SURAT

અડાજણ તલાટીની તુમાખી! બપોરે 2 વાગ્યા બાદ તાળાં મારી નીકળી જતાં અરજદારો હેરાન-પરેશાન

સુરત: સુરતના (Surat) અડાજણની (Adajan) તલાટી કચેરી (Talati Office) બપોર સુધી જ આવકના દાખલા, વિધવા સહાય સહિતની કામગીરી કરી બપોરે બંધ કરી દેવાતી હોવાથી અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. સોમવારે બપોરે 2 વાગ્યે સમય પૂર્ણ થયો છે કહી કચેરીને તાળું મારી સ્ટાફ ચાલ્યો ગયો હતો. વિધવા બહેનોએ વિનંતી કરી છતાં પણ તેઓ એકના બે થયા ન હતા. અડાજણ તલાટીની ઓફીસ એવી છે કે બે જગ્યાએથી ચાલે છે.

  • અડાજણની તલાટી કચેરી બપોર સુધી જ કામગીરી કરે છે- અરજદારોની રજૂઆત
  • સોમવારે બપોરે બે વાગ્યે કચેરીને તાળું મારી સ્ટાફ ચાલ્યો ગયો
  • અરજદારો વહેલી સવારે નવ વાગ્યે તલાટીની ઓફિસે લાઇનમાં બેસી જવું પડે છે
  • વિધવા બહેનો તેમજ આવકના દાખલા માટે આવનારાઓને અડાજણ તલાટીએ દોડાવતાં કલેક્ટર સમક્ષ રજૂઆત

એક સવારે અડાજણ ખાતે તલાટી ઓફિસમાં અને બપોર પછી અડાજણ મામલતદાર કચેરીમાં. જેમાં અડાજણ તલાટીની ઓફિસમાં બપોર સુધી જ આવકના દાખલા વિધવા સહાય કે પછી કોઈ પણ કામગીરી થાય છે. ત્યારબાદ ઓફિસને તાળાં મારી દેવાય છે. આથી વિધવા બહેનો, વિદ્યાર્થીઓ કે અરજદારો વહેલી સવારે નવ વાગ્યે તલાટીની ઓફિસે લાઇનમાં બેસી જવું પડે છે. અને સ્ટાફ આવે પછી બપોરે 2 વાગ્યે ગમેતેવા ચમરબંધી આવે ઓફિસને તાળું મારી દેવાય છે.

સોમવારે એવું બન્યું હતું કે, બપોર બે વાગ્યા સુધી 15થી વધુ અરજદાર હતા, તેમ છતાં સમય પૂર્ણ થઈ ગયો છે કહી ઓફિસને તાળું મારી સ્ટાફ રવાના થઈ ગયો હતો. આ સમયે મોટી સંખ્યામાં વિધવા બહેનો હોવા છતાં જેમનાં ફોર્મ તૈયાર હતાં તેમને જ આપ્યા. બાકીનાનાં ફોર્મ નહીં ચકાસતાં વિધવા બહેનોએ કાકલૂદી કરી હતી. છતાં તલાટી સ્ટાફ એકના બે થયા ન હતા અને તાળું મારીને રવાના થઈ ગયો હતો. આવી કામગીરીને કારણે વિધવા બહેનો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. કેમ કે, બધું કામ છોડીને આવ્યા હતા અને કચેરી જ બંધ કરી દેતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ સુરત કલેક્ટર દ્વારા આ કચેરી આખો દિવસ ચાલુ રાખવામાં આવે તેમજ સ્ટાફનું આવું વર્તન સુધારવાની માંગ થઈ છે.

Most Popular

To Top