Dakshin Gujarat

વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા

વાપી: વાપીના આઝાદનગર ડુંગરી ફળિયામાંથી રહેતી શ્રમજીવીની છ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ તેમજ ગળે ટૂંપો દઈ માથામાં ઈજા કરીને હત્યા કરવાના બનાવમાં સ્પે.પોક્સો કેસમાં વાપીની સ્પેશિયલ સેશન્સ કોર્ટના જજ એચ.એન. વકીલે આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારતો ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સુરતના મુખ્ય સરકારી વકીલ તેમજ આ કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાળાએ દલીલો કરી હતી. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને ફાંસીની સજા આપતો ચુકાદો આપ્યો હતો તેમજ ભોગ બનનાર બાળકીના પરિવારને રૂપિયા ૧૭ લાખ વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, ૨૩-૧૦-૨૦૨૩ના રોજ વાપીના ડુંગરી ફળિયાના આઝાદનગરમાં એક શ્રમજીવીની છ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની ડુંગરા પોલીસમથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા બાળકીની હત્યા પહેલાં સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ આખા વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ કરીને ત્રણ સંતાનના પિતા એવો ૪૨ વર્ષીય આરોપી રઝાક સુભાન ખાનને ઝડપી પાડ્યો હતો. આરોપીના નવ દિવસના રિમાન્ડ બાદ પોલીસ સંયોગીક પુરાવા, ફોરેન્સિક પુરાવા, મેડીકલ પુરાવા, સીસીટીવી, મોબાઈલ જેવા ટેકનીકલ પુરાવા તથા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા હતા. એફએસએલ અધિકારીની હાજરીમાં રીકંટ્રકશન, પંચનામું તેમજ આરોપીનો ફેઈસ રીકોગ્નાઇજેશન તેમજ ગેઈટ એનાલિસીસ કરી ફોરેન્સિક પૃથ્થકકરણ તથા વૈજ્ઞાનિક પુરાવા સાથે ૧૯ દિવસમાં ૭૦ સાહેદોના નિવેદન તેમજ આશરે ૭૦૦ પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તથા સ્પેશિયલ સરકારી વકીલની માટે પોલીસે દરખાસ્ત કરી હતી. ગુરુવારે વાપીની સ્પેશિયલ સેશન્સ કોર્ટના જજ એચ.એન. વકીલે આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

વાપીની પોક્સો એક્ટની સ્પેશિયલ કોર્ટે 2023 માં પણ ફાંસીની સજાનો હુકમ કર્યો હતો
વાપીમાં 9 વર્ષની માસૂમ બાળા સાથે બળાત્કાર અને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર આરોપી પ્રદિપ રાજેશ્વર ઉર્ફે રાજેન્દ્ર શાહ (ગુપ્તા)ને 2023માં વાપીના પોક્સો એક્ટના સ્પેશ્યલ જજ કે. જે. મોદીએ આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો આપ્યો હતો. તે સમયે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી ફાંસીની સજાનો હુકમ કરાયો હતો. એ કેસની વિગત એવી છે કે, મૂળ બિહાર અને કામ ધંધા અર્થે વાપીના ગીતા નગર વિસ્તારમાં એક ચાલમાં રહેતા પરિવારમાં રહેતા પતિ પત્ની અને એક પુત્ર નોકરી કરતા હતા. જ્યારે તેમની 9 વર્ષની પુત્રી ધોરણ 4 માં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતી હતી. જેની સ્કૂલ 2 વાગ્યે છૂટતી હતી અને ત્યારથી સાંજે 7 વાગ્યા સુધી તે પોતાના ઘરે એકલી રહેતી હતી. તેનું આ શિડ્યુલ જાણનારા પ્રદિપ રાજેશ્વર ઉર્ફે રાજેન્દ્ર શાહ (ગુપ્તા) એ આ બાળકીની એકલતાનો લાભ લઇ તે જ્યારે ટીવી જોતી હતી, એ સમયે તેના ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ પ્રદિપે ટીવીનો અવાજ વધારી તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. ત્યારબાદ બાળકીને ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પંખા પર લટકાવી દીધી હતી. એ કેસમાં ફાંસીની સજા થયા બાદ હવે બે વર્ષ બાદ વાપીની કોર્ટે ફાંસીની સજાનો મહત્વપુર્ણ ચૂકાદો આપ્યો છે.

Most Popular

To Top