આણંદ : આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ચાલતી લાલીયાવાડીની ફરિયાદ આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 9 જેટલી ટીમ બનાવી સરપ્રાઇઝ તપાસણી કરવામાં આવી હતી. જેમાં 9 પીએચસી પર સ્ટાફ બેદરકાર દેખાયો હતો. જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ 9 પીએચસી પર ડોક્ટરથી લઇ વર્ગ 4ના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ સરપ્રાઇઝ ચેકીંગમાં સ્વચ્છતા, દવા, હાજરી સહિતના મુદ્દા ચકાસવામાં આવ્યાં હતાં. આણંદમાં જિલ્લા પંચાયત આણંદ હસ્તક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે.
આ કેન્દ્રો પૈકી કેટલાંક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતાં કર્મચારીઓ સહિત આરોગ્ય કેન્દ્રોમાં જોવા મળતી વિસંગતતાઓ બાબતે જિલ્લા આરોગ્ય તંત્રને મળેલી ફરિયાદોના નિવારણ માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની સીધી સૂચનાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મેઘા મહેતાના માર્ગદર્શન હેઠળ જે આરોગ્ય કેન્દ્રોની ફરિયાદો મળી હતી તે આરોગ્ય કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઇ તપાસણી કરવા માટે 9 ટીમો બનાવવામાં આવી હતી. એક ટીમમાં બે(2) સભ્યો મળીને કુલ-18 કર્મચારીઓની ટીમ બનાવી આ ટીમોને આ આરોગ્ય કેન્દ્રોની કેવી રીતે તપાસણી કરવી તે અંગેની તાલીમ આપી તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આ ટીમો દ્વારા કરમસદ, બામણગામ, ભાદરણ, બામણવા, સીમરડા, પીપળાવ, ખાનપુર, પણસોરા અને સુંદલપુરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
આ આકસ્મિક મુલાકાત દરમિયાન જે તે આરોગ્ય કેન્દ્રોમાં જોવા મળેલી વિસંગતતાઓ અને બિનઅધિકૃત રીતે ગેરહાજર જણાયેલા 4 મેડીકલ ઓફિસર્સ, 2 આયુષ મેડીકલ ઓફિસર્સ, 6 લેબોરેટરી ટેકનીશ્યન, 5 જુ.ફાર્માસિસ્ટને તાત્કાલિક અસરથી તેઓ જે સ્થળે ફરજો બજાવે છે ત્યાંથી તેઓને અન્ય સ્થળે 29 દિવસ માટે પ્રતિનિયુકિત ઉપર મોકલી આપવાના હુકમો કરવા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 5 ફિમેલ હેલ્થ વર્કર, 7 ફિમેલ હેલ્થ વર્કર સુપરવાઇઝર, 7 મલ્ટી પરપર્ઝ હેલ્થ વર્કર, 3 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, એક એકાઉન્ટટ કમ ડેટા ઓપરેટર, 5 સ્ટાફ નર્સ અને 5 ચોથા વર્ગના કર્મચારીનો એક દિવસનો પગાર કાપવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને જણાવી જિલ્લાના આરોગ્ય તંત્ર ઉપર સપાટો બોલાવ્યો છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ આ કાર્યવાહી કરીને આરોગ્ય તંત્રના કર્મચારીઓને ફરજમાં કોઇપણ પ્રકારની બેદરકારી કે અનિયમિતતા ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે.
ફરિયાદોના આધારે દરેક તાલુકા દીઠ એક પીએચસી પર તપાસણી કરાઇ હતી
‘આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બેદરકારીની ફરિયાદો આવતી રહે છે. આથી, દરેક તાલુકા દીઠ એક પીએચસીમાં તપાસણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં સૌથી નબળી કામગીરી દેખાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તપાસણી કરવા 9 ટીમ બનાવી હતી. જેમને જરૂરી તાલીમ આપ્યા બાદ 7મી જાન્યુઆરીના રોજ જે તે સ્થળે મોકલવામાં આવ્યાં હતાં. સાંજે તેઓ પરત આવ્યા તે સમયે તેમના રિપોર્ટ આધારે કાર્યવાહી કરવામાં આવી છે.’ – ડો. મેઘા મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ.