નડિયાદ: નડિયાદમાં બનાવટી હળદરનો જથ્થો પકડાવા મામલે અંતે ટાઉન પોલીસે ટહેલ્યાણી બ્રધર્સ સામે ગુનો દાખલ કર્યો છે. પાંચેક દિવસ પહેલા ટાઉન પોલીસના દારૂની શોધે આ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે પાંચ દિવસ બાદ હવે આ ફેક્ટરીના માલિક બંને ભાઈઓ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે. જો કે, પોલીસની ફરીયાદ ખૂબ ટુંકી અને તેમાં કોઈ પણ વધારાની વિગતનો ઉલ્લેખ કરાયેલો દેખાયો નથી. જેથી શું ઘીના ઠામ ઘીમા ઠારવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે? તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
નડિયાદના મીલ રોડ પર દેવ સ્પાઈસીસ ફેક્ટરી પાસે દારૂની બાતમી આધારે પોલીસ છાપો મારવા ગઈ ત્યારે ફેક્ટરીમાં બની રહેલી હળદરની પ્રક્રિયા જોઈ પોલીસ ચોંકી ગઈ હતી અને નડિયાદમાં બનાવટી હળદર બનાવી આખા વિશ્વને પધરાવાતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ સ્થળે પોલીસે ફૂડ વિભાગની ટીમને બોલાવી લીધી હતી, જ્યાં ફૂડ વિભાગે ફેક્ટરી માલિકની સઘન પૂછપરછના અંતે અન્ય બે એકમો પર પણ પહોંચી અને ત્રણ ફેક્ટરીમાંથી કુલ 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સમગ્ર મામલે હવે પાંચ દિવસના અંતે પોલીસે ફેક્ટરીના માલિક અમિત ચંદ્રકાન્ત ટહેલ્યાણી અને પંકજ ચંદ્રકાન્ત ટહેલ્યાણી સામે છેતરપીંડી અને લાયસન્સમાં લખેલા નિયમોના ઉલ્લંઘન બદલ સાડા આઠ લીટીની ફરીયાદ નોંધી છે. એકતરફ જ્યાં આ ઘટનાક્રમમાં 90 લાખ ઉપરાંતનો તો મુદ્દામાલ જ જપ્ત થયો છે, જ્યારે કેન્દ્રમાંથી આવેલી FSSAIની ટીમે 12 સેમ્પલો લીધા છે, તેમજ વર્ષોથી આ ફેક્ટરી ચાલી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે, ત્યારે તેની સામે નોંધાયેલી ફરીયાને પોલીસે સાડા આઠ લીટીમાં પૂર્ણ વિરામ મૂકી દીધુ છે. જેથી આખી ઘટના પર પડદો પાડવા માટે આ પ્રકારે ફરીયાદ નોંધાઈ હશે કે કેમ? તે પ્રશ્ન ઉઠ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં ફુડ વિભાગ ઉંઘતું ઝડપાયું છે. આ સમગ્ર ઘટના પોલીસ કાર્યવાહીમાં બહાર આવી છે.
ફરીયાદમાં નિયમોના ઉલ્લંઘનો ઉલ્લેખ
પોલીસને નોંધેલી ફરીયાદમાં બિન આરોગ્યપ્રદ હળદર બનાવવી, લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનું જાણવા છતા વ્યવસાયિક ફાયદા માટે કોઈ પણ બિલો વગર સ્થાનિક વેપારીઓને વેચવી અને વિદેશમાં એક્સપોર્ટ કરવી અને તેનો ઉપયોગ કરનારા સાથે છેતરપીંડી કરવા સહિત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન પ્રક્રિયાના નિયમોનું પાલન ન કરવા ઉપરાંત લેબલીંગ ન કરવુ અને લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કર્યાની ફરીયાદ નોંધી છે.