મુંબઈઃ ગુરુવારે સાંજે બોલિવૂડના (Bollywood) માંથી ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક (Actor Shreyas Talpade suffered a heart attack) આવ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક શ્રેયસને મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. તેમની સર્જરી સફળ રહી હતી.
હોસ્પિટલ તરફથી જાણવા મળ્યા અનુસાર શ્રેયસને ગુરુવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ 10 વાગ્યે તેની હાર્ટ સર્જરી થઈ હતી. હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેની હાલત સ્થિર છે. થોડા દિવસોમાં રજા આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા મુંબઈમાં ફિલ્મ વેલકમ ટુ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો. અક્ષય કુમારે ઈન્સ્ટા પર ફિલ્મના સેટનો એક વીડિયો શેર કર્યો છે. આમાં શ્રેયસ પણ જોવા મળે છે. વીડિયોમાં અક્ષય સ્ટંટ કરી રહ્યો છે. શ્રેયસ સીડી પર તેમની પાછળ ઉભો છે.
વીડિયોમાં કલાકારો મસ્તી કરતા જોવા મળ્યા હતા પણ બીજી જ ક્ષણે શ્રેયસ સાથે આવું કંઈક થશે એવી કોઈને કલ્પના પણ નહોતી. મળતી માહિતી મુજબ, શૂટિંગ સમયે અભિનેતાની તબિયત સારી હતી. તે સેટ પર પણ મસ્તી કરતો હતો. તેણે પોતાનો શોટ પણ સારી રીતે આપ્યો હતો.
શૂટિંગ પછી તે ઘરે ગયો. તેણે તેની પત્નીને ફરિયાદ કરી કે તે બેચેની અને અસ્વસ્થતા અનુભવે છે. આ પછી અભિનેતા બેભાન થઈ ગયો હતો. પત્ની દીપ્તિ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. મુંબઈના અંધેરી વેસ્ટ ખાતે આવેલી બેલેવ્યુ હોસ્પિટલમાં શ્રેયસની એન્જીયોપ્લાસ્ટી કરાવાઈ હતી.ચાહકો અને સેલેબ્સ શ્રેયસના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આશા છે કે તે જલ્દીથી ડિસ્ચાર્જ થઈ જશે અને સુરક્ષિત ઘરે પરત ફરશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રેયસ પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. વેલકમ ટુ જંગલ સિવાય તે કંગના રનૌત સ્ટારર ફિલ્મ ઈમરજન્સીમાં પણ જોવા મળશે. આમાં તે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં જ ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યો હતો. ચાહકોને એક્ટરનું ટ્રાન્સફોર્મેશન ઘણું પસંદ આવ્યું. હિન્દી સિનેમા સિવાય શ્રેયસ મરાઠી ફિલ્મોમાં પણ કામ કરે છે. અભિનેતાની હિટ ફિલ્મોમાં ગોલમાલ રિટર્ન્સ, હાઉસફુલ 2, દૂર, ઓમ શાંતિ ઓમનો સમાવેશ થાય છે.