સુરતીઓ તહેવારો ઉજવવામાં, ખાવા-પીવામાં અને બિઝનેસ કરવામાં આગળે છે જ, માટે જ તો દેશભરમાથી અલગ અલગ પ્રાંતના લોકોએ આવીને સુરતને કર્મભૂમિ બનાવી છે અને સુરતીઓએ પણ તમામ પ્રદેશના લોકોને એક પરિવારની જેમ અપનાવી લીધા છે અને આ જ કારણે તહેવાર ભલે અલગ-અલગ પ્રાંતના સુરતમાં ઉજવાતા હોય પરંતુ સુરતીઓ એમાં હોંશે-હોંશે ભાગ લેતા જ હોય છે. જો કે બીજા પ્રાંતથી સુરતમાં વસેલા લોકો સુરતીઓ સાથે વ્યવસાયની સાથે સાથે પરિવારિક સંબંધો સાથે જોડાયેલા હોવા છતાં તેઓ પોતાની રહેણી કરણી અને પરંપરાનું એટલું જ ધ્યાન રાખે છે અને પોતાના પ્રદેશથી દૂર હોવાથી પોતાના આવનારી પેઢી તેમની સંસ્કૃતિ વિષે અજાણ ન રહી જાય તેનું ધ્યાન રાખી રહ્યા છે. તો 21 મે વર્લ્ડ ડે ઓફ કલ્ચરલ ડાયવર્સિટી નિમિત્તે આપણે આજે આવા જ કેટલાક પરિવાર વિષે જાણીશું કે તેઓ વર્ષોથી સુરતમાં રહેતાં હોવા છ્તાં પોતાની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે…..
આજે પણ ખાવાપીવાની વસ્તુઓ રાજસ્થાનથી મંગાવીએ છીએ : પવનકુમાર ચૌધરી
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતાં પવનકુમાર ચૌધરી જણાવે છે કે ‘અમે છેલ્લાં 22 વર્ષથી સુરતમાં રહીએ છીએ જેથી મારો દીકરો અને દીકરી પણ સુરતમાં જ મોટા થયા. જ્યારે મારી વહુ છેલ્લાં 35 વર્ષોથી સુરતમાં જ રહી છે અને શિક્ષણ પણ સુરતમાં જ લીધું છે જેથી અમે સુરતી રીતભાતથી સારી રીતે પરિચિત છીએ પણ એક વાત તો છે જ કે, વાત જ્યારે સંસ્કૃતિની આવે ત્યારે મારા પરિવારમાં તમને 100 ટકા રાજસ્થાની કલ્ચર જોવા મળશે. રોજગાર લઈને બેઠા હોઈએ અને સુરતમાં રહેતાં હોઈએ એટ્લે સુરતી બોલી તો સમજાઈ જ ગઈ છે અને જરૂર પડે ત્યારે બોલી પણ લઈએ છીએ પણ પરિવાર સાથે અને ઘરમાં તો અમે અમારી મારવાડી બોલી જ બોલીએ છીએ. અને વાત જ્યારે ખાવા પીવાની આવે ત્યારે ખમણ, પાટુડી ભલે અમે હોંશે હોંશે આરોગતા હોઈએ પણ જમવામાં અમને અમારું ટીપીકલ રાજસ્થાની ખાવાનું જ જોઈએ. અને એના ટેસ્ટમાં બાંધછોડ ન થાય એ માટે આજે આટલા વર્ષો પછી પણ અમે બીકાનેરથી સાંગરી,પાપડ,વડી,ટીંડા,દેશી બાજરો તથા બિલાનું શરબત વગેરે મંગાવીએ છીએ. અમારા દરેક તહેવારમાં અમે વતન ભલે ન જઈ શકીએ પણ સુરતમાં અમે ધામધુમથી અમારા તમામ તહેવારોની ઉજવણી કરીએ છીએ. ને આ પરંપરા આગળ પણ જળવાય રહે એ માટે અમે ખાસ પ્રસંગોપાત અમારા વતન જતાં હોઈએ છીએ અને એના માટે અમારું ઘર પણ ત્યાં જાળવી રાખ્યું છે.’
નાગપુરના સંતરા આજે પણ મંગાવીએ છીએ : સ્વાતિ ખેડકર
સુરતના પાલ વિસ્તારમાં રહેતા અને એક સ્કૂલમાં ટીચરની જોબ કરતાં સ્વાતિબહેન ખેડકર જણાવે છે કે ‘અમે વર્ષોથી સુરતમાં રહીએ છીએ અને સ્કૂલ ટીચર હોવાના કારણે બાળકોની ગુજરાતી ભાષા પણ સમજવી પડે છે તેથી ગુજરાતી ભાષા સારી રીતે સમજાઈ ગઈ છે પણ ઘરમાં મારા સસરા અને અમે પતિ- પત્ની મરાઠીમાં જ વાત કરીએ છીએ. સુરતીઓ ખૂબ જ ઉત્સાહથી દરેક તહેવાર ઊજવતાં હોવાથી અમે પણ તેનો હિસ્સો બનીએ છીએ પણ તેમ છતાં ઉતરાયણમાં જ્યારે સુરતીઓ ધાબા પર ચડીને પતંગ ચગાવવાની મજા લૂંટતા હોય ત્યારે અમે અમારા મહારાષ્ટ્રીયન કલ્ચર પ્રમાણે ‘હલ્દી-કુમકુમ’ ની ઉજવણી કરીએ છીએ. જેમાં હું મારી સુરતમાં વસતી સુહાગન ફ્રેંડ્સને ઘરે બોલાવું છુ અને તેમને ગિફ્ટ સાથે ઘઉં,તલના લાડુ વગેરે આપીને નાસ્તો વગેરે કરીને આ ઉજવણી કરું છુ. એક વાત તો ખાસ છે કે, આમ હું મનગમતા કપડાં પહેરી લઉં છું પણ જ્યારે કોઈ ટ્રેડિશનલ તહેવાર હોય ત્યારે ખાસ નવવારી સાડી, નથણી વગેરે પહેરું છુ અને સાથે જ અમારી ખાસ વાનગી પુરાણપોળી પણ બનાવું છુ. જો કે સંતરાની સિઝન હોય ત્યારે એ તો મારા પિયર મહારાષ્ટ્રથી જ આવે છે અને સાથે જ મમ્મીના હાથની મહારાષ્ટ્રીયન વાનગીઓ તો ખરી જ. સ્વાતિ બહેન વધુમાં કહે છે કે, એવું નથી કે અમારા તહેવારોમાં ફક્ત મરાઠી ફેમિલી જ હોય, અમારા સુરતી મિત્રો પણ હોંશે હોંશે અમારી સાથે સેલિબ્રેટ કરે છે. આમ કરવાનો હેતુ એટલો જ છે કે અમારી સંસ્કૃતિ અમે વિસરી નહીં જઈએ.’
અમારી મોટાભાગની વાનગીઓમા નારિયેળ તેલનો ઉપયોગ થાય છે: જલજા પણીકર
30-35 વર્ષથી સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા મલયાલમ પરિવારના જલજા પનીકર કહે છે કે, ‘ અમે વર્ષોથી સુરતમાં રહેતા હોવાથી જાણે સુરતી જ થઈ ગયા છે. મને ગુજરાતી લખતા-વાંચતાં તો આવડે જ છે સાથે જ સુરતના દરેક તહેવાર ખૂબ જ એન્જોય કરું છુ કારણ કે સુરતીઓના તહેવારમાં ગજબની એનર્જી હોય છે પરંતુ તેમ છતાં જ્યારે અમારા ઓનમ વગેરે તહેવારો હોય ત્યારે અમે પરંપરાગત વાનગીઓ નારિયેળ તેલમાં જ બનાવીએ છીએ અને કેળના પાનમાં ખાવાનો આગ્રહ રાખીએ છીએ. સાથે જ અમારા તહેવારોમાં ખાસ જરી બોર્ડરની સાડી પહેરવામાં આવે છે જેથી હું આ દિવસો દરમિયાન એ સાડી પહેરીને એ જ પ્રકારનો શણગાર કરું છુ જેથી અમારા બાળકો પણ અમારી સંસ્કૃતિ શીખી શકે. સુરતી તહેવારની સાથે સાથે અમને તેમની દરેક વાનગીઓ ભાવે છે અને અમે ઘરે બનાવીએ પણ છીએ પણ કેળાની વેફર, વ્હાઇટ કાકડી તથા પાપડ અને કોકોનટ પાવડર અમે કેરાલાથી જ મંગાવીએ છીએ કારણ કે અહીં જે વસ્તુ મળે છે એમાં અને ત્યાં બનાવાયેલી વસ્તુમાં બનાવવાની પ્રોસેસ અલગ હોય છે એટ્લે અહીં એ ટીપીકલ ટેસ્ટનો અભાવ જોવા મળે છે.’
સુરતના ખમણ-ઇદડા વગર સવાર નથી પડતી :અર્ચના શાહ
મૂળ UPના અને હાલમાં શહેરના એલ.પી. સવાણી વિસ્તારમાં રહેતા અર્ચના રામ સુંદર શાહ જણાવે છે કે, અમે છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહીએ છીએ અને અમારી સવાર તો સુરતના ખમણ-ઈદળા વગર થતી જ નથી પણ જ્યારે જમવાની વાત હોય તો ત્યારે અમને અમારી પરંપરાગત સ્ટાઈલથી બનતી વાનગીઓ જ પસંદ પડે છે. અમારી દરેક વાનગીઓ સરસવના તેલમાં જ બનાવવામાં આવે છે જ્યારે કેટલીક ખાવાની વસ્તુઓ એવી છે જે અહિં નથી મળતી જે અમે UPથી જ મંગાવીએ છીએ. અમારે ત્યાં બટાકાના મસાલા પાપડ, કોહરોળી તથા દાળમોઠ અને અથાણું ખાસ ખવાય છે જે અમે આજે પણ ત્યાંથી જ મંગાવીએ છીએ કારણ કે વસ્તુઓ તો અમને અહીં પણ મળી રહે છે પણ તે બનાવવાની પરંપરા ખાસ હોય છે અને ખાસ કરીને આજે પણ મોટાભાગના ઘરોમાં ‘કોહરોળી’ બનાવવા માટે વડીલોનો જ સહારો લેવો પડે છે અને એના માટે કહેવાય છે કે, એ બનાવ્યા બાદ પુજા કરવામાં આવે છે જેથી તે બગડે નહીં. તહેવારોની વાત કરીએ તો સુરતની ઉત્સવપ્રિય પ્રજા સાથે અમે પણ તમામ ઉત્સવમાં ભાગીદાર થઈએ છીએ અને અમારા તહેવારોમાં પણ અમારા સુરતી મિત્રો સામેલ થાય છે પણ એ સમયે અમે અમારી પરંપરા જળવાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ, અને આવનારી પેઢી અમારી સંસ્કૃતિ જાળવી રાખે એ માટે ઘરમાં હિન્દી,ઇંગ્લિશ ઉપરાંત અમારી UP મિર્ઝાપુરની બધેલી બોલીનો પણ ઉપયોગ કરીએ છીએ.’
સમાજ દ્વારા આયોજિત કાર્યક્ર્મમાં તહેવારોની ઉજવણી અચૂક કરીએ છીએ : આંચલ અરોરા
શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતા આંચલ અરોરા કહે છે કે, અમે તો હવે સુરતીઓના અને ગુજરાતીઓના તહેવારો સાથે એટલા ઓતપ્રોત થઈ ગયા છીએ કે અમે પણ અહીં ઉજવાતા દરેક તહેવારને ખુશીથી એન્જોય કરીએ છીએ. તેમજ સુરતી નાસ્તાની સાથે સાથે ગુજરાતી દાળભાત પણ અમને પ્રિય છે. જો કે જ્યારે અમારા પંજાબીઓના તહેવાર અલગ રીતે ઉજવવામાં આવતા હોવાથી અમે સુરતમાં વસતા અમારા પંજાબી સમાજ દ્વારા આયોજિત કાર્યક્ર્મમાં જઈને જ તેની ઉજવણી કરીએ છીએ, જેથી અમારું કલ્ચર જળવાય રહે અને સુરતમાં વસતા અમારા સમાજના વ્યક્તિઓના ટચમાં પણ રહી શકાય. વધુમાં આંચલ જણાવે છે કે, આમ તો સુરતમાં જેમ અલગ અલગ પ્રાંતની વાનગીઓ મળે તેમ પંજાબી વાનગીઓ પણ મળે જ છે પણ એમાં અમારે ત્યાં બનતો ટેસ્ટ જોવા નથી મળતો તેમજ અમારી પકોડા કાઢીની સ્પેશ્યાલિટી તો ક્યાંય નથી મળતી. આ ઉપરાંત અમારે ત્યાં ‘લોડી’ ની ઉજવણીમાં રેવડી, મગફળી તથા પોપકોર્ન ખાસ હોય છે. જો કે અમે દેશ તેવો વેશ પસંદ કરી લીધો છે પણ સાથે જ અમારી સંસ્કૃતિ પણ જીવંત રાખી રહ્યા છે.’