સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર સાંજે 5 વાગ્યા પછી કલાકો સુધી બીજી ફ્લાઈટની અવર જવર નહીં હોવાથી એરપોર્ટ પર ફિલ્મ શૂટિંગ (Bollywood Movie Shooting At Surat Airport) માટે બોલીવુડની નજર સુરત એરપોર્ટ પર ઠરી છે. પ્રથમવાર સુરત એરપોર્ટ પર આજે હિન્દી ફિલ્મનું શૂટિંગ થયુ હતું. બોલીવુડના જાણીતા અભિનેતા નિલ નીતિન મુકેશે (BN) હિસાબ બરાબર ફિલ્મનું શૂટિંગ અહીં કર્યું હતું.
ટર્મિનલ બિલ્ડીંગના અરાઈવલ એરિયામાં બૉમ્બ મુકવા અને વિમાન હાઈજેક કરવાનું દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. આ શૂટિંગ મોડી રાત સુધી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરીથી કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગના અરાઈવલ એરિયાના એક ભાગમાં લગેજ બેગના ઢગલા સાથે નિલ નીતિન મુકેશ પર દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું.
સહયોગી અભિનેતાઓ અને શૂટિંગ સ્ટાફનો મોટો કાફલો લાવવાને બદલે સુરતની ગુજરાતી રંગભૂમિના 30 થી 40 કલાકારોને નિલ સાથે અભિનયની તક આપવામાં આવી હતી. ટર્મિનલ બિલ્ડીંગમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગેજમાં બૉમ્બ શોધે છે, વિમાન હાઈજેકનો પ્લાન નિષ્ફળ બનાવવાનો પ્રયાસ થાય છે એવા દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી એ ફિલ્મના શૂટિંગ માટે સાંજે 5 થી બીજા દિવસે ગુરુવારે સવારે 5 વાગ્યામાં શૂટિંગ પૂરું કરવા મંજૂરી આપી છે.
સુરતના કલાકારો પણ ફિલ્મમાં સ્થાન પામ્યા છે
CiSF અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનાં જવાનોનો રોલ સુરતનાં કલાકારોએ આ ફિલ્મમાં કર્યો છે. હિસાબ બરાબર ફિલ્મનું દિગ્દર્શન અશ્વિન ધીર કરી રહ્યાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં નીલ નીતિન મુકેશ, માધવન, કીર્તિ કુલ્હારી અને અભિનેત્રી રશ્મિ દેસાઈ છે. રશ્મિ નવસારીની વતની છે. સુરત એરપોર્ટથી રાતે ઉપડતી બેંગલુરૂની ફ્લાઈટનાં પેસેન્જરો સુરત એરપોર્ટ પર નિલ નીતિન મુકેશને શૂટિંગ કરતાં જોઈ ઝૂમી ઉઠ્યા હતા. શૂટિંગના વિરામ દરમિયાન નિલ મુકેશે પેસેન્જરો, સહ કલાકારો, એરપોર્ટ સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યા હતા. આખી રાત આ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું.
જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનો હેપ્પી એન્ડ સુરતમાં ફિલ્માવાયો
સુરત: છેલ્લાં વીકએન્ડમાં યુવા દિલોની ધડકન ફિલ્મસ્ટાર જહ્નાવી કપૂર અને ‘સ્ત્રી’ મૂવી ફેમ રાજકુમાર રાવ ગુપચૂપ સુરતમાં આવીને શુટિંગ કરી ગયા. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત અને શરન શર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું શૂટિંગ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
અભિનેતા રાજકુમાર રાવ અને સ્વ. શ્રીદેવીની દીકરી અને જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે સ્પોર્ટ્સ ડ્રામાના ક્લાઇમેક્સ સીનનું શૂટિંગ અહીં પૂરું કર્યું હતું. વુમન ક્રિકેટ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ અગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થઈ ચૂક્યું હતું.
ફિલ્મના કલાઈમેટિક દ્રશ્યો ફિલ્માવવા ધર્મા પ્રોડકશનની 200 જણની ટીમ શુક્રવારે જ સુરત આવી પહોંચી હતી અને લાલભાઈ સ્ટેડિયમમાં સેટઅપ ગોઠવ્યો હતો. શનિવારે રાજકુમાર રાવ ગ્રાઉન્ડ પર આવ્યો હતો અને વેનિટી વેન સાથે જાહ્નવી કપૂર પણ આવી હતી.
બે દિવસ ફિલ્મના હેપ્પી એન્ડનું દ્રશ્ય સુરતમાં ફિલ્માવવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન ક્રિકેટ ક્લબની ફાઇનલ મેચમાં જાહ્નવી કપૂરને છેલ્લા બોલ પર 5 રન ફટકારવાના આવે છે અને એ સિક્સ મારી ભવ્ય વિજય અપાવે છે. વુમન ક્રિકેટરની સંઘર્ષ કથા પર આ ફિલ્મ બની છે. જોકે ફિલ્મ ક્રિકેટર પતિ પત્નીની લવસ્ટોરી પર આધારિત ડ્રામેટિક ફિલ્મ છે.