Sports

ટીમ ઈન્ડિયામાં વેડિંગ સિઝન: રાહુલ બાદ અક્ષર પટેલે કર્યા લગ્ન

વડોદરા: ભારતીય ક્રિકેટોની હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 23 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલે બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે હવે સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Akshar Patel) પણ તેની મંગેતર મેહા પટેલ (Meha Patel) સાથે લગ્નના (Wedding) બંધનમાં બંધાયો હતો. વડોદરામાં અક્ષરે ધામધૂમથી લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અક્ષર પટેલ અને મેહા પટેલના લગ્નની ઘણી તસવીરો અને વિડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યા છે.

ગુરુવારે 26 જાન્યુઆરી વડોદરામાં અક્ષર પટેલે ધામધૂમથી લગ્ન કર્યા હતા. અક્ષરના વરઘોડાના વીડિયો પણ સામે આવ્યો છે. વરરાજા બનેલા અક્ષરે કારમાં વરઘોડો કાઢ્યો હતો. પરિવારના સભ્યો પણ તેની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. અક્ષર અને મેહાની મહેંદી અને હળદરની વિધિ પણ થઈ હતી, જેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. એક વીડિયોમાં અક્ષર અને મેહાની એન્ટ્રી જોવા મળી રહી છે. અક્ષર પટેલના લગ્નમાં અનેક ક્રિકેટર્સ પહોંચ્યા હતા. આ ફંક્શનમાં ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ પહોંચ્યા હતા. જયદેવ ઉનડકટ અને પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને અભિનંદન પાઠવ્યા છે. ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ ચાહકો પણ બંનેના ફોટા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અક્ષર અને મેહાનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે
જયદેવ ઉનડકટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ સાથે અક્ષર પટેલે પણ તેની દુલ્હન મેહા સાથે સંગીત સેરેમનીમાં ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મેહા અને અક્ષરની સગાઈ ગયા વર્ષે જ થઈ હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મેહા પટેલ વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર પટેલ અને મેહા પણ ઘણી વખત સાથે રજાઓ ગાળતા જોવા મળ્યા છે. તાજેતરમાં બંને અમેરિકા પણ ગયા હતા.

અક્ષરે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બ્રેક લીધો હતો
અક્ષર પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમી હતી, જેમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે ભારતીય ટીમે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. અક્ષરે લગ્ન માટે આ બંને શ્રેણીમાંથી બ્રેક લીધો છે.

Most Popular

To Top