શહેરના ચૌટાપુલ લાલગેટ કણપીઠ બજારમાં આવેલી સ્ટેશનરીની વિખ્યાત શૉપ બાલુભાઈ એન્ડ સન્સને 94 વર્ષ પૂર્ણ થયા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં એવી વાયકા છે કે, સ્ટેશનરી અને ડ્રોઈંગ મટીરિયલ સહિતના સાધનો ક્યાંય ન મળે તો બાલુભાઈ એન્ડ સન્સમાં ચોક્કસથી મળશે. વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓનો આ વિશ્વાસ બાલુભાઈ એન્ડ સન્સની ત્રીજી પેઢીએ પણ જાળવી રાખ્યો છે. 1927-28માં બાલુભાઈ માણેકલાલ ખડેપાઉએ 1927માં જનરલ મરચન્ટ તરીકે હોઝયરીની સાથે સ્ટેશનરીની દુકાન શરૂ કરી હતી. જે આગળ જતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધતા સંપૂર્ણપણે સ્ટેશનરીની શૉપમાં ફેરવાઈ ગયો હતો. બાલુભાઈ એન્ડ સન્સની નવી પેઢી સ્ટેશનરીની આ શૉપને અપગ્રેડ કરી ડ્રોઈંગ મટીરિયલ, આર્ટિસ્ટ ડ્રોઈંગ મટીરિયલ, કમ્પ્યૂટર કન્ઝયુમર આઈટમ વેચાણમાં આગળ વધી છે. સુરત અને દક્ષિણ ગુજરાતની ઘણી મોટી હસ્તીઓ બાલુભાઈ એન્ડ સન્સમાંથી સાધનો ખરીદી સફળતાની ટોચે છે. ત્યારે આજે પેઢીનામામાં બાલુભાઈ એન્ડ સન્સ પરીવાર વિશે જાણીશું.
જમાના પ્રમાણે બદલાતું વલણ
શીતલબેન કહે છે કે પહેલાના જમાનામાં સ્ટેશનરી મટીરિયલમાં આટલી વેરાયટી નહોતી આવતી. બાળક જીદ કરે તો માતા-પિતા અપવી જ દે એવું ન હોતું. પણ આજે દેખાદેખીના જમાનામાં દરેક માતા-પિતા એમ ઇચ્છે કે મારા બાળક પાસે સૌથી સારી વસ્તુઓ હોવી જોઇએ અને બીજા સાથેની સરખામણીએ સ્ટેશનરીનું પ્રોડકશન અને વેચાણ વધારી દીધું.
આ શોપ મહાનુભાવો અને શાળા-કૉલેજોમાં વિશ્વાસપાત્ર
બાલુભાઈ એન્ડ સન્સના ઈન્દ્રજીત ખડેપાઉ કહે છે કે, સુરતના માજી મેયર નવીન ભરતીયા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પોપટલાલ વ્યાસ, પ્રસિધ્ધ ચિત્રકાર વાસુદેવ સ્માર્ટ, SVNITના પ્રોફેસર અતુલ દેસાઈ વિદ્યાર્થીકાળથી બાલુભાઈ એન્ડ સન્સ સાથે સંકળાયેલા છે. તે ઉપરાંત શહેરના વિખ્યાત આર્કિટેક્ટ, એન્જિનીયર અને વકીલો પણ આ દુકાનના વર્ષો જૂના ગ્રાહકો છે. તે ઉપરાંત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની શાળા અને કૉલેજો, દિલ્હી પબ્લિક સ્કૂલ, માલીબા કૉલેજ, SVNIT, પી.પી.સવાણી યુનિવર્સિટી અને વિખ્યાત હોસ્પિટલ બાલુભાઈ એન્ડ સન્સના જૂના ગ્રાહકો ગણાય છે. એવી જ રીતે જૂની સુરતની ઈલેક્ટ્રીક કંપની (ટોરેન્ટ પાવર), સુમુલ ડેરી તેમના વર્ષો જૂના ગ્રાહકો ગણાય છે.
10,000થી વધુ વેરાયટીમાં સાધનો મળી રહે છે
બાલુભાઈ એન્ડ સન્સમાં જેટલી સ્ટેશનરી, આર્ટિસ્ટ ડ્રોઈંગ, એન્જિનીયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યૂટરને લગતા સાધનો મળે છે એટલા ક્યાંયે નહીં મળે. 10,000થી વધુ વેરાઈટીમાં સાધનો અહીં મળે છે. જેમાં ડ્રોઈંગ મટીરીયલ, કમ્પ્યૂટરને લગતા સાધનો, આર્ટિસ્ટ ડ્રોઈંગ મટીરિયલ, જાતજાતની કેલ્સી, શાળાના વ્હાઈટ બોર્ડ, વૉટર અને એક્રેલીક કલર, ફાઈલ-ફોલ્ડર, બનાવટી નોટ પકડી પાડતા કાઉન્ટિંગ મશીન, કેનવાસ, બ્રશીઝ, મોંઘીદાટ પેન, ફાઉન્ટન પેન, ગ્રાફિક કેલક્યુલેટર, મેપીંગ મેઝરમેન્ટના સાધનો, ક્રાફ્ટ મટીરિયલ સહીતની સામગ્રીનો સમાવેશ થાય છે.
બ્રાન્ડનેમ સાથે ડ્રોઈંગ બ્રશીઝ બનાવવાની શરૂઆત : ઈન્દ્રજીત ખડેપાઉ
બાલુભાઈ એન્ડ સન્સના ઈન્દ્રજીત ખડેપાઉ કહે છે કે, આર્ટિસ્ટ મટીરિયલ, કેનવાસ, પેઈન્ટીંગ કેનવાસ, એક્રેલીક, ઓઈલ કલર, વૉટર કલરની સાથે બાળકો માટેના પેસ્ટલ કલર, વેક્સ ક્રેયોનનું વેચાણ પણ મારી દુકાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં બ્રાન્ડનેમ સાથે ડ્રોઈંગ બ્રશીઝ બનાવવાની શરૂઆત બાલુભાઈ એન્ડ સન્સે કરી હતી. તે પછી વિખ્યાત કંપની કેમલે પોતાના બ્રાન્ડ નેમ સાથે બ્રશીઝ બજારમાં મૂક્યા હતા.
1927-28માં થઈ સ્થાપના
1930ના દાયકામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એવા સમયે બાલુભાઈ માણેકલાલ ખડેપાઉએ લાલગેટ કણપીઠ બજારમાં 1927-28માં હોઝીયરીની સાથે સ્ટેશનરીની દુકાન શરૂ કરી હતી. તે પછી આ દુકાનનું સુકાન બાલુભાઈના સુપુત્ર મણીલાલ બાલુભાઈ ખડેપાઉએ સંભાળ્યું હતું. એક સમયે 12 ફાઈલથી શરૂ થયેલો સ્ટેશનરીનો વેપાર ખૂબ આગળ ધપ્યો હતો. તે પછી મણીલાલ ખડેપાઉના સુપુત્ર સ્વ. મહેન્દ્ર મણીલાલ ખડેપાઉ, ઈન્દ્રજીત મણીલાલ ખડેપાઉ અને જવાહર મણીલાલ ખડેપાઉએ બાલુભાઈ એન્ડ સન્સ શૉપને સમગ્ર ગુજરાતમાં બ્રાન્ડનેમ તરીકે સ્થાપીત કરી હતી.
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ A/C સ્ટેશનરી શૉપ બની : જવાહર ખડેપાઉ
1970-1980ના દાયકામાં સ્ટેશનરીનો વેપાર વધતા બાલુભાઈ એન્ડ સન્સની બીજી અને ત્રીજી પેઢી દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રથમ એરકન્ડિશન્ડ શૉપ શરૂ કરવામાં આવી હતી. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સ્ટેશનરીની પ્રથમ શૉપ પણ બાલુભાઈ એન્ડ સન્સ ગણાય છે. બાલુભાઈ એન્ડ સન્સના આધારસ્તંભ સમાન જવાહર ખડેપાઉ કહે છે કે, સ્ટેશનરી અને ડ્રોઈંગના સાધનો તે સમયે મુંબઈની અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાંથી લાવવામાં આવતા હતા. બાલુભાઈ એન્ડ સન્સનો વેપાર તે સમયે ઉંમરગામથી ખેડા અને મહેસાણા સુધી ચાલતો હતો. તે જમાનામાં સ્કૂલના હેડ માસ્ટર અને પટાવાળા સ્ટેશનરી અને સાધનો લેવા આવતા ત્યારે તેમને જમાડીને મોકલવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી.
10 રૂપિયાથી 40 હજાર રૂપિયા સુધીની ગોલ્ડ પ્લેટેડ પેન્સનું વેચાણ થાય છે
બાલુભાઈ એન્ડ સન્સમાં જાતભાતની ફાઉન્ટન પેન ઈન્ક સાથે મળે છે. 10 રૂપિયાથી સાત હજાર રૂપિયા સુધી અને એથી આગળ બ્રાન્ડેડ કંપનીઓની ગોલ્ડ પ્લેટેડ પેન 40 હજાર રૂપિયા સુધી મળે છે. ડોકટરો, વકિલો અને આર્ટિસ્ટો તેના ગ્રાહકો છે. જુદી-જુદી ડિઝાઈનના પેનના ખડિયા પણ મોટા કલેક્શનમાં અહીં જોવા મળે છે. વિદેશી બ્રાન્ડની લિમિટેડ એડિશનની પેન પણ અહીં જુદા-જુદા કલેક્શનમાં જોવા મળે છે. વર્ષમાં એકાદવાર બે લાખ સુધીની કિંમતની પેન પણ વેચાય છે.
મોટા ક્લાસરૂમમાં શિક્ષકોએ ઘાંટા ન પાડવા પડે તે માટે ક્લાસરૂમ ટૉકીની શરૂઆત
સામાન્ય રીતે શાળામાં કે ટ્યુશન ક્લાસમા ક્લાસરૂમ મોટો હોય ત્યારે પહેલી બેંચથી લઈને છેલ્લી બેંચ સુધી બેસતા વિદ્યાર્થી સુધી અવાજ પહોંચે તે માટે શિક્ષકો ઊંચા અવાજે એટલે કે ઘાંટા પાડી વિદ્યાર્થીઓને ભણાવતાં આવ્યા છે. એ કારણોસર શિક્ષકો ગળાના ઈન્ફેશનના શિકાર બનતા હતા. તેના ઉપાય તરીકે બાલુભાઈ એન્ડ સન્સ શિક્ષકો માટે ક્લાસરૂમ ટૉકી લઈ આવ્યું હતું. માઈક્રોફોનમાં શિક્ષકો બોલે અને શિક્ષકની સાથે લાગેલી સાઉન્ડ સિસ્ટમમાં અવાજ ક્લાસરૂમ ટૉકીથી સમગ્ર ક્લાસરૂમમાં સંભળાતો હોય છે.
શિક્ષકોને ચોક ડસ્ટિંગ ઈન્ફેક્શનથી બચાવવા વ્હાઈટ બોર્ડનું વેચાણ અહીં શરૂ થયું હતું: શીતલ શાહ
બાલુભાઈ એન્ડ સન્સ પરીવારના દીકરી શીતલ શાહ કહે છે કે, શિક્ષકો અને પ્રધ્યાપકો માટે એક મોટી સમસ્યા એ ઊભી થઈ હતી કે, બ્લેક બોર્ડ ઉપર ચોકથી લખવાથી તેમને ચોક ડસ્ટિંગ ઈન્ફેક્શન થતું હતું. આ સમસ્યાથી છૂટકારો અપાવવો બાલુભાઈ એન્ડ સન્સે સુરતમાં પહેલીવાર વ્હાઈટ બોર્ડનું વેચાણ શરૂ કર્યું હતું. આ વ્હાઈટ બોર્ડ સિરામીક અને મેલેમેન શીટમાંથી બનેલું હતું. સિરામીક બોર્ડ મેગ્નેટ બોર્ડ તરીકે પણ કાર્યરત થતું હતું. બીજો તેનો ઉપયોગ પ્રોજેક્ટરની સ્ક્રિન તરીકે પણ થતો હતો.
વંશવેલો
(1) સ્વ. બાલુભાઈ માણેકલાલ ખડેપાઉ
(2) સ્વ. મણીલાલ બાલુભાઈ ખડેપાઉ
(3) સ્વ. મહેન્દ્ર મણીલાલ ખડેપાઉ
(4) ઈન્દ્રજીત મણીલાલ ખડેપાઉ
(5) જવાહર મણીલાલ ખડેપાઉ
(6) શીતલબેન શાહ