નડિયાદ: બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ સમગ્ર ગુજરાતમાં તેની અસર ચાલુ થઈ ગઈ છે. ત્યારે, ખેડા જિલ્લામાં પણ બુધવારના રોજ સવારથી જ ભારે પવન ફુંકાવા સાથે બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. દરમિયાન મહુધા તાલુકાના વડવાળી મુવાડીમાં એક ઘટાદાર વૃક્ષની ડાળી તુટી પડતાં એક આધેડનું મોત નિપજ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
મહુધા તાલુકાના વડવાળી મુવાડીમાં રહેતાં 52 વર્ષીય રામાભાઈ મગનભાઈ ચૌહાણ બુધવારના રોજ વાસણા ખાતે રહેતાં સબંધીને ત્યાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. દરમિયાન તે ગામની ભાગોળે આવેલ એક ઘટાદાર લીમડાના વૃક્ષ નીચે બેઠાં હતાં. તે વખતે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ફુંકાયેલાં તેજ પવનથી લીમડાના વૃક્ષની એક મોટી ડાળી એકાએક તુટીને, નીચે બેઠેલાં રામાભાઈ ચૌહાણ ઉપર પડી હતી. જેથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં રામાભાઈ મગનભાઈ ચૌહાણનું કરૂણ મોત નિપજ્યું હતું. આ મામલે મહુધા પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી છે.
દિવાલ, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહેવા ઈ.ચા કલેક્ટરની અપીલ
બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વત્તા-ઓછા પ્રમાણમાં વર્તાય તેવી હવામાન વિભાગની આગાહી છે. જેને ધ્યાનમાં લઈ જિલ્લાના ઈ.ચા કલેક્ટર શિવાની ગોયલે પવન તેમજ વરસાદના સમયે જિલ્લાવાસીઓએ ઘરમાં જ રહેવા જણાવ્યું છે. તેમજ જો અતિઆવશ્યક કામ અર્થે ઘર બહાર જવાનું થાય તો, દિવાલ, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.
આણંદમાં વરસાદનું ઝાપટું પડ્યું
આણંદ શહેર -જિલ્લામાં બુધવારના રોજ વાવાઝોડાની અસર યથાવત રહી હતી. વ્હેલી સવારથી જ તેજ પવન ફુંકાવા લાગ્યો હતો. જેમાં સવારના સુમારે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત ખંભાત અને તારાપુર તાલુકામાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી હતી. હાલ તંત્રનું પુરેપુરુ તે તરફ ધ્યાન છે. જોકે, તાકિદની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીના જવાનો ફાળવવામાં આવ્યાં છે.- ફ્રાન્સિસ મેકવાન
વિરપુરમાં વાતાવરણ પલટાયું
વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર વહેલી સવારથીજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિના કારણે અનેક જીલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જે અંતર્ગત વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ આકાશમાં સફેદ અને કાળા વાદળો છવાયા હતા અને મધ્યમ પવન પણ ફુકાવાનુ શરૂ થઈ ગયો હતો. જો કે બિપરજોયથી નુકશાન કે તેના પ્રભાવની સંભાવના નહીંવત છે. આમ છતાં આગમચેતી સ્વરુપે તંત્ર કોઈ પણ આપદાને પહોંચી વળે તે માટે કેટલાક પગલાઓ લેવાયા છે. જે અંતર્ગત અનિવાર્ય સંજોગો માટે નં.02690 – 277402 પર કંટ્રોલ રૂમ સંપર્ક કરવામાં આવ્યો છે. તસવીર ઃ વિપુલ જોષી
પેટલાદ ધારાસભ્યએ બેઠક યાેજી
પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તકેદારીના ભાગરૂપે તાલુકાના અધિકારીઓની બેઠક મળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કમલેશ પટેલે વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન કોઈ દુર્ઘટના ના બને તે જોવાની સાથે અનિવાર્ય સંજોગોમાં શિફ્ટિંગ કરવાનું થાય તો હંગામી ધોરણે શેલ્ટર રૂમો તૈયાર રાખવા ઉપરાંત પાણી અને જમવાની પૂરતી વ્યવસ્થા થાય તે જોવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યએ તમામ અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા તેમજ જે.સી.બી., વુડકટર વગેરે જેવા રેસ્ક્યુના સાધનો પૂરતી સંખ્યામાં તૈયાર રાખવા સૂચવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી પી. આર. જાની, મામલતદાર વી. બી. દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી એમ. જે. નાકિયા, ચીફ ઓફિસર, વિગેરે હાજર રહ્યાં હતાં.
નડિયાદમાં સંતરામ રોડ પર મસમોટું બોર્ડ ધરાશયી થયું
બિપરજોય વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર છે. ખેડા જિલ્લા તંત્રએ પણ અગમચેતીના ભાગરૂપે જોખમી વૃક્ષો, હોર્ડિગ્સો તેમજ મકાનો ઉતારી લેવાની તજવીજ હાથ ધરી છે. જોકે, આ કામમાં પણ વ્હાલા-દવાલાની નિતી અપનાવવામાં આવી રહી છે. રાજકીય વગ ધરાવતાં હોય, અધિકારીઓ-કર્મચારીઓના પરિચીત હોય તેવા અનેક લોકોની દુકાનો-ઓફિસોના જોખમી બોર્ડ ઉતારવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પરિણામ સ્વરૂપ નડિયાદના મુખ્ય ગણાતા સંતરામ માર્ગ પર આવેલ વર્ગો કોમ્પ્લેક્ષમાં ફાઈનાન્સની ઓફિસનું મસમોટું હોર્ડિંગ્સ બોર્ડ મંગળવારના રોજ સામાન્ય પવનમાં જ ધરાશયી થયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ, નીચે પાર્ક કરેલાં કેટલાક વાહનોને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે.