં થઈ રહેલા આબોહવાકીય ફેરફારોનું અત્યંત ચોક્કસ રીઅલ ટાઇમ ડેટા આપશે.
સમગ્ર દક્ષિણ ગુજરાત વધુ સુરક્ષિત બની શકશે
હાલમાં સમગ્ર ગુજરાતમાં માત્ર ભુજ, કચ્છ ખાતે જ ડોપ્લર વેધર રડાર કાર્યરત છે અને મહારાષ્ટ્રમાં માત્ર મુંબઈમાં રડાર છે. ભુજ અને મુંબઈ વચ્ચે હજુ સુધી ક્યાંય રડાર હાજર નથી. પરિણામે દક્ષિણ ગુજરાતમાં થતી અચાનક અને તેજ હવામાન ઘટનાઓ માટે યોગ્ય આગાહી શક્ય બનતી ન હતી. હવે સુરતમાં રડાર લગાવાથી આ મોટો ખાલીપો પૂરો થશે અને સમગ્ર દક્ષિણ ગુજરાત વધુ સુરક્ષિત બની શકશે.
શું લાભ થશે સુરત અને આસપાસના વિસ્તારોને?
- વીજળી અને ભારે વરસાદ અંગે અચૂક આગાહી: લોકો beforehand સતર્ક રહી શકે
- આબોહવાકીય આપત્તિઓ દરમિયાન બચાવ કામગીરીમાં સહાય
- ખેડૂત, માછીમાર અને તટવર્તી વિસ્તારોના લોકોને લાભ
- વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે જીવંત લેબોરેટરી સમાન મફત હવામાન માહિતી