સુરત: (Surat) સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકીને (10 years old girl) વડાંપાઉ અને સોડાની લાલચ આપીને અપહરણ (Kidnap) કરી બળાત્કાર (Rape) ગુજારવામાં આવ્યા બાદ તેની ઇંટ મારીને હત્યા (Murder) કરવાના ચકચારીત કેસમાં આરોપીને તકસીરવાર ઠેરવી દેવાયા બાદ આજે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની (Hang till death) સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે 185 પાનાનો લાંબો ચૂકાદો આપ્યો છે. હત્યાના કેસમાં ફાંસીની સજા સાથે મૃત બાળકીના પરિવારને 15 લાખનું વળતર આપવા પણ કોર્ટે હૂકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ સને-ડિસેમ્બર 2020માં પાંડેસરામાં ઘર આંગણી રમતી 10 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાંજના સમયે બાળકીના પિતા આવ્યા ત્યારે તેઓને બાળકી મળી ન હતી. આજુબાજુમાં તપાસ કર્યા બાદ પાંડેસરા પોલીસ મથકે મીસીંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને પાંડેસરા મેઇન રોડ સહિત અન્ય જગ્યાએ તપાસ કરી હતી. જેમાં એક વડાંપાઉની દુકાને જઇને સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવક બાળકીને લઇને જતો નજરે પડ્યો હતો. પોલીસે સીસીટીવીથી પુછપરછ કરતા આરોપી દિનેશ દશરથભાઇ દેસાણી (ઉ.વ.24) હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે દિનેશની ધરપકડ કરીને બાળકીની શોધ કરી હતી. તપાસમાં આરોપી દિનેશે બાળકીને માથાના ભાગે ઇંટ મારીને ગંભીર ઇજા કરી હતી, આ ઉપરાંત બાળકીના ગુપ્તાંગના ભાગ સહિત શરીરના અન્ય ભાગે પણ ઇજાઓ કરવામાં આવી હતી. પોલીસે દિનેશની સામે બળાત્કારના પ્રયાસ અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીની સામે પોલીસે મેડીકલ પુરાવો, એફએસએલ તેમજ ડીએનએ રિપોર્ટ મંગાવતા બાળકી સાથે બળાત્કાર થયાનું બહાર આવ્યું હોવાની સાથે 20 પાનાની લેખીત દલીલો રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં આજે ગુરૂવારે ચૂકાદો આવ્યો છે. સુરતની કોર્ટે 185 પાનાનો ચૂકાદો આપ્યો છે. બાળકીની હત્યા બદલ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકીના પરિવારજનોને 15 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
આ કેસને 1 વર્ષનો સમય લાગ્યો, પરંતુ અમને ન્યાય મળ્યો, આવા કેસમાં જલ્દી કેસ ચાલે અને આરોપીઓને સજા થાય તેમ મૃત બાળકીના પરિવારે કહ્યું, સાથે તેઓએ પોલીસ, સરકારી વકીલ અને ન્યાયતંત્રનો આભાર માન્યો હતો.