ઓલપાડ તાલુકાનું અછારણ ગામ આશરે ચારસોથી પાંચસો વરસ પુરાણું ગામ હોવાનું કહેવાય છે. આમ તો ઓલપાડ તાલુકામાં મુઘલ સલ્તનત પછી મરાઠા સામ્રાજ્યના ગાયકવાડી શાસકોનું રાજ હતું. ત્યારબાદ તાલુકો અંગ્રેજ સલ્તનતના તાબા હેઠળ આવ્યો, જેમાં અછારણ ગામ પણ અંગ્રેજ સરકારના તાબા હેઠળનું ગામ હતું. અછારણ ગામ મુખ્યત્વે કાળા ચૂડા કડવા પાટીદારોએ વસાવ્યું હતું. ગામના આગેવાન ભગવતીભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમના વડવાઓ (પૂર્વજો) ઉંઝા વિસ્તારમાંથી લાંબો રઝળપાટ કરી અહીં આવીને વસ્યા હતા.
અછારણ ગામ વસવાટના સમયે નાનકડું ગામ હતું. તેની આજબાજુમાં નગડા અને વરથાણ એવાં બે ગામ વસતાં હતાં. સમય જતાં નગડા અને વરથાણ બંને ગામોના લોકોએ અછારણ ગામે આવી વસવાટ કરતાં અછારણ એક વિશાળ ગામ બન્યું. હાલ નગડા અને વરથાણ બંને ગામો ઉજ્જડ ગામો તરીકેનો ઉલ્લેખ મળી આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામનું નામ કેવી રીતે પડ્યું એ વિશે વડવાઓ એવું કહેતા હતા કે, અચ્છા એટલે સારા લોકો વસવાટ કરતા હોવાને કારણે અછારણ નામ પડ્યું. ગામમાં કાળા ચૂડા કડવા પાટીદારોની બહુધા વસતી હોવાને કારણે ગામમાં પાટીદારોનું પ્રભુત્વ જોવા મળે છે. આ ઉપરાંત ગામમાં હરિજન, હળપતિ, દરજી, મૈસુરિયા અને મોચી જાતિના લોકો વસવાટ કરે છે.
૧૯૬૦માં પંચાયતી રાજ અમલમાં આવતાં અછારણ ગામ ગ્રુપ ગ્રામ પંચાયત તરીકે કાર્યરત થયું
ઓલપાડ તાલુકાનું અછારણ ગામ આઝાદી પહેલાં અંગ્રેજ સરકારના તાબા હેઠળનું ગામ હતું. ગામનો વહીવટ તત્કાલીન સમયે ગામના પોલીસ પટેલો દ્વારા ચલાવવામાં આવતો હતો. સમય જતાં સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીના અંગ્રેજો સામેનાં આંદોલનોમાં સમગ્ર દેશ જોડાયો અને ૧૯૪૭માં દેશને આઝાદી મળી. ત્યારબાદ ભારતના અલગ અલગ પ્રાંતોની રચના થઈ, જેમાં ગુજરાતનો કેટલો હિસ્સો મુંબઈ રાજ્યમાં આવ્યો. તેમાં દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ થતો હતો. જો કે, રવિશંકર મહારાજ, ઈન્દુલાલ યાજ્ઞિક જેવા ગુજરાતના અનેક આગેવાનોએ ગુજરાતને સ્વતંત્ર રાજ્યની માંગણી કરી અને ૧૯૬૦માં મુંબઈ રાજ્યથી છૂટું પડતાં ગુજરાત રાજ્યનું નિર્માણ થયું.
ત્યારબાદ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ એટલે કે પંચાયતી રાજનો પ્રારંભ થયો. રાજ્યના સ્થાપના કાળની સાથે પંચાયતી રાજ અમલમાં આવ્યું અને ૧૯૬૦માં જ અછારણ ગામમાં પણ પંચાયતી રાજનો પ્રારંભ થયો હતો. નગડા અને વરથાણ આ બંને ગામ પણ અછારણ ગામ સાથે જોડાયેલા હોવાથી હાલ પણ અછારણ ગ્રુપ ગ્રામ પંચાયત તરીકે જ ઉલ્લેખ જોવા મળે છે. હાલ ગામમાં ૧૦૨૫થી વધુની વસતી જોવા મળે છે. ગામમાં મુખ્યત્વે કાળા ચૂડા કડવા પાટીદાર, હરિજન, હળપતિ, દરજી, મૈસુરિયા અને મોચી જાતિના લોકો વસવાટ કરે છે. ગામમાં ૧૧ જેટલા મહોલ્લા આવેલા છે, જેમાં ખાડી મહોલ્લો, કારીગર મહોલ્લો, ગાંધી મહોલ્લો, ગોલવાડ ફળિયું, જાગીરદાર ફળિયું, હરિજનવાસ, જૂનો હળપતિવાસ, નવો હળપતિવાસ, ઇન્દિરા આવાસ, સરદાર આવાસ, મોરારજીનગર વગેરેનો સમાવેશ થાય છે.
ગામ આધુનિક ખેતીમાં પારંગત: પ્રદીપ પટેલ કરે છે બીજ વિનાના જમરૂખની સફળ ખેતી
આમ તો કહેવાય છે કે, પાટીદારો સૌથી કુશળ કૃષિકાર (ખેડૂત) તરીકે ઓળખાય છે. અછારણ ગામના વડવાઓ જ્યારે ઊંઝા તરફથી અહીં આવ્યા ત્યારે આ વિભાગની મેદાની વિસ્તારની જમીનો જોઈ અને અહીં જ વસી ગયા. હાલ અછારણ ગામનો અંદાજિત ૪૨૦ હેક્ટર જેટલો રેવન્યુ રકબો પંચાયત દફ્તરે નોંધાયેલો છે. ગામમાં ગોરાડું અને કાળી જમીન આવેલી છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. એક સમયે જ્યારે અહીં સિંચાઇના પાણીની વ્યવસ્થા ન હતી અને વરસાદી ખેતી ઉપર જ જ્યારે ખેડૂતો નભતા હતા, ત્યારે ખેડૂતો મગફળી, જુવાર તુવેરનું મહત્તમ વાવેતર કરતા હતા. સમય જતાં તાપી નદી ઉપર કાકરાપાર અને ઉકાઇ સિંચાઇ પરિયોજના શરૂ થતાં નહેરોની સુવિધા મળી. ગામ નજીકથી મુખ્ય નહેર કરંજ માઇનોર તથા ડીઓ-૪ અને ૫ એલ જેવી સબ માઈનર પસાર થતાં ખેડૂતોને સિંચાઇની સગવડ મળવા લાગી. આ વિસ્તારમાં મહત્તમ કપાસનું વાવેતર થતું હતું. જો કે, કપાસની ખેતીમાં લશ્કરી જીવાતોનું આક્રમણ થતાં પાકો નિષ્ફળ જતાં આખરે શેરડીની ખેતીનો નવો ટ્રેન્ડ શરૂ થતાં ખેડૂતો શેરડીની ખેતી તરફ વળ્યા. નજીકમાં સાયણ ખાતે સુગર ફેક્ટરીનું નિર્માણ થતાં સમગ્ર વિસ્તાર મબલક શેરડી પકવતો વિસ્તાર તરીકે ઓળખાતો થયો, સાથેસાથે ખેડૂતો શાકભાજી અને ડાંગરના પાકની ખેતી કરી રહ્યા છે. ગામમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં અછારણના પ્રગતિશીલ ખેડૂત પ્રદીપ પટેલ તેમની વાડીમાં બીજ વિનાનાં જમરૂખની સફળ ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત ગામના બીએસએનએલના ભૂતપૂર્વ અધિકારી જશવંતભાઈ પટેલ પણ કમલમ ફ્રૂટની પણ સફળ ખેતી કરી રહ્યા છે.
અછારણ દાંડી સત્યાગ્રહ હેરિટેજ માર્ગ સહિત અનેક માર્ગો સાથે જોડાયેલું છે
અછારણ ગામ તાલુકામથક ઓલપાડથી 7.5 કિલોમીટરના અંતરે આવેલું છે. અછારણ ગામના આગેવાનોની સક્રિયતાને કારણે ગામને જોડતા તમામ રસ્તા ડામર સપાટીના જોવા મળે છે. જેમાં ગોલા-અછારણ અને સાંધિયેર ગામને જોડતો માર્ગ દાંડી સત્યાગ્રહ માર્ગ હોવાથી આ માર્ગ દાંડી સત્યાગ્રહ હેરિટેજ માર્ગ ને.હા.૨૨૮ તરીકે ઓળખાય છે. તેમજ અછારણ-અટોદરાને જોડતા માર્ગ ઉપરાંત સિવાણ-અછારણ-મોરથાણ સહિતના માર્ગ સાથે જોડાયેલો છે.
ગામના નિષ્ઠાવાન સહકારી આગેવાન મનુભાઈ પટેલ
અછારણ ગામના સહકારી આગેવાનો પૈકીના એક નિષ્ઠાવાન આગેવાન તરીકે મનુભાઈ ગોવનભાઈ પટેલનું નામ મોખરે છે. તેઓ યુવાવસ્થાથી જ જનસંઘમાં જોડાયા હતા. જનસંઘમાં કામ કરતાં કરતાં તેમણે 1980માં અટલબિહારી બાજપાઈના સફળ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થતાં મનુભાઈ પટેલ પણ પ્રારંભથી જ ભાજપમાં જોડાઈ ગયા, સાથે સાથે તેઓ સહકારી ક્ષેત્રે પણ કાર્યરત થયા. તેમણે અછારણ ગામની દૂધમંડળીની સ્થાપના કરવામાં અને પિયત મંડળીની શરૂ કરવામાં પણ મહત્ત્વની કામગીરી બજાવી હતી. તેઓ ઓલપાડ-ચોર્યાસી તાલુકામાં બહોળો કાર્ય વિસ્તાર ધરાવતી જહાંગીરપુરા ગ્રુપ કોટન મંડળીમાં સતત ૧૪ વર્ષ સુધી ડિરેક્ટર રહ્યા બાદ ૨૦૧૧થી સતત 12 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ સંસ્થાને વિકાસના પંથે લઈ જવા અને ખેડૂત સભાસદોને વિવિધ લાભો આપવા માટે હરહંમેશ અગ્રેસર રહ્યા છે.
અછારણ ગ્રામ પંચાયતનાં હોદ્દેદારોની યાદી
જલ્પાબેન ચિંતનભાઈ પટેલ-સરપંચ
ગીરીશભાઈ ધીરુભાઈ સુરતી-ઉપ સરપંચ
સમીરભાઈ નરેશભાઇ પટેલ-સભ્ય
ધૃતિબેન ચંદ્રેશભાઈ પટેલ-સભ્ય
પ્રીતિબેન વિજેશભાઈ પટેલ-સભ્ય
દમયંતીબેન પ્રવીણભાઇ રાઠોડ-સભ્ય
કપિલાબેન વિજયભાઈ રાઠોડ-સભ્ય
ગોમાનભાઈ સોમાભાઇ રાઠોડ-સભ્ય
ગોમાનભાઈ કાળીદાસ રાઠોડ-સભ્ય
કેતનભાઈ જાસોલિયા-તલાટી
વર્ષ-૧૯૪૨ની ચળવળમાં બહેચરભાઈ પટેલે દેશી બોમ્બ વડે રેલવેના પાટા ઉડાવ્યા હતા
અંગ્રેજોએ બહેચરભાઈની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા
વિધિની કરુણતા એ છે કે દેશની આઝાદીના સંગ્રામમાં પોતાનો જીવ દાવ પર લગાડનારને પેન્શન મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો
સવિનય કાનૂન ભંગના ભાગરૂપે ગાંધીજીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો. સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી પદયાત્રા ઓલપાડના અછારણ ગામથી પસાર થઈ હતી અને ગાંધીજીએ અછારણ ગ્રામજનોને સંબોધન કરી સ્વાતંત્ર્ય ચળવળમા જોડાવા આહવાન કર્યુ હતું. ગામના યુવાનો ગાંધીજીના સત્યાગ્રહમાં ધીમે ધીમે સામેલ થયા અને એના પડઘા ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં પડ્યા હતા. યુવાન ક્રાંતિકારીઓએ દેશી બનાવટનો બોમ્બ ધડાકો કરી ઓલપાડ તાલુકાની ખુમારીનાં દર્શન કરાવ્યાં હતાં. ૧૯૪૨માં તે સમયે ઇંગ્લેન્ડથી ક્રીપ્સ મિશન ભારત આવ્યું અને એ મિશન અંગ્રેજ સરકાર દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સહયોગ મેળવવા માટેનો એક પ્રયાસ હતો. આ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું.
આ શિષ્ટ મંડળના પ્રમુખ સર સ્ટેફોર્ડ ક્રીપ્સ હતા. તેઓ વયસ્ક ડાબેરી રાજ નૈતિક અને બ્રિટેનના તત્કાલીન વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના યુદ્ધ પ્રધાનમંડળના મંત્રી હતા. તેમણે ક્રીપ્સ મિશન અંતર્ગત ગાંધીજી સહિતના આગેવાનો સાથે મંત્રણાઓ કરી દરખાસ્તો રજૂ કરી હતી. ગાંધીજીના મત મુજબ ક્રીપ્સ મિશનની દરખાસ્તો દ્વારા એ સાબિત થયું કે, બ્રિટિશ સરકાર ભારત છોડવા તૈયાર નથી. અને તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતાં ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યો હતો.
ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા આહવાન કર્યું. અને મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં ૯ ઑગસ્ટ-૧૯૪૨ની રાત્રે હિંદ છોડનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે,‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે’ ‘આજે છુપાઈને કશું કરવું નથી’ કરેંગે યા મરેંગે’. આ સભામાં જ ગાંધીજીએ દેશની પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો સંદેશો આપ્યો. તેમજ ‘અંગ્રેજો હિંદ છોડો’નો નારો આપ્યો. હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ સહિત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદે જાહેર કરાઈ.
વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશનેતાઓની ધરપકડને કારણે ભારતનાં તમામ શહેરો તથા ગામડાંમાં હડતાળો પડી. શહેરો અને ગામડાંમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમનનીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળ્યાં. કેટલાક વિસ્તારોમાં લોકોએ દેશી બોમ્બનો પણ ઉપયોગ કરી રેલવેના પાટા ઉખેડી નાખ્યા. અને આવી જ એક ક્રાંતિકારી ઘટનાને અછારણના નવયુવાન ક્રાંતિવીરે અંજામ આપ્યો.
એ પાટીદાર યુવાન હતા બહેચરભાઈ કરસનભાઈ પટેલ. જેઓ ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી પિતા સાથે ખેતીકામ પણ કરતા, સાથે સાથે દેશ સેવાનાં કાર્યોમાં પણ સમય કાઢી લેતા. તેમના ક્રાંતિકારી માનસો તેમને દેશી બનાવટનો બોમ્બ બનાવવા પ્રેર્યા અને તેમણે પોતાના ઘરમાં જ પ્રથમ દેશી બોમ્બ બનાવ્યો અને એ બોમ્બ અચાનક ઘરમાં જ ફૂટી ગયો. જો કે, તે સમયે કોઈ ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ થઈ ન હતી, અને બહેચરભાઈનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ફરી તેમણે બોમ્બ બનાવ્યો અને ૧૯૪૨ની ચળવળ દરમિયાન દિલ્હી-મુંબઇને જોડતા સાયણ-ઉમરા-ગોથાણ રેલવે ટ્રેક પર બોમ્બ વિસ્ફોટ કરી કરી પાટા ઉડાવી દીધા હતા.
આ ઘટના બાદ અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી દીધા હતા. તેમણે આ ગુનામાં જેલવાસ પણ ભોગવ્યો હતો. જો કે, વિધિની કરુણતા તો જુઓ જેણે દેશની આઝાદીના સંગ્રામમાં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો એ સ્વાતંત્ર્યસેનાનીને ભારત સરકારનું પેન્શન પણ ન મળ્યું. અને પેન્શન મેળવવા માટે લાંબો સંઘર્ષ પણ કર્યો હતો. ઓલપાડ તાલુકાના અછારણ ગામમાંથી સ્વ.રણછોડભાઈ ડાહ્યાભાઈ પટેલ અને અંબેલાલ મકનભાઈ પટેલે પણ ૧૯૩૦માં નમક સત્યાગ્રહ માટેની દાંડી પદયાત્રામાં અને ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો. આંદોલન વખતે તેમની અંગ્રેજોએ ધરપકડ પણ કરેલી અને જેલનો કારાવાસ પણ ભોગવ્યો હતો.
ઈ.સ.1875માં ગામમાં નાગેશ્વર મહાદેવના મંદિરમાં પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી
ભારતભરમાં અંગ્રેજી શાસનની સાથેસાથે અંગ્રેજી શિક્ષણની પદ્ધતિઓનો વ્યાપ પણ વધવા માંડ્યો હતો. મોટાં મોટાં શહેરોથી લઈ ગામડાંમાં પણ અંગ્રેજી શિક્ષણ શરૂઆત થઈ. ઓલપાડ તાલુકાના અછારણ ગામે ઈ.સ.1875માં ગામમાં નાગેશ્વર મહાદેવના મંદિરમાં પ્રથમ પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગામ લોકોએ મંદિરની બાજુમાં નાનકડા મકાનનું નિર્માણ કર્યું અને તેમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરાયું. પરંતુ 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડતાં શિક્ષણ ક્ષેત્રે પણ કામગીરી હાથ ધરાઈ હતી. આમ, અચાનક 1962માં સરકારી પ્રાથમિક શાળાનો પ્રારંભ થયો હતો. આ શાળાના વિકાસમાં અનેક શિક્ષકોએ યોગદાન આપ્યું હતું, જેમાં કેસરીસિંહ મહિડા, ભગુભાઈ સુરતી, હરખાભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલનું યોગદાન આજે પણ શાળાની સાથે એક સંભારણું બની રહ્યું છે. જો કે, આજે પણ અછારણ ગામે અદ્યતન સુવિધાઓ સાથે પ્રાથમિક શાળા કાર્યરત છે.
મહાશિવરાત્રિ અને રામનવમીની ભવ્ય ઉજવણી કરાય છે
અછારણ ગામ રાજકીય, સામાજિક, સહકારી સાથે સાથે ધાર્મિક ક્ષેત્રે પણ આગળ પડતું છે. ગામમાં નાગેશ્વર મહાદેવ, મહાલક્ષ્મી મંદિર, ભાથીજી મહારાજ અને બળિયાદેવનું મંદિર આવેલું છે. આ ગામના લોકો મંદિરોની સાલગીરી અને વિવિધ તહેવારોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ખાસ કરીને ગામના લોકો નાગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં શિવભક્તિ ખૂબ જ અનન્ય ભાવથી કરે છે. તેમજ મહાશિવરાત્રિનું પર્વ પણ ખૂબ જ ધૂમધામથી ઉજવે છે. આ ઉપરાંત રામનવમીનો તહેવાર પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ગામના લોકો પૂજ્ય પાંડુરંગ આઠવલે પ્રેરિત યોગેશ્વર સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાઈ ધાર્મિક પ્રવૃત્તિને ઉજાગર કરી રહ્યા છે.
આધ્યાત્મિક અને સહકારી ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરનાર ભગવતીભાઈ પટેલ
અછારણ ગામમાં આધ્યાત્મિક અને સહકારી ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરનાર ભગવતીભાઈ છગનભાઈ પટેલે પણ યુવાવસ્થાથી રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ જનસંઘમાં એક અદના કાર્યકર તરીકે કામગીરી કરી હતી. ત્યારબાદ 1980માં ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી પક્ષ તરીકે ઊભરી આવતાં તેઓ પણ ભાજપના પ્રારંભકાળથી કાર્યકર તરીકે જોડાયા હતા. તેમણે સહકારી ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી હતી. તેમણે ઓલપાડ તાલુકાનાં ૫૮થી વધુ જેટલાં ગામોમાં કાર્ય વિસ્તાર ધરાવતી સુરત જિલ્લાની પ્રથમ એવી ટકારમા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. ટકારમા ડેરીમાં વધુ ગામોનો કાર્ય વિસ્તાર હોવાને કારણે સભાસદોને પડતી અગવડને કારણે તેઓ અછારણ ગામની દૂધમંડળી બનાવવા માટે કટિબદ્ધ બન્યા હતા. તેઓ પોતે સુમુલ ડેરીમાં નોકરી કરતા હોવાથી સહકારી દૂધમંડળી પ્રવૃત્તિનો બહોળો અભ્યાસ હોવાને લઈ તેમણે ગામના આગેવાનો મનુભાઈ પટેલ, ધીરજભાઈ પટેલને સાથે રાખી અછારણ વિભાગ દૂધ ઉત્પાદક મંડળીની સ્થાપના કરી સહકારી પ્રવૃત્તિની સાથે સાથે તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે પણ ગામમાં નવજાગૃતિ લાવવાનું કામ કર્યુ. તેઓ ૧૯૮૫થી પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે પણ સતત સંકળાયેલા રહી ગામમાં તેમજ ઓલપાડ તાલુકામાં ગામેગામ ભક્તિ ફેરી કરી સ્વાધ્યાય પ્રવૃત્તિને વેગવંતી બનાવી ઓલપાડ તાલુકામાં કદરામા ગામે આવેલા સ્વાધ્યાય પ્રવૃત્તિના વૃક્ષમંદિરના નિર્માણમાં સારું યોગદાન આપ્યું હતું.
ગામના વિકાસમાં અનેક આગેવાનોનું યોગદાન
અછારણ ગામમાં અનેક આગેવાનોએ વિવિધ ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ગામમાં અંગ્રેજોના સમયમાં સ્વ.દુર્લભભાઈ લાલભાઈ પટેલે પોલીસ પટેલ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ છગનભાઈ દુર્લભભાઈ પટેલે 15 વર્ષ સુધી પોલીસ પટેલ તરીકે બજાવી હતી. એ સમયે છગનભાઈ દુર્લભભાઈ પટેલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. જે તેમણે વર્ષ-૧૯૬૨માં સ્કૂલના નિર્વાહન માટે દાનમાં આપી દીધી હતી. આ ઉપરાંત ગામમાં બી.આર.પટેલ બેન્ક ઓફ બરોડા રિજિયોનલ જીએમ તરીકે સેવા બજાવી ચૂક્યા છે. ગામના વલ્લભ સ્વામીજીએ ધાર્મિક પ્રવૃત્તિને વેગ આપી ગ્રામજનોને ધર્મનિષ્ઠાના પાઠો ભણાવ્યા હતા.
ઉપરાંત ગામના અન્ય આગેવાનો ઈશ્વરભાઈ રામભાઈ પટેલ એરફોર્સમાં રિસિવર તરીકે ફરજ બજાવતા હતા. તેમની સાથે રણજીતભાઈ રામભાઈ પટેલ એરફોર્સમાં મ્યુઝિયન તરીકે સેવા બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત છગનભાઈ પરસોત્તમભાઈ પટેલ એરફોર્સમાં ટેક્નિશિયન વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે. ગામના મેડિકલ ક્ષેત્રે જિતેન્દ્રભાઈ પટેલ પ્રથમ ડોક્ટર બનવાનું ગૌરવ ધરાવે છે. તેઓ સુરત મેડિકલ એસોસિેશનના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ અછારણવાસીઓને મફતમાં મેડિકલ સારવાર આપી ગામ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ ઉપરાંત હરિભાઈ પટેલે હોમિયોપેથી ડોક્ટર તરીકે ખૂબ નામનાઓ મેળવી છે.
તેઓ ભારતમાં બાયો કેમેસ્ટ્રી વિષયમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા હતા. અછારણ ગામના શશીકાંતભાઈ અંબાલાલ પટેલ નવયુગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ તેમજ લેખક તરીકે લેખન કાર્યમાં પ્રવૃત્ત હતા. અછારણ ગામમાં સ્વ.ભગુભાઈ માધવભાઈ પટેલે પંચાયતી રાજના સ્થાપના કાળથી સરપંચ તરીકે દીર્ઘકાલીન સેવા બજાવી હતી. આ ઉપરાંત ગામના સ્વ.વલ્લભભાઈ કેશવભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે અછારણ-સીથાણ રોડ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બ્રિજેશભાઈ પટેલનું સહકારી, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન
અછારણ ગામના બ્રિજેશભાઈ ભગવતીભાઈ પટેલ સહકારી અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. બ્રિજેશ પટેલે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો હતો. જો કે, નેતૃત્વના ગુણો વિદ્યાર્થી કાળથી જ ઊભરી આવ્યા હતા. ૨૦૦૧ના વર્ષમાં તેમણે અછારણ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. અછારણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. બનાવવા માટે બ્રિજેશ પટેલે તમામ આગેવાનો સાથે ખભેખભા મિલાવી કામગીરી કરી હતી. અને ૨૦૦૭માં તેમણે અછારણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ૨૦૧૮ સુધી સેવાઓ આપી હતી. ત્યારબાદ ૨૦૦૭થી અછારણ ગામની સિંચાઇ પિયત મંડળીમાં આજદિન સુધી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ઉપરાંત અછારણ સેવા સહકારી મંડળી લિ.માં ૨૦૧૯માં સેવા બજાવી ચૂક્યા છે.
રાજકીય ક્ષેત્રે તેઓ ૨૦૦૬થી ભાજપ યુવા મોરચામાં મહામંત્રી અને અને ત્યારબાદ ૨૦૦૯થી ૨૦૧૫ સુધી ઓલપાડ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે સતત બે ટર્મથી સેવા આપી ચૂક્યા છે. અને ૨૦૧૫-૧૬થી ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધા બાદ આજપર્યંત બે ટર્મથી સેવા આપી રહ્યા છે. તેમણે ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર તાલુકાને વિકાસના પંથે લઇ જવા માટે પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાતને મહત્ત્વ આપ્યું હતું. જેમાં બે ગામને જોડતા રસ્તા, પીવાના પાણીની જરૂરિયાત, પેવર બ્લોકવાળા ગામના રસ્તા, તાલુકાનો સમતોલ વિકાસ, સિંચાઇના પાણી છેવાડાના ખેડૂતોને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવા સાથે સાથે સમગ્ર તાલુકામાં પિયત મંડળી બનાવવા આહવાન કરી રહ્યા છે.
વિકાસની દૃષ્ટિએ આગવું સ્થાન
ઓલપાડ તાલુકાનું અછારણ ગામ વિકાસની દૃષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. ગામમાં સમાવિષ્ટ તમામ ફળિયાંમાં આંતરિક રસ્તાને પેવર બ્લોકથી સુસજજ કરવામાં આવ્યા છે. ગામમાં પ્રવેશતા સુશોભિત પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામમાં પીવાના પાણીની સુવિધામાં જોઈએ તો વરિયાવ જૂથ યોજનામાંથી પણ પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે. સાથે સાથે ગામમાં ગ્રામજનો દ્વારા સ્વસહાય જૂથ યોજના દ્વારા મિનરલ વોટર પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ગામમાં પીવાના પાણી માટે ઘરે ઘરે નળનાં કનેક્શન આપવામાં આવ્યાં છે. સાથે સાથે નળના સ્ટેન્ડપોસ્ટ પણ મૂકવામાં આવ્યાં છે. ગામને જોડતા ખેતરોના રસ્તા પણ ડામર સપાટીના જોવા મળે છે. જેથી ખેડૂતોને ખેતરે જવા માટે ચોમાસાની ઋતુમાં પણ કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો નથી. ‘
અછારણ ગામને અન્ય ગામો સાથે જોડતા રસ્તા જેવા કે સાંધિયર, ગોલા, અટોદરા, સિવાણ, મોરથાણ, આ તમામ રસ્તા ડામર સપાટીના પાકા માર્ગ હોવાથી ગામના લોકોને અવરજવર માટે સુંદર સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ગામમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એસટી બસોની સુવિધા નહીંવત જોવા મળે છે. સમગ્ર દિવસ દરમિયાન માત્ર ત્રણ એસ.ટી. બસ રૂટ ઉપલબ્ધ છે, જેમાં સવારના સાત વાગ્યે, બપોરે 1 વાગ્યે અને સાંજે 6:30 વાગ્યે એસટી બસોની સુવિધા છે. જો કે, ગામના મોટા ભાગનો વર્ગ ફોર વ્હીલર અને મોટરસાઇકલ વડે અવરજવર કરતો હોવાથી એસટી બસોના ઓછા રૂટથી ગ્રામજનોને બહુ અસર વર્તાતી નથી. આ ઉપરાંત ગામમાં પશુ આરોગ્યની કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ નથી. જેથી જિલ્લા પંચાયત સંચાલિત પશુ આરોગ્ય કેન્દ્ર-સાંધિયેર ખાતે ઉપલબ્ધ હોવાથી પશુપાલકોએ સરકારી સારવાર માટે સાંધિયેર ગામ સુધી લંબાવવું પડે છે.
જો કે, ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં સુમુલ ડેરી તરફથી ડોક્ટરોની ટીમ સપ્તાહમાં નિયમિત રીતે એક દિવસ વિઝિટ માટે આવતી હોય છે. આ ગામમાં પ્રાથમિક શિક્ષણ માટે પ્રાથમિક શાળા ઉપલબ્ધ છે, પરંતુ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ઓલપાડ તેમજ સાયણ ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જવું પડે છે તેમજ કોલેજના અભ્યાસ માટે ઓલપાડ કે સુરત સુધી વિદ્યાર્થીઓએ અપડાઉન કરવું પડે છે. અછારણ ગામમાં ગરીબો માટેની સરકારી સસ્તા અનાજ વિતરણ માટે કોઈ વ્યવસ્થા નથી. જેથી અટોદરા ગામ ખાતે સસ્તા અનાજનું વિતરણ થતું હોવાથી ગામના ગરીબ વર્ગના લોકોએ અઢી કિલોમીટર દૂર સુધી અટોદરા ગામેથી સસ્તું અનાજ પ્રાપ્ત થાય છે.