National

ટાટા સ્ટીલના બિઝનેસ હેડની હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, એક ઈન્સ્પેક્ટર ઘાયલ

નવી દિલ્હી: ટાટા સ્ટીલના બિઝનેસ હેડ (Tata Steel business head) વિનય ત્યાગીની (Vinaya Tyagi) થોડા સમય પહેલા જ યુપીના ગાઝિયાબાદમાં શાલીમાર ગાર્ડન વિસ્તારમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. ત્યારે વિનયની હત્યાના આરોપીને પોલીસે ગાઝિયાબાદમાં એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ હત્યા બાદ વિનય ત્યાગીની લાશ સાહિબાબાદ વિસ્તારના રાજેન્દ્ર નગર વિસ્તારમાં એક નાળામાંથી મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે 3 મેની રાત્રે ટાટા સ્ટીલના બિઝનેસ હેડ વિનય ત્યાગીની લૂંટ કર્યા બાદ હત્યા કરી હતી. ત્યાર બાદ આજે 10 મે ના રોજ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટરમાં ગુનેગાર અક્કી ઉર્ફે દક્ષને ઠાર કર્યો હતો.

સમગ્ર મામલે ટ્રાન્સ હિંડન ડીસીપીએ જણાવ્યું હતું કે અમને આજે 10 મે, 2024 ના રોજ, સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને બે બાઇક સવાર બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયો હોવાની માહિતી સાંપડી હતી. તેમજ એન્કાઉન્ટર દરમિયાન એક આરોપી અને એક સબ ઈન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ત્યાર બાદ ઘાયલ સબ ઈન્સ્પેક્ટર અને આરોપીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ બાઇક સવાર એક ગુનેગાર અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. સારવાર માટે દાખલ કરાયેલા આરોપીનું મોત નીપજ્યું હતું. તેમજ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક આરોપીનું નામ અક્કી ઉર્ફે દક્ષ હતું, જે સીલમપુર દિલ્હીનો રહેવાસી હતો.

આ આરોપી 4 મે 2024ના રોજ પોલીસ સ્ટેશનના શાલીમાર ગાર્ડન વિસ્તારમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનામાં વોન્ટેડ હતો. પરંતુ તેના કબજામાંથી લૂંટાયેલો મોબાઈલ ફોન અને એક ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.

ગાઝિયાબાદ પોલીસે એન્કાઉન્ટર મામલે શું કણાવ્યું?
ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસે ચેકિંગ દરમિયાન બાઇક સવાર બદમાશોને રોક્યા તો આરોપીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ ગુનેગાર દક્ષ શુક્રવારે વહેલી સવારે સાહિબાબાદ વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

આરોપીનો એક સહયોગી સ્થળ પરથી નાસી ગયો હતો. આ એન્કાઉન્ટરમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત સબ ઈન્સ્પેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી દક્ષ પાસેથી ચોરીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.

Most Popular

To Top