દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થતાં ભારે વરસાદના કારણે એસટી બસના ચાલકને અંધારપણું જોવાતા એસટી બસ રસ્તાની બાજુમાં આવેલ ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિ ન થતા ડ્રાઈવર, ક્લિનર સહિત મુસાફરોને હાશકારો અનુભવ્યો હતો.
ગઈકાલે બપોર બાદ દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા ત્યારે મળતી માહિતી પ્રમાણે ગતરોજ લગભગ રાત્રીના સાડા બાર વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગર થી દાહોદ આવતી એસટી બસ દાહોદ જિલ્લાના લીમખેડા સ્થિત હડફ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી. રાત્રિના ૧૨ વાગ્યાના આસપાસ વરસાદ પણ પડતો હતો અને રસ્તાની બાજુમાં આવેલ ડિવાઇડર પર એસટી બસ ચઢી ગઈ હતી. એક ક્ષણે એસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.