ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને જે તે એરલાઈન્સે સપ્તાહમાં 48 કલાક આરામ આપવો પડશે. આ નિયમને કારણે વિવિધ એરલાઈન્સમાં પાયલોટ અને સ્ટાફની અછત ઊભી થવા પામી હતી. ભારતમાં 60 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઈન્ડિગો ચલાવતું હોવાથી આની સૌથી મોટી અસર ઈન્ડિગો પર થવા પામી હતી. છેલ્લા 4 જ દિવસમાં ઈન્ડિગોની 1200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ હતી. આખા દેશમાં વિમાની મુસાફરોમાં અંધાધુંધી થઈ ગઈ હતી.
લોકો પોતાના નિયત ગંતવ્ય સ્થળો પર પહોંચી શક્યા નહોતા. એક યુગલે તો પોતાના જ રિસેપ્શનમાં ઓનલાઈન હાજરી આપવી પડી હતી. આ સ્થિતિને જોઈને આખરે ડીજીસીએ પોતાનો અગાઉનો આદેશ પરત ખેંચવો પડ્યો છે. ડીજીસીએએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સાથે સંકળાયેલા નિયમો, ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન નો બીજો તબક્કો લાગુ કર્યો હતો. આ બીજા તબક્કાના નિયમોમાં, એરલાઇન કંપનીઓ માટે પાઇલટ્સને અઠવાડિયામાં 48 કલાક આરામ, એટલે કે બે દિવસનો સાપ્તાહિક આરામ આપવો ફરજિયાત બનાવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન કોઈ પણ રજાને સાપ્તાહિક આરામ ગણવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ડીજીસીએએ પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સની સતત નાઇટ શિફ્ટ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જેને કારણે મોટી સમસ્યા સર્જાવા પામી હતી. ઈન્ડિગો એરલાઇન ભારતમાં દિવસ દરમિયાન લગભગ 2,300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ સંખ્યા એર ઇન્ડિયા દ્વારા એક દિવસમાં સંચાલિત ફ્લાઇટ્સ કરતાં લગભગ બમણી છે. ઈન્ડિગોમાં છેલ્લા મહિનાથી ક્રુની અછત ચાલી જ રહી હતી. તેમાં આ નવા નિયમોએ મોટી મુશ્કેલી સર્જી હતી. નવેમ્બરમાં તેની 1232 ફ્લાઇટ્સ રદ થઈ હતી.
મંગળવારે 1400 ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત થઈ છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે. બુધવારે પણ ઇન્ડિગોની 200થી વધુ ફ્લાઇટ્સ પર અસર પડી હતી. જેને કારણે શુક્રવારે આખરે ડીજીસીએ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ નાયડુ, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ઈન્ડિગોના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રામ મોહન નાયડુએ બાદમાં ગૃહમંત્રી અમિત શાહને માહિતી આપી હતી અને બાદમાં ડીજીસીએ દ્વારા આ રોસ્ટરનો નિયમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ડીજીસીએ દ્વારા પોતાનો જ નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો પરંતુ છેલ્લા પાંચેક દિવસ દરમિયાન વિમાની મુસાફરી કરવા માંગતા જે લોકોએ ભયંકર ત્રાસ ભોગવવો પડ્યો તેના માટે જવાબદાર કોણ? ડીજીસીએ તો પોતે હાથ ખંખેરી નાખ્યા અને અનેક લોકોના આયોજનો બરબાદ થઈ ગયા. અનેક લોકોના પ્રવાસો અટવાઈ ગયા. કેટલાયના હનીમૂન રખડી પડ્યા.જેમને જરૂરીયાત હતી તેમણે અનેકગણાં નાણાં ખર્ચવા પડ્યા.
ખરેખર તો આ તમામ માટે ડીજીસીએને જવાબદાર ઠેરવવી જોઈએ. ડીજીસીએએ સમજ્યા વિના જ નિર્ણય લઈ લીધો અને આખા દેશમાં ભારે અંધાધૂંધી થઈ ગઈ. ઈન્ડિગો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે ભલે નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો પરંતુ તમામ વિમાની સેવા વ્યવસ્થિત થવામાં 15મી ડિસેમ્બર સુધીનો સમય લાગી શકે છે. ત્યાં સુધી થનારી હેરાનગતિ મુસાફરોએ ભોગવવી પડે તેમ છે. સરકારે આ મુદ્દે તપાસ કરાવવી જોઈએ અને ડીજીસીએને યોગ્ય દંડ કરવો જોઈએ. જો તેમ થશે તો જ હેરાન થયેલા મુસાફરોને ન્યાય મળશે તે ચોક્કસ છે.