વાંકલ: માંગરોળના વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ ઉપર સેલારપુર પાટિયા નજીક રાત્રિના સમયે પાર્કિંગ (Parking) લાઈટ (Light) વિના રસ્તા (Road) પર નડતરરૂપ પાર્ક કરેલી ટ્રકમાં (Truck) પાછળથી બાઈક (Bike) ઘૂસી જતાં સ્થળ ઉપર ઇસનપુરના બે સગા ભાઈના કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. અકસ્માતની ગોઝારી ઘટના સંદર્ભમાં જવાબદાર ટ્રકચાલક વિરુદ્ધ ઝંખવાવ પોલીસમથકમાં (Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઇસનપુર ગામના કુંડ ફળિયામાં રહેતો સાહિલ શાંતુ ચૌધરી (ઉં.વ.23), તેનો ભાઈ અજય (ઉં.વ.21) અને માતા-પિતા દ્વારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા દેવમોગરા ધાર્મિક સ્થળ ખાતે બાધા મૂકવા તથા દેવદર્શન માટે રવિવારે સગા સંબંધીઓને લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સવારના ઘરેથી નીકળી તમામ લોકો દેવમોગરા ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી સાંજે પરત પોતાના ઘરે આવી રહ્યાં હતાં. એ સમયે સાહિલભાઈ પોતાની બાઈક લઈને આવી રહ્યો હતો તેમજ અન્ય સંબંધીઓ ટેમ્પોમાં બેસી ઘરે આવી રહ્યા હતા. દરમિયાન ઝંખવાવ ગામે તમામ આવી પહોંચ્યા હતા. એ સમયે સાહિલનો નાનો ભાઈ અજય ટેમ્પોમાંથી ઊતરી પોતાના ભાઈ સાથે બાઈક ઉપર આવી ગયો હતો અને ત્યારબાદ તેઓ બંને ભાઈઓ ઝંખવાવથી નીકળી કુંડ ફળિયા આવી રહ્યા હતા.
ત્યારે સેલારપુર પાટિયા નજીક રાત્રિ દરમિયાન એક ટ્રક નં.(G.J. 21 V 1593) રસ્તા ઉપર અડચણરૂપ ભયજનક સ્થિતિમાં મૂકી હતી. ટ્રકની પાર્કિંગ લાઈટ સિગ્નલ લાઇટ બંધ હાલતમાં હતી અને રસ્તા ઉપર રિફ્લેક્ટર અથવા કોઈપણ જાતની આડસ ટ્રકના ચાલકે મૂકી ન હતી. આથી બાઈક પર આવી રહેલા યુવકોને રસ્તા ઉપર ઊભેલી ટ્રક નહીં દેખાતાં બાઇક ટ્રક પાછળ જમણી સાઈડે ઘૂસી જતાં સાહિલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમજ અજયને ઇજા થતાં બંને સગા ભાઈનાં કરુણ મોત નીપજ્યાં હતાં. નાનો ભાઈ અજય દેવમોગરાથી ટેમ્પોમાં આવ્યો હતો, પરંતુ અજયનું મોત તેને ખેંચી લાવતું હોય તેમ ઝંખવાવથી પોતાના ભાઈ સાથે બાઈક પર બેસી ગયો હતો અને મોટા ભાઈ સાથે તે કાળનો કોળિયો બની ગયો હતો.
એકસાથે બે સગા ભાઈઓનાં કરુણ મોત થતાં પરિવારજનો અને સમગ્ર સગા સંબંધીઓમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનાની જાણ ઝંખવાવ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને યુવકોના મૃતદેહ અને અકસ્માતગ્રસ્ત વાહનોનો કબજો લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અકસ્માતની ઘટના સંદર્ભમાં મરણ જનાર યુવકોના પિતા શાંતુ ચીમન ચૌધરીએ ભાગી છૂટેલા ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.