સુરત: (Surat) ઇચ્છાપોર ખાતે અદાણી પોર્ટમાંથી નીકળતા ટેન્કરોમાંથી (Tanker) ડ્રાઈવરો કેમિકલ ચોરી (Chemical Theft) કરી સસ્તામાં વેચતા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેઈડ કરી બે ટેન્કરના ડ્રાઈવરને પકડી પાડી તેમની પાસેથી કેમિકલ સાથે ટેન્કર મળી કુલ 1.30 કરોડનો મુદ્દામાલ કબજે લીધો છે.
- અદાણી પોર્ટના ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી બારોબાર વેચી મારવાનું કૌભાંડ
- ઇચ્છાપોર પોલીસે બે ટેન્કર, કેમિકલ સહિત 1.30 કરોડનો મુદ્દામાલ કબજે લીધો
- એનટીપીસી બ્રિજ પાસે ભંગારના ગોડાઉનની બાજુમાં ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા બે ડ્રાઈવરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા
ઇચ્છાપોરમાં કેમિકલ ચોરીનું મોટુ રેકેટ ચાલતુ હોવાની ઇચ્છાપોર પીઆઈ એ.સી.ગોહિલને માહિતી મળી હતી. તેમને કેમિકલ ચોરીના કેસો શોધી કાઢવા ઇચ્છાપોર પોલીસની ટીમને સૂચના આપતા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટમાંથી ટેન્કરો મારફતે કેમિકલ આણંદ, કાનપુર તથા યુ.પી જાય છે. જેના ટેન્કર ડ્રાઇવરો રાત્રે હાઇવે રોડની આજુબાજુમાં ઉભા રહી ટેન્કરોમાંથી કેમિકલ કાઢી ટેન્કરોના કેબિનમાં બેરેલો ભરી સંતાડી આ કેમિકલનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.
એનટીપીસી બ્રિજ પાસે આવેલા વામન ભંગારના ગોડાઉનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ટેન્કરો ઉભા હતા. જ્યાં રેઈડ કરતા ડ્રાઇવર આમદભાઇ ઇબ્રાહિમભાઇ રાજા (ઉ.વ.૪૫ રહે. ગાગોદર તા.રાપર જી.કચ્છ) તેના ટેન્કર (જીજે-12-બીટી-9606) માંથી કંપની તથા ટ્રાન્સ્પોર્ટરોએ ભરેલા કેમિકલ પ્રવાહીને અન્ય ટેન્કર (જીજે-12-બીટી-8700) ના ડ્રાઇવર આરોપી ઇન્દરસીંગ ચિત્તરસીંગ રાવત (રાજપુત) (ઉ.વ.૨૩ રહે.ગામ.સીંધાડીયા થાના.સદર જી.બ્યાવર, રાજસ્થાન) સાથે મળી કાઢતા રંગે હાથ પકડી પાડ્યા હતા. બંને ટેન્કર ડ્રાઇવરોએ અદાણી પોર્ટ દ્રારા ભરવામાં આવેલા 28500 રૂપિયાની કિમતનું 95 લિટર પ્રવાહી BULKKG & METHYL METHACRYLATE (MONOMER) કેમિકલ કાઢી છેતરપિંડી કરી હતી. બંને આરોપીઓ પાસેથી 50 લાખના બે ટેન્કર, બંને ટેન્કરમાં રહેલું 80.28 લાખનું કેમિકલ પ્રવાહી મળીને કુલ 1.30 કરોડનો મુદામાલ કબજે લીધો હતો.