બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં ભામૈયા ગામ નજીક એક સાથે ચાર વાહનો (Vehicles) અથડાતાં (Colliding) અફરાતફરી મચી ગઈ હતી. અહીં એક કાર (Car) યુ ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવતી એક્ટિવાના ચાલકે બ્રેક મારી હતી. તેની પાછળ આવેલા એક પિકઅપ ટેમ્પોએ પણ બ્રેક મારી હતી પરંતુ તેની પાછળ આવતી ટ્રકે પીકઅપમાં ટ્રક ઘૂસાડી દેતા આગળના એક્ટિવા અને કાર પીકઅપ ટેમ્પોની અટફેટે આવી ગયા હતા. આ ઘટનામાં ટેમ્પોની પાછળ બેઠેલા ચાર મુસાફર અને એક્ટિવા સવાર બે ઇસમો ઇજા પહોંચી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ખડસુપા ગામના ભીખુભાઈ છીબુભાઈ હળપતિ પીકઅપ ટેમ્પો ભાડે ફેરવવાનું કામ કરે છે. રવિવારે તેઓ નવસારીના વિરાવળથી દેવમોગરા ગામે બાબરીની વિધિ માટે 23 વ્યક્તિને ટેમ્પોમાં બેસાડીને નીકળ્યા હતાં. મોડી સાંજે તેઓ નવસારી પરત ફરી રહ્યા હતા તે સમયે કડોદ બારડોલી રોડ ઉપર ભામૈયા ગામ એક એક્ટિવા ચાલકે બ્રેક મારતા તેમણે પણ તેમના ટેમ્પાની બ્રેક મારી હતી.
તે સમયે પાછળથી આવતી ટ્રકના ચાલકે તેમના ટેમ્પોને અડફેટે લેતા ટેમ્પોમાં પાછળ બેસેલા 23 મુસાફરો પૈકી બાબલીબેન બાલુ ભાઈ પટેલ (ઉ.વર્ષ 60, રહે વિજલપોર, નવસારી), રવિનાબેન હિતેશભાઇ ચૌધરી (ઉ.વર્ષ 38 રહે, નવીન નગર, પારસી હોસ્પિટલની પાછળ, નવસારી), શીતલબેન મુકેશભાઇ પટેલ (ઉ.વર્ષ 29, રહે, જૂનાથાણા, નવસારી) અને મુકેશભાઈ વિનોદભાઇ પટેલ (ઉ.વર્ષ 39, રહે જૂનાથાણા નવસારી)ને ઇજા પહોંચી હતી. ટ્રકે તેમના ટેમ્પોને ટક્કર મારતાં તેમનો ટેમ્પો આગળના એક્ટિવા સાથે અથડાતાં એક્ટિવા સવાર બંને ઇસમને પણ ઇજા પહોંચી હતી.
તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કડોદ આઉટપોસ્ટના હે.કો. રાકેશભાઈ છગનભાઈ વસાવા કરી રહ્યા છે.
માંડવીમાં બે બાઈક અને મોપેડ સામસામે ભટકાતાં એકનું મોત
માંડવી: માંડવીના કરંજ-હરિયાલ ગામની સીમમાં મોપેડ અને બાઈક સામસામે ભટકાતાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ-હરિયાલ ગામ વચ્ચે અજાણ્યો મોપેડ ડીઓ ગાડી નં.(GJ-19-BD-0863)ના ચાલાકે પૂરઝડપે ગફલતભરી હંકારતાં સામેથી આવતી હીરો હોન્ડા સાઈન ગાડી નં.(GJ-19-BF-0108) મોટરસાઈકલ સાથે ધડાકાભેર ભટકાવતાં આશિષ અમૃત ચૌધરી (ઉં.વ.30) (રહે.,રૂંધા, નિશાળ ફળિયું, તા.વાલિયા)ને રોડ ઉપર પાડી નાંખ્યો હતો.
આ અકસ્માતમાં ગંભીર થવાથી શરીરના ભાગે ઈજા થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે આશિષ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો. જે અંગેની જાણ તડકેશ્વર ઓ.પી.માં કરતાં જમાદારે સ્થળ પર પહોંચી મોપેડ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.