અદાણી જૂથની હાલત દિવાલ પર ચડવા માગતા પણ વારંવાર પડી જતા કરોળિયા જેવી થઈ છે. હિન્ડનબર્ગના રિપોર્ટને કારણે તેના શેરોના ભાવો તળિયે પહોંચી ગયા હતા. ગૌતમ અદાણીના મરણિયા પ્રયાસોને કારણે આ સપ્તાહના પ્રારંભમાં માંડ માંડ તેમની કંપનીઓના શેરોના ભાવોમાં કરેક્શન જોવા મળ્યું હતું, પણ મોર્ગન સ્ટેનલી જૂથના ફટકાને કારણે તેના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પાછું ૧૦ ટકાનું ગાબડું પડી ગયું છે. અમેરિકાની મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ (એમએસસીઆઈ) નામની કંપની દ્વારા દુનિયાભરની જાણીતી કંપનીઓના શેરોને રેટિંગ આપવામાં આવે છે.
આ રેટિંગના આધારે ચતુર રોકાણકારો તે-તે કંપનીઓના શેરો ખરીદતા કે વેચતા હોય છે. મોર્ગન સ્ટેનલી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ અદાણી જૂથના ખરેખર કેટલા શેરો ‘ફ્રી ફ્લોટિંગ’ કરી રહ્યા છે, તેનું પુનરાવલોકન કરશે. જો તેના દ્વારા મુક્ત વેચાણ માટે ઉપલબ્ધ શેરોની સંખ્યામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે તો અદાણી જૂથના ૨૦ કરોડ ડોલરના શેરો માર્કેટમાં વેચાવા આવશે, તેવી માત્ર ધારણાને આધારે ગાબડું પડી ગયું છે.
કોઈ પણ કંપની દ્વારા બહાર પાડવામાં આવતા શેરોનું વર્ગીકરણ બે જૂથોમાં કરવામાં આવતું હોય છે. એક, પ્રમોટરો અને તેમના સંબંધીઓ દ્વારા ધારણ કરવામાં આવતા શેરો, જે બજારમાં વેચાણ માટે ભાગ્યે જ આવતા હોય છે, માટે લોક કરવામાં આવેલા હોય છે. બે, છૂટક રોકાણકારો પાસે રહેલા શેરો, જે મુક્ત વેચાણ કે ‘ફ્રી ફ્લોટિંગ’ માટે ઉપલબ્ધ હોય છે. કોઈ પણ કંપનીના શેરોના ભાવોમાં તેજી કે મંદી આવે તેનો આધાર આ ‘ફ્રી ફ્લોટિંગ’ શેરોની ટકાવારી ઉપર રહેતો હોય છે. જો ‘ફ્રી ફ્લોટિંગ’ માટે ઉપલબ્ધ શેરોની ટકાવારી વધુ હોય તો તેમાં જોખમ ઓછું હોય છે, કારણ કે પ્રમોટરો તેમાં ગોલમાલ કરી શકતા નથી. જો અદાણી જૂથના ‘ફ્રી ફ્લોટિંગ’ શેરોની સંખ્યા ધાર્યા કરતાં ઓછી નીકળશે તો તેમાં ગભરાટભરી વેચવાલી પણ જોવા મળી શકે છે.
કોઈ પણ કંપનીના શેરો બહાર પાડવામાં આવે ત્યારે તેમાં અનેક પ્રકારના ખરીદદારો હોય છે. મુખ્ય રોકાણકારો કંપનીના પ્રમોટરો હોય છે, જેઓ પોતાની પાસે ૫૦ ટકા કે તેથી વધુ શેરો રાખતા હોય છે. તદુપરાંત છૂટક રોકાણકારો, વિદેશી નાણાં સંસ્થાઓ, ભારતીય મ્યુચવલ ફંડો, હાઈ નેટ વર્થ ઇન્ડિવિડિયલ્સ (એચએનઆઈ) વગેરે હોય છે, જેઓ પાંચ કરોડ રૂપિયાથી વધુનું શેરોમાં રોકાણ કરી શકે તેવા હોય છે.
તેમને મુક્ત રોકાણકારો કહેવામાં આવે છે, જેઓ પોતાના શેરો ગમે ત્યારે માર્કેટમાં વેચવા તૈયાર હોય છે. આ કક્ષામાં સરકારી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતા શેરોનો સમાવેશ કરવામાં આવતો નથી. ‘સેબી’ના નિયમો મુજબ કોઈ પણ લિસ્ટેડ કંપનીના ૨૫ ટકા અથવા તેથી વધુ શેરો બજારમાં મુક્ત વેચાણ માટે ઉપલબ્ધ હોવા જોઈએ. આ નિયમ મુજબ કોઈ પણ કંપનીના પ્રમોટરો તેના ૭૫ ટકાથી વધુ શેરો પોતાની પાસે રાખી શકતા નથી.
અદાણી જૂથની જે ૮ કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે તે બધાના લગભગ ૭૫ ટકા શેરો પ્રમોટરોના હાથમાં છે, જેનું તેઓ સામાન્ય સંયોગોમાં વેચાણ કરતા નથી. બાકીના જે ૨૫ ટકા શેરો માર્કેટમાં છે, તે પણ મુક્ત વેચાણ માટે ઉપલબ્ધ છે કે કેમ? તે મોટો સવાલ છે. વિદેશોમાં હેડ ઓફિસ ધરાવતી અદાણી જૂથની જ બેનામી કંપનીઓ દ્વારા આવા ઘણા શેરો ખરીદીને પોતાની પાસે રાખવામાં આવ્યા છે. તદુપરાંત એલઆઈસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વગેરે સરકારી કંપનીઓ દ્વારા અદાણી જૂથના શેરોમાં રોકાણ કરવામાં આવ્યું છે અથવા શેરો સામે લોન આપવામાં આવી છે. જો આ શેર હોલ્ડિંગ બાદ કરવામાં આવે તો અદાણી જૂથના માંડ ૧૦ ટકા શેરો મુક્ત વેચાણ માટે ઉપલબ્ધ છે. આ શેરોના ભાવોમાં સહેલાઈથી ગોલમાલ કરી શકાય તેમ છે. આ કારણે તેમાં કરવામાં આવતું રોકાણ ઓછું સલામત માનવામાં આવે છે. તેમાં ભારે વધઘટ જોવા મળી શકે છે.
મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ જેવી કંપનીઓ કોઈ પણ કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનની ગણતરી તેના કુલ શેરોના આધારે નથી કરતી પણ તેના મુક્ત વેચાણ માટે ઉપલબ્ધ શેરોના આધારે કરે છે. ધારો કે કોઈ કંપની દ્વારા ૧૦ કરોડ શેરો બહાર પાડવામાં આવ્યા છે, પણ તેમાંના ૭.૫ કરોડ શેરો પ્રમોટરો પાસે છે. જો શેરનો બજાર ભાવ ૧૦૦ રૂપિયા હોય તો તેનું માર્કેટ કેપિટલાઈઝેશન ૧,૦૦૦ કરોડ રૂપિયા નથી ગણવામાં આવતું પણ ૨૫૦ કરોડ રૂપિયા જ ગણવામાં આવે છે. મોર્ગન સ્ટેનલી ઉપરાંત એસ એન્ડ પી ૫૦૦, ફાઇનાન્સિયલ ટાઇમ્સ સ્ટોક એક્સચેન્જ ગ્રુપ વગેરે કંપનીઓ દ્વારા આ રીતે ઇન્ડેક્સ નક્કી કરવામાં આવતો હોય છે.
તા. ૨૪ જાન્યુઆરીના હિન્ડનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયો તે પહેલાં અદાણી જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે ૧૯ લાખ કરોડ રૂપિયા હતું, જે ઘટીને ૯ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું. બુધવારે તેમાં ૪૨,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થતાં તેના રોકાણકારો ગેલમાં આવી ગયા હતા, પણ મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલની જાહેરાતના પગલે તેમાં પાછું ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનું ગાબડું પડી ગયું હતું. અહીં નોંધવાની વાત એ છે કે મોર્ગન સ્ટેનલી દ્વારા હજુ સુધી તેના માર્કેટ કેપિટલાઈઝેશનની ફેરગણતરી કરવામાં આવી નથી, પણ માત્ર જાહેરાત જ કરવામાં આવી છે. જો જાહેરાતના પગલે આટલું ગાબડું પડ્યું છે, તો ખરેખરો રિપોર્ટ આવે ત્યારે શું થશે?
જો આજની તારીખમાં અદાણી જૂથનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ૯ લાખ કરોડ રૂપિયા ગણીએ તો તેનું ફ્રી ફ્લોટિંગ માર્કેટ કેપિટલાઈઝેશન ૨૫ ટકાના દરે ૨.૨૫ લાખ કરોડ રૂપિયાનું હોવું જોઈએ. જો મોર્ગન સ્ટેનલી દ્વારા તેને ઘટાડીને ૧.૭૫ લાખ કે ૧.૨૫ લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવે તો અદાણી જૂથના ‘સુસ્ત રોકાણકારો’ દ્વારા ધારણ કરવામાં આવેલા ૨૦ કરોડ ડોલર (આશરે ૧,૬૦૦ કરોડ રૂપિયા) ના શેરો માર્કેટમાં વેચાણ માટે આવી જાય તેમ છે. આ સુસ્ત રોકાણકારો શેરોની ઝડપી લે-વેચ નથી કરતાં પણ લાંબા ગાળાનું રોકાણ કરે છે.
તેઓ બજારમાં ચઢઉતર થાય તો પણ શેરો લેવા કે વેચવા નથી દોડતાં પણ કંપનીના ફંડામેન્ટલના આધારે લાંબા ગાળે નફો ગાંઠે બાંધતા હોય છે. તેઓ પોતાનું રોકાણ પકડી રાખવા માટે કે કાઢી નાખવા માટે ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીઓ પર આધાર રાખતા હોય છે. જો મોર્ગન સ્ટેનલી જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા અદાણી જૂથનું રેટિંગ ડાઉન કરવામાં આવે તો સુસ્ત રોકાણકારોના શેરો પણ માર્કેટમાં વેચાવા આવી જાય તેમ છે. જો ખરેખર તેવું બને તો અદાણી જૂથના શેરોને કોઈ પડતા રોકી નહીં શકે.
ભાજપના સોશ્યલ મિડિયા સેલ દ્વારા સતત અદાણી જૂથ ઉપરના વિદેશી એજન્સીઓના હુમલાને ભારત ઉપરના હુમલા તરીકે ઓળખાવીને તેને રાષ્ટ્રવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. ભારતના ટોચના અનેક ઉદ્યોગપતિઓ પણ અદાણીના સમર્થનમાં નિવેદનો બહાર પાડી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે આવતી કાલે તેમનો વારો પણ આવશે. જો વિદેશી એજન્સીઓ ખરેખર ભારતનાં અર્થતંત્રને જ ખતમ કરવા માગતી હોય તો તેઓ અદાણી જૂથ સિવાયના મોટા ઉદ્યોગ ગૃહો ઉપર પણ પ્રહાર કર્યા વિના રહેશે નહીં. અદાણી જૂથ ઉપરના આક્રમણ સામે સરકારનું કાન ફાડી નાખે તેવું મૌન ઉદ્યોગપતિઓની રાષ્ટ્રવાદની થિયરી સામે સવાલો ખડા કર્યા વિના રહેતું નથી.