પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં 10-12 એપ્રિલ દરમિયાન ફાટી નીકળેલી હિંસા દરમિયાન પિતા-પુત્રની હત્યા કરવાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીને બીરભૂમ અને બીજાને બાંગ્લાદેશ સરહદ પરથી પકડવામાં આવ્યો છે. તેમના નામ કાલુ નદાબ અને દિલદાર નદાબ છે. બંનેએ હરગોવિંદ દાસ અને ચંદન દાસની હત્યા કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંસા સંબંધિત પ્રારંભિક તપાસ અહેવાલ ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે. તેમાં બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી અને સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીનો ઉલ્લેખ છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે. વાહનો સળગાવવામાં આવ્યા, દુકાનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી અને લૂંટ ચલાવવામાં આવી હતી.
આ હિંસામાં 3 લોકોના મોત થયા હતા. 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને 300 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 સૈનિકો તૈનાત કર્યા છે. આમાં 300 BSF સૈનિકો છે. બીજી તરફ ચાર દિવસની હિંસા બાદ મુર્શિદાબાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. વહીવટીતંત્રે કહ્યું કે હિંસાગ્રસ્ત શહેર ધુલિયાણમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. લોકો હવે ધીમે ધીમે કામ પર પાછા ફરી રહ્યા છે. ધુલિયાણથી સ્થળાંતર કરનારા 500 થી વધુ લોકો હવે પાછા ફરી રહ્યા છે.
હિંસાગ્રસ્ત શમશેરગંજના રહેવાસી હબીબ-ઉર-રહેમાને સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે BSF અને CRPFની તૈનાતી પછી પરિસ્થિતિ શાંત છે. વહીવટીતંત્રે અમને દુકાન ખોલવા અને શિસ્ત જાળવવા કહ્યું છે. ઘણા લોકોએ BSFની કાયમી તૈનાતીની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો BSF ને હટાવવામાં આવે તો પરિસ્થિતિ ફરી બગડી શકે છે. એક દુકાનદારે કહ્યું કે મારી આખી ઇમારત તોડી પાડવામાં આવી. લોકો દરવાજા અને બારીઓમાંથી ઘૂસી ગયા અને બધો સામાન લૂંટી લીધો.
