વલસાડ : વાપીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા એક યુવકને અદાણી ગેસ (Adani Gas) એજન્સી લેવાનું સુઝ્યું અને તેણે તેના માટે ગુગલ સર્ચ (Google search) કર્યું. ગુગલ પર સર્ચ કરતા તેને અદાણી સીએનજી ડિલરશિપની (Dealership) એક ફેક વેબસાઇટ (Fake website) મળી. જેને સાચી માની તેમનો સંપર્ક કર્યો અને તેમના ચૂંગાલમાં ફસતો ગયો અને તેમને મળ્યા વિના માત્ર ઇમેલની આપલે થકી રૂ. 94.20 લાખની માતબર રકમ આપી દીધી હતી. ત્યારબાદ તે અમદાવાદ ફાઇનલ ડોક્યુમેન્ટ લેવા જતાં તેને છેતરાવાની અનુભૂતિ થઇ હતી અને આખો મામલો વલસાડ સાઇબર ક્રામમાં પહોંચ્યો હતો.
45 હજારથી લઇ રૂ. 46 લાખ રૂપિયા સુધીના પેમેન્ટ કર્યા હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીના યુવાન સમકિત રાજેન્દ્ર શાહને અદાણી ગેસ એજન્સી લેવાનું મન થતાં તેણે તેની ડિલરશિપ માટે ગુગલ સર્ચ કર્યું. જેમાં તેને જે વેબસાઇટ મળી એ વેબસાઇટ પર દર્શાવેલા ઇમેઇલ પર તેણે પોતાના ડોક્યુમેન્ટ સાથે એપ્લાઇ કર્યું હતુ. આ એપ્લાઇ કર્યા બાદ તેણે તેમના જણાવ્યા મુજબ ટુકડે ટુકડે પૈસા આપવાનું ચાલુ કર્યું. જેમાં તેણે રૂ. 45 હજારથી લઇ રૂ. 46 લાખ રૂપિયા સુધીના પેમેન્ટ કર્યા હતા. ત્યારબાદ આ ઠગ ટોળકીએ જ તેને અમદાવાદ ફાઇનલ ડોક્યુમેન્ટેશન માટે બોલાવ્યો હતો. જ્યાં જઇને તેને ખબર પડી કે, તેણે જે વેબસાઇટ પર વાત કરી એ અદાણી ગૃપની વેબસાઇટ હતી જ નહી. તેણે જેને પેમેન્ટ કર્યું એ અદાણી ગૃપ ઓફ કંપનીનું હતું જ નહી. ત્યારે આ આખી ઘટના તેની સાથે છેતરપિંડીની હોવાનું જાણવા મળ્યું હતુ. જેને લઇ આખો મામલો ગુંચવાયો અને આ મામલે તેણે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તેની ફરિયાદ લઇ બેંક એકાઉન્ટ ધરાવનારા અને મોબાઇલ પર વાત કરનારી ઠગ ટોળકી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઠગ ટોળકી તેને બિલ આપતા વિશ્વાસ વધ્યો હતો
સમકિતે જેટલા પણ પૈસા ટ્રાન્સફર કર્યા એ તમામ રકમનું બિલ કે રસીદ તેના પર આવી જતી હતી. જેમાં તેની સહીં તેમજ અદાણીના રાઉન્ડ સિલ વાળું બિલ તેના પર આવી જતું હતુ. જેનાથી તેને વિશ્વાસ વધતો ગયો અને તેણે એક પછી એક પેમેન્ટ ચાલુ રાખ્યા હતા.
ઠગે ખોટા સરકારી દસ્તાવેજો પણ બનાવ્યા હતા
વાપીના સમકિતને છેતરવા માટે આ ઠગ ટોળકીએ વિવિધ સરકારી વિભાગો જેમ કે, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટિ ઓર્ગેનાઇઝેશન, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. તેમના નામે પણ ઠગ ટોળકીએ તેની સાથે ઠગાઇ કરી હતી. તેમણે આ વિભાગના નામની રસીદ પણ સમકિતને આપી હતી.
માત્ર સાઇબર ક્રાઇમ જ નહી, અનેક કલમો
આ ઘટનામાં સમકિતે ઓનલાઇન વાત કરી હોય, પોલીસે તેને સાઇબર ક્રાઇમ પોલીસ મથકે મોકલ્યો છે. જોકે, આ ક્રાઇમ ઠગાઇનો અને ખોટા સરકારી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાનો હોય તેની કલમોનો પણ તેમાં ઉમેરો કરાયો છે. વલસાડ સાઇબર ક્રાઇમમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી જટીલ ક્રાઇમ નોંધાયો છે.
ચોક્કસ ગૃપ દ્વારા આયોજન બદ્ધ ઠગાઇ, અનેકો સાથે ઠગાઇની આશંકા
જામતાડા સ્ટાઇલ ઠગાઇમાં માત્ર ફોન પર કે નાની મોટી ઠગાઇ થતી હતી, પરંતુ આ ઠગાઇના કેસમાં ઠગ ટોળકીએ એક ચોક્કસ આયોજન કર્યું હતુ. અદાણી ગેસના નામની ફેક વેબસાઇટ બનાવવાથી લઇ તેમણે અનેક બેંક એકાઉન્ટ્સ તેમજ સરકારી વિભાગના બિલ પણ બનાવ્યા હતા. જેનું આગોતરું મોટું આયોજન તેમના દ્વારા થયું હતુ. તેમણે આ પ્રકારે વાપીના સમકિત શાહને જ નહી, પરંતુ ગુજરાતના કે અન્ય રાજ્યોના અન્ય લોકોને પણ છેતર્યા હોવાનું લાગી રહ્યું છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.