વડોદરા: વડોદરાના મેયર નિલેશ રાઠોડ, સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિના સભ્ય ડો. શિતલ મિસ્ત્રી,આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે નાગરીકોને આરોગ્યલક્ષી સુવિઘાઓ મળી રહે તે ઉદ્દેશથી છાણી, માંજલપુર અને અટલાદરા ખાતે 50 બેડની ક્ષમતા ધરાવતા નવીન બનાવવામાં આવેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લીઘી હતી. વડોદરાના નગરજનોને નિ:શુલ્ક રીતે આરોગ્યલક્ષી સુવિઘાઓ મળે તેવા આશયથી પાલિકા દ્વારા શહેરમાં ત્રણ નવા સીએચસી સેન્ટર કાર્યરત કરાયા છે. ત્યારે મેયર સહિતના પદાધિકારીઓએ આ સીએચસી સેન્ટરની મુલાકાત લઈ આરોગ્યની ટીમ સાથે હેલ્થ સેન્ટરો ખાતે હયાત વ્યવસ્થાઓ અને આગામી સમયમાં કરવા યોગ્ય સુવિધા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે આ સીએચસી સેન્ટરોનો લાભ સૌએ વધુમાં વધુ લેવો જોઈએ. તમામ હેલ્થ સેન્ટરો ઉપરથી નાગરીકો નિ:શુલ્ક રીતે આરોગ્યલક્ષી સુવિઘાઓ મળે તેવા આશયથી અને કેન્દ્ર સરકારની સહાયથી વડોદરા કોર્પોરેશન દ્વારા 50 બેડની ક્ષમતા ધરાવતા 3 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છાણી, માંજલપુર અને અટલાદરા હાલમાં કાર્યરત થઈ ગયેલ છે.જેમાં ઓ.પી.ડી.સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, રસીકરણ વિભાગ, કાર્ડીયોલોજી વિભાગ,બ્લડ ટેસ્ટ, એક્ષરે, લેબોરેટરી, ઓપરેશન, જેવી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહેશે.
વિશાળ બિલ્ડીંગમાં કાર્યરત CHC સેન્ટરોમાં નાની-મોટી જે કાંઇ ઉણપો હશે તેને વહેલીતકે દુર કરવામાં આવશે તથા આવનાર સમયમાં જરૂરી હોય તેવી સુવિઘાઓ ઉભી થઇ શકે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓ વહેલામાં વહેલી તકે સીએચસી સેન્ટરમાં દાખલ થાય અને દાખલ થયેલા દર્દીઓને ઉત્તમ પ્રકારની સારવાર મળે તેવા પ્રયત્નો હાથ ઘરેલા છે. આ સુવિઘાથી નાગરીકોને આરોગ્યલક્ષી સુવિઘાઓમાં વઘારો થશે તેવી આશા મેયર નિલેશભાઈ રાઠોડે વ્યક્ત કરી હતી.