SURAT

SMC ON DUTY લખેલી કાર ડિવાઈડર પરથી હવામાં ઉછળીને એક્ટિવા પર જતા દંપતીના માથે પડી

સુરત: પાલ-ઉમરા બ્રિજ પર ગુરુવારે સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર લગ્નમાં હાજરી આપવા માટે વેડ રોડનું દંપતી પાલ-ઉમરા બ્રિજ થઈને વેસુ જતું હતું. ત્યારે બ્રિજ પર સામેથી આવતી ઇકો કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કુદાવીને સામેથી આવતી મોપેડ પર પડી હતી. તેમાં પતિ-પત્નીને ઇજા થઈ હતી. આ બનાવમાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  • ઓન ડ્યૂટી SMC લખેલી કાર ડિવાઈડર કૂદી મોપેડસવાર દંપતી ઉપર પડતા પતિનું મોત
  • યુવક સાળાના દીકરાનાં લગ્નમાં હાજરી આપવા જતો હતો ત્યારે જ બનાવ બન્યો

પાલ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર આવેલી શિવધારા સોસાયટી ખાતે રહેતા મહેશભાઈ રાજભાઈ પ્રજાપતિ (ઘોઘારી) (ઉં.વ.45) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના સાળાના દીકરા આકાશના ગુરુવારે સાંજે વેસુ વિસ્તારમાં લગ્ન હતાં. આથી ગુરુવારે સાંજે મહેશભાઈ પત્ની શોભનાબેન (ઉં.વ.42) સાથે મોપેડ પર વેસુ જવા નીકળ્યા હતા. તેઓ પાલ-ઉમરા બ્રિજ પરથી ઉમરા ગામ તરફ પસાર થઈ રહ્યા હતા. એ સમયે ઉમરા ગામ તરફથી પાલ તરફ એક ઇકો કાર પૂરઝડપે આવી રહી હતી. ઇકો કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ઇકો ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં હવામાં ફંગોળાઈ હતી અને સામેથી આવતા મહેશભાઈ અને શોભનાબેનની મોપેડ પર પડી હતી. આથી મહેશભાઈ અને શોભનાબેનને ઇજા થઈ હતી. આથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈનું મોત નીપજ્યું હતું. શોભનાબેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવની જાણ થતાં પાલ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એચ.જે.દેસાઈએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઇકો કાર પર ઓન ડ્યૂટી એસએમસી લખેલું છે.

ફિલ્મી ઢબે હવામાં ઉડીને કાર એક્ટિવા પર પડી
ઉમરા તરફથી આવતી ઇકો કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા પાલ તરફથી આવી રહેલી એક્ટિવા સાથે ભટકાઈ હતી. જેમાં એક્ટિવામાં સવાર બે વૃદ્ઘ વ્યકિતઓને અડફેટે આવી ગયા જતાં મહિલાને 108 દ્વારા તત્કાળ ન્યુ સિવિલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એકટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અહીં ભેગા થઈ ગયેલા લોકોના કહેવા મજુબ ઈકો કાર ફિલ્મી ઢબે સામેના રોડ પરથી ઉડીને જાણે એકટિવા સાથે સીધી ભટકાઈ હતી. ઈકો કાર પર એસએમસીના કોન્ટ્રાકટરનું સ્ટીકર લાગેલું છે.

સ્પીડ બ્રેકર આવતા બાઇક ધીમું કરતાં પાછળથી પુરઝડપે આવતા બાઇક સવારે ટક્કર મારતા યુવકનું મોત
સુરત:સચીનમાં ગીતાનગર પાસે આવેલા શિવનગરમાં રહેતો ગૌરવકુમાર જગતમલ પ્રજાપતિ( 21 વર્ષ) કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ રાત્રે ગૌરવ તેના મિત્ર સુનીલ સાથે બાઇક પર સચીન જીઆઈડીસીમાં સાગર હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સ્પીડ બ્રેકર આવતા તેને પોતાની બાઇકની સ્પીડ ઓછી કરી હતી. તેજ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતા બાઇક સવારે ગૌરવની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. તેથી ગૌરવ સુનીલ સાથે નીચે પટકાયો હતો. પાછળથી આવેલા બાઇક સવારે ગૌરવ પર બાઇક ચઢાવી દીધી હતી તેથી ગૌરવને ગંભીર ઇજા થઈ હતી. ગૌરવને મધરાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સચીન જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top