National

ગણેશ વિસર્જનના દિવસે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર નોઇડાથી પકડાયો

મુંબઈમાં અનંત ચતુર્દશીના દિવસે 400 કિલો RDXથી શહેરને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પોલીસએ નોઈડાથી પકડી લીધો છે. આ વ્યક્તિની ઓળખ અશ્વિની કુમાર સુપ્રા તરીકે થઈ છે. જે મૂળ બિહારનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. અશ્વિની પોતાને જ્યોતિષી કહી લોકોને ગેરમાર્ગે દોરતો હતો.

ધમકીભર્યો મેસેજ મળ્યો હતો
માહિતી મુજબ, ગુરુવારે બપોરે 2 વાગ્યેની આસપાસ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ શહેરમાં 34 વાહનોમાં માનવ બોમ્બ મુકાયા છે અને તેમાં 400 કિલો RDX ભરવામાં આવ્યું છે. આ વિસ્ફોટથી આખું મુંબઈ હચમચી જશે અને આશરે એક કરોડ લોકો પ્રભાવિત થશે એવું આ મેસેજમાં લખવામાં આવ્યું હતું.


આ મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-જેહાદી’નો સભ્ય ગણાવ્યો હતો. સાથે જ 14 આતંકવાદીઓ મુંબઈમાં પ્રવેશી ગયા હોવાનો દાવો પણ કર્યો હતો. આ ઉપરાંત મેસેજમાં મુંબઈ પોલીસ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ થયો હતો.

પોલીસની કાર્યવાહી શરૂ કરી
આ ધમકી મળતા જ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ધમકીનો સ્ત્રોત શોધ્યો અને ધમકીભર્યો મેસેજ મોકલનાર આરોપીનું લોકેસન નોઈડામાં જણાયું હતું. પોલીસે નોઇડામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપી અશ્વિની કુમાર સુપ્રાને સેક્ટર 79 સિવિટેક સ્ટેડિયા સોસાયટીમાંથી પકડી લેવાયો.

હાલમાં આરોપીને નોઈડાથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. જ્યાં તેની સઘન પૂછપરછ થશે. પોલીસ તપાસમાં આ પણ જાણવા મળશે કે આ ધમકીનો મેસેજ મોકલવા પાછળનો હેતુ શું હતો?, માત્ર ખોટો મજાક હતું?, વ્યક્તિગત બદલો કે કોઈ મોટી ઘટનાની શરૂઆત હતી.

આ બનાવ બાદ મુંબઈમાં ચિંતા અને દહેશતનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસની ઝડપભરી કાર્યવાહીથી 24 કલાકમાં આખો મામલો ખુલ્લો પડી ગયો.

Most Popular

To Top