રાજ્યમાં ચોમાસુ લગભગ હવે નિષ્ફળ ગયું હોવાની બાબત સ્પષ્ટ થઈ જવા સાથે દુષ્કાળ અને જળ સંકટની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ગયા વર્ષે આ જ તારીખે 107.61 ટકા જેટલો વરસાદ થયો હતો. જેની સામે ચાલુ વર્ષે રાજ્યમાં 41.79 ટકા વરસાદ થયો છે, એટલે કે રાજ્યમાં 65.82 ટકા એટલે 66 જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે.
રાજ્યના 114 જેટલા તાલુકાઓમાં તો 10 ટકાથી ઓછો વરસાદ થયો છે. રાજ્યના જળાશયોમાં પણ 50 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આગામી એક વર્ષ સુધી ચાલે એટલો પીવાના પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમમાં ઉપલબ્ધ છે. એટલે ચિંતાનું કોઈ કારણ નથી.
નાયબ મુખ્યમંત્રી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં લગભગ બધાં જ જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. તેમ છતાં પીવાના પાણીની તંગી નહીં પડે , કેમ કે સરદાર સરોવર ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં ડેમની જળ સપાટી 115.81 મીટર જેટલી છે. તેમણે કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી છે.
એટલે હાલમાં જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેમાંથી પીવાના હેતું માટેનું પાણી અનામત રાખવામાં આવનાર છે.પટેલે કહ્યું હતું કે ખેડૂતોને જુદા જુદા સ્તોત્રમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતોને હાલમાં 8 નહીં પરંતુ 10 કલાક જેટલી વીજળી આપવામાં આવી રહી છે. ખેતી બચાવવા માટે 1 કરોડ વધારાના વીજ યુનિટ ખેડૂતો વાપરી રહ્યા છે.
નર્મદા ડેમમાં ગત વર્ષ કરતાં આ વર્ષે જળ સપાટી ઘણી નીચી
ગયા વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમમાં આ જ સમયે ડેમની જળ સપાટી 135.30 મીટર જેટલી હતી. જ્યારે હાલમાં ડેમમાં જળ સપાટી 115.81 મીટર જેટલી છે. જે 20 મીટર જેટલી ઓછી છે. ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. રાજ્યના અન્ય જળાશયોમાં પણ પાણીની હાલમાં સંગ્રહ શક્તિ 50 ટકાથી ઓછી છે.