નવી દિલ્હી: ‘આદિપુરુષ’ (Adipurush) ફિલ્મના ટીઝરથી શરૂ થયેલો વિવાદ (Controversy) રિલીઝ થયા બાદ પણ ચાલુ છે. હવે આ ફિલ્મને લઈને નવી વાત સામે આવી છે. શુક્રવારે કાઠમંડુના (Kathmandu) સિનેમા હોલમાં ‘આદિપુરુષ’નું સ્ક્રિનિંગ રોકી (Banned) દેવામાં આવ્યું હતું. આટલું જ નહિ કાઠમંડુના મેયર બલેન શાહે ચેતવણી આપી હતી કે જો ફિલ્મ આદિપુરુષમાંથી સીતાના જન્મસ્થળ વિશેની “ભૂલ” સુધારવામાં નહીં આવે તો અહીં કોઈપણ ભારતીય ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- પાયરસીનો શિકાર બની ‘આદિપુરુષ’
- આ ફિલ્મ દ્વારા આપણી સંસ્કૃતિનો મજાક ઉડાવવામાં આવ્યો- હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ
મળતી માહિતી મુજબ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ ન આપવાનો આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
નેપાળની રાજધાની કાઠમંડુમાં પ્રતિબંધ
નેપાળ ફિલ્મ યુનિયને કાઠમંડુના તમામ સિનેમા હોલને વિનંતી કરી છે કે તેઓ ‘આદિપુરુષ’નું પ્રદર્શન બંધ કરે અને રાજધાનીની બહારના સિનેમાઘરોને સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી જ તેને રિલીઝ કરે. ગુરુવારે એક ટ્વિટમાં મેયર બલેન શાહે કહ્યું કે ‘આદિપુરુષ’માં ઉલ્લેખ છે કે ‘સીતા ભારતની પુત્રી છે’. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ ભૂલ સુધારવામાં ન આવે ત્યાં સુધી કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીની સીમામાં કોઈપણ ભારતીય ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રામાયણ મુજબ સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો
નેપાળના સેન્સર બોર્ડે પણ આ જ કારણ દર્શાવીને ‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગની પરવાનગી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. રામાયણ મુજબ સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો અને ભગવાન રામે આવીને તેમની સાથે લગ્ન કર્યા હતા. મેયર બલેન શાહ ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના કેટલાક સંગઠનોએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે અને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ફિલ્મ નિર્માતાઓ સીતાના જન્મસ્થળને લગતી ભૂલો નહીં સુધારે ત્યાં સુધી તેઓ સ્ક્રીનિંગને મંજૂરી આપશે નહીં.
આદિપુરુષ ઓનલાઈન લીક થઈ
આદિપુરુષ પર ચાલતા સતત વિવાદો બાદ હવે રિલીઝ થતા જ મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. આ ફિલ્મ HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ના ઓપનિંગ કલેક્શન માટે રેકોર્ડની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ આ ફિલ્મ પાયરસીથી બચી શકી નથી અને રિલીઝ થયાના થોડા કલાકોમાં જ આ ફિલ્મ પાયરસીનો શિકાર બની ગઈ છે. તે એક જગ્યાએ નહીં પરંતુ તમિલરોકર્સ, Filmyzilla, Movierulz અને ઘણી બધી પાઇરેટેડ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.