Sports

બજરંગ પુનિયા પર NADA દ્વારા મોટી કાર્યવાહી, ડોપ ટેસ્ટ ન આપવા બદલ સસ્પેન્ડ

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ બજરંગ પુનિયાને અસ્થાયી રૂપે સસ્પેન્ડ (Suspend) કરી દીધો છે. માર્ચમાં સોનીપતમાં આયોજિત નેશનલ ટ્રાયલ દરમિયાન પુનિયાએ ડોપ સેમ્પલ (Dope Sample) આપ્યા ન હતા જેના કારણે NADAએ આ કાર્યવાહી કરી છે. સાથે જ બજરંગ પુનિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

બજરંગ પુનિયાનું પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે. NADA એ ભારતના સ્ટાર રેસલરને ડોપ ટેસ્ટ માટે સેમ્પલ ન આપવા બદલ સસ્પેન્ડ કરી દીધો છે. NADA દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે બજરંગ પુનિયા પેરિસ ઓલિમ્પિક માટે પસંદગીના ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં. સોનીપતમાં યોજાયેલા ટ્રાયલ દરમિયાન બજરંગે પોતાનો સેમ્પલ આપ્યો ન હતો.

તમને જણાવી દઈએ કે 10 માર્ચે સોનીપતમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે પસંદગીની ટ્રાયલ યોજાઈ હતી. આ ટ્રાયલમાં બજરંગ પુનિયા હારી ગયો હતો. પુનિયાને પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા સેમિફાઇનલમાં રોહિત કુમાર સામે 1-9થી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ તે રવિન્દર સામે મુશ્કેલીથી જીત નોંધાવવામાં સફળ રહ્યો હતો. સેમિફાઇનલમાં હાર્યા બાદ પુનિયાએ તરત જ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સેન્ટર છોડી દીધું હતું. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પૂનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે સેમ્પલ આપ્યા ન હતા જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બજરંગ પુનિયાએ આ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા બજરંગ પુનિયાએ લખ્યું કે હું મારા વિશે ડોપ ટેસ્ટ માટે આવી રહેલા સમાચારો વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું. મેં ક્યારેય નાડાના અધિકારીઓને સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો નથી. મેં તેમને વિનંતી કરી હતી કે તેઓ પહેલા મને એ વાતનો જવાબ આપે કે તેઓએ મારા સેમ્પલ લેવા માટે જે એક્સપાયરી કીટ લાવ્યા હતા તેના પર તેઓએ શું પગલાં લીધાં. મારા વકીલ વિદુષ સિંઘાનિયા સમય આવ્યે આ પત્રનો જવાબ આપશે.

Most Popular

To Top