અનોખી અનાયા પૂછે છે કે પાકા મકાનને અડીને નાના મોટા કાચા રૂમો બનાવાય કે નહીં. જેવું કે મુખ્ય બંગલાને અડીને કાર મૂકવાનું ગેરેજ. સુરતમાં તો મોટા મોટા ડાઇંગ હાઉસો હોય છે. બધાને ખબર છે કે બોઇલર હાઉસ જે તે ડાઇંગના અગ્નિ ખૂણામાં હોવું જોઇએ પરંતુ વરસાદથી બચવા કે ફયુઅલ (કોલસો વગેરે પલળે નહીં એ હેતુથી આ બોઇલર હાઉસ ઉપર છાપરાં ઢાળી દે છે. જેથી મુખ્ય બિલ્ડીંગનો અગ્નિ ખૂણો વધી જતો હોય છે. અનાયાનો પ્રશ્ન છે કે આવા કાચા સ્ટ્રકચર મુખ્ય આાવસની વાસ્તુ પર વિપરીત અસર કરી શકે?
બંટી, અનાયા… જયારે વાસ્તુશાસ્ત્ર લખાયું… લાખો વર્ષ પહેલાં.. જયારે ચારેય વેદ રચાયા સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ… જેમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. આ સમયે શું આરસીસીનાં મકાનો બનતાં હતાં? આથી કાચા કે પાકા દરેક મકાન પર વાસ્તુની સમાન અસર હોય છે. આથી વાસ્તુશાસ્ત્રમાં અગ્નિ કે વાયવ્ય ખૂણો વધે તે ખરાબ ગણાય તો પછી ભલે ને તે કારગેરેજથી વધતું હોય કે બોઇલર હાઉસથી!
શાસ્ત્રોમાં છતને છાદ્ય કહ્યું છે. છાદ્ય એટલે છત, ધાબું, સ્લેબ કે છાપરું… છાપરાનો ઢાળ એક, બે, ત્રણ કે ચારે બાજુ હોઈ શકે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ કે ઉત્તર દિશાનો ઢાળ પ્રશસ્ત ગણાયો છે. જો દક્ષિણ કે પશ્ચિમમાં ઢાળ આપવો પડે તો તેટલા જ માપનો દક્ષિણ સાથે ઉત્તર અને પશ્ચિમ સાથે પૂર્વના ઢાળને સંતુલિત કરવો રહ્યો. એટલે કે ત્રિકોણાકાર છાપરું બનાવવું ઢાળની દિશા પ્રમાણે તેને દંડક, મૌલિક, સ્વસ્તિક અને ચતુર્મુખી જેવાં નામો અપાયાં છે. છાદ્યનાં વિવિધ પ્રકારો જાણવા રસપ્રદ રહેશે. તૃણછાદ્ય- કાકપક્ષવત કાગડાની પાંખની જેમ બંને પર્ણકુટિરોમાં આ પ્રકાર ખાસ વપરાતા રામ વનવાસની ઝૂંપડી તો સર્વેને યાદ હશે જ.
પર્ણ છાદ્ય: કુમુદ દલવત- કમળની પાંખડીની જેમ બંને તરફ વધારે ઢાળ આપી પાંદડાઓ, વાંસ વગેરેથી મકાનની છત બનાવવી. પટ્ટ છાદ્ય: શૂર્પાકૃતિ સૂપડાના આકારની જેમ એક તરફ ઢાળવાળું. જેને પાટિયા કે પતરાથી ઢાંકવામાં આવે તે પટ્ટ છાદ્ય તરીકે ઓળખાય છે. વંશછાદ્ય: વંશ એટલે વાંસ. મકાન ઉપર પહેલા લોખંડના પર્લીનની જેમ વાંસ આડા ગોઠવાય છે. જેની ઉપર માટીના પકવેલાં નળિયાં ગોઠવવામાં આવે છે.
પ્રાલંબ: (મૃસ્તિકા છાદ્ય): માટી, ચૂનો, રેતી, સિમેન્ટ વગેરેના મિશ્રણથી ધાબું ભરીને કરવામાં આવતી (મકાનને ઢાંકવાની) પ્રક્રિયા. આ પધ્ધતિ હાલની સ્લેબ ભરવાની પધ્ધતિની નજીક ગણાય. શિલા છાદ્ય: (કરાલક) અહીં મોટા પથ્થરના ચટ્ટાનનો ઉપયોગ મકાનને ઢાંકવામાં કરવામાં આવે છે. આવું છાદ્ય તમને ઐતિહાસિક મહેલ, મંકર વગેરેમાં જોવા મળશે.
મિત્રો, આ વિવિધ પ્રકારો છાપરાને ઢાંકવા માટે વપરાતા પદાર્થો કે છાપરાને અપાતા આકારોને આધીન છે. તાત્પર્ય કોઇ પણ પ્રકારની છત કે છાદ્ય હોય… પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મકાનના આકારની ગણતરી વખતે તેની યોગ્યતા કે અયોગ્યતામાં આવા નાના મોટા છાપરા પણ ગણાય.
રો હાઉસમાં મારજીનમા, કપડાં ધોવા સૂકવવાની જગ્યા ઉપર લોકો છાપરા તાણી દેતા હોય છે કે બંગલામાં પાર્કીંગની ઉપર પણ આવા શેડ બનાવી દેવાતા હોય છે. ફેકટરીઓમાં પણ બેઇલર હાઉસ વગેરે ઢાંકતા છાપરાઓ મુખ્ય બિલ્ડીંગને અડીને બનાવી દેવાતા હોય છે અને આ બધાને ટેમ્પરરી સ્ટ્રકચર માનીને નિરુપ્રદ્રવી ગણાવતા હોય છે અને અચાનક વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારું ચાલતુ કે પરફોર્મ કરતું આવાસ કેમ નકારાત્મક ફલ આવવા માંડયું એમ ફરિયાદ કરતા હોય છે. આવાં લોકોએ ધ્યાનમાં રાખવું કે ઉપરોકત કોઇ પણ પ્રકારનું છાપરું ભલે તે આનંદપ્રમોદ માટેનો ગજીબો કે ડોગ હાઉસ જેવું સૂક્ષ્મ હોય પણ વાસ્તુની ગણતરીઓ ખોળવી કાઢે છે.
ઘણી વખત જમાનાની સાથે છાપમાં નવી શોધખોળ પણ થતી રહે છે. આજકાલ પીઇબી સ્ટ્રકચરના છાપરા બને છે. જેમાં સપોર્ટીંગ સિસ્ટમ અલગ અને પ્રમાણમાં ઓછી હોય છે. ધાબા (સ્લેબ) ભરવામાં પણ પોસ્ટ ટેન્શન સ્લેબ વગર બીમનાં ખૂબ થોડા સ્લેબ ભરાતા હોય છે. મોટે ભાગે છાપરાઓ ઉપર સોલાર પેનલના નામે એક નવું છાપરું દક્ષિણ દિશામાં ઢળતું બની જતું હોય છે. હવે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણમાં ઢળતું (એક જ દિશાનું) હોય તો તે ખૂબ નકારાત્મક ગણાયું છે. અહીં મેકસીમમ સૂર્યશકિત મેળવવા જે ટેકનીકલી સાચું છે તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખરાબ છે. આવા સંજોગોમાં અમે પૂર્વ દિશાનો ઢાળ રાખી સોલાર મૂકવાની સલાહ આપીએ. પરંતુ તેમાં ઇલેકટ્રીક પાવર 8 ટકા જેટલો ઓછો પેદા થાય છે અથવા તો પછી સોલાર માટે જેટલો દક્ષિણનો ઢાળ હોય એટલો જ ઉત્તરમાં ડમી ઢાળ બનાવીને શાસ્ત્રોકત બેલેન્સ કરી શકાય.