ભારતમાં ઓકટોબરની આસપાસ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છ તેવા અભિપ્રાયને પગલે રાજય સરકારે હવે તેનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે સીએમ વિજય રૂપાણીએ કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાંત તબીબો સાથે મહત્વની ચર્ચા હાથ ધરી હતી.
રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો તેમજ GBRCના વૈજ્ઞાનિકો, મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ભાવિ રણનીતિ ઘડવા અંગે ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરી હતી.
રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણમાં આ બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે અને અગાઉના ૧૪૦૦૦ કેસોથી ઘટીને ૧૧ હજાર જેટલી સંખ્યા થઇ ગઇ છે. રાજ્ય સરકાર, તબીબી જગત અને જનસહયોગના સહિયારા પ્રયાસોથી આપણે આ પરિણામ મેળવી શકયા છીયે.
”હવે, ત્રીજી લહેર જો સંભવત: આવી પડે તો ગુજરાતમાં આગોતરું આયોજન કરીને મેડિકલ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ, ઓકસીજન વ્યવસ્થા, હોસ્પિટલોમાં બેડ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ બનાવવા અંગે આપણે માઇક્રોપ્લાનિંગ સાથેનો એકશન પ્લાન ઘડવો પડશે” એમ મુખ્યમંત્રીએ તજજ્ઞ તબીબો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારનો પહેલી લહેર અને બીજી લહેરનો જે અનુભવ, સારવાર પદ્ધતિ આપણી પાસે છે તેના આધાર ઉપર ત્રીજા સંભવિત વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા છે.
તેમણે થર્ડ વેવથી બચવા-રક્ષણ મેળવવા રાજ્યમાં મોટાપાયે લોકોનું વેક્સિનેશન થાય તે માટે તજજ્ઞ તબીબો પ્રચાર-પ્રસારમાં રાજ્ય સરકાર સાથે જોડાય તેવી અપીલ પણ કરી હતી.આ ટાસ્કફોર્સ કમિટિની ઉચ્ચસ્તરીય બેઠકમાં મ્યુકરમાયકોસીસના રોગચાળા અને તેની સારવાર અંગે પણ ચર્ચા હાથ ધરાઇ હતી.
રાજ્યના ૯ જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સના સભ્યો પૈકી વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ બેઠકમાં સહભાગી થઇને કોવિડ પ્રોટોકોલ તથા લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા અને સૂચનો પણ કર્યા હતા. આ ટાસ્ક ફોર્સના તબીબો અગાઉ પણ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને સેવાઓ આપતા રહ્યાં છે.