મુંબઈ: ટાટા ગ્રુપના (TATA Group) પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં (Road accident) નિઘન (Death) થયું છે. મળતી માહિતી મુજબ મુંબઈ (Mumbai) નજીક પાલઘરમાં આ દુર્ઘટના થઈ છે. ઘટના સમયે તેમની કારની (Car) સ્પીડ ખૂબ જ વઘુ હતી, ત્યારબાદ તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તેઓની કારમાં કુલ ચાર લોકો સવાર થઈ રહ્યાં હતાં. આ એક્સીડન્ટમાં 54 વર્ષીય મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ એક્સીડન્ટ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે સૂર્યા નદી પુલ પર થયો હતો. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ છે. મળતી માહિતી મુજબ તેઓ મર્શિડિઝ કારમાં સવાર થઈ રહ્યાં હતા પરંતુ યોગ્ય સમયે એર બેગ ઓપન ન થવાના કારણે આ ઘટના ઘટી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું
વડાપ્રધાને તેમના ટ્વિટમાં સંદેશ લખ્યો હતો કે,સાયરસ મિસ્ત્રીનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા જેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ રાખતા હતા. તેમના અવસાનથી વાણિજ્ય અને ઉદ્યોગને મોટી ખોટ પડી છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.
ભારતીય ઉદ્યોગે એક ચમકતો સિતારો ગુમાવ્યો: પિયુષ ગોયેલ
પીયૂષ ગોયલે ટ્વિટર પર લખ્યું – સાયરસ મિસ્ત્રીના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાત. ભારતીય ઉદ્યોગે એક ચમકતો સિતારો ગુમાવ્યો છે જેનું ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લખ્યું હું સાયરસને હંમેશા દયાના પ્રતીક તરીકે યાદ રાખીશ. તેમના મૃત્યુના સમાચાર આઘાતજનક છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહોતા પણ ઉદ્યોગમાં એક યુવાન, તેજસ્વી અને સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિત્વ તરીકે પણ જોવામાં આવતા હતા. આ એક મોટી ખોટ છે… મારી હૃદયપૂર્વકની સંવેદના. ડીજીપીએ વિગતવાર તપાસનો આદેશ આપ્યો ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું – પાલઘર નજીક એક કમનસીબ અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન શ્રીસાયરસ મિસ્ત્રીના નિધન વિશે જાણીને આઘાત અને ખૂબ જ દુઃખી. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ. ડીજીપી સાથે વાત કર્યા બાદ ઝીણવટભરી તપાસની સૂચના આપવામાં આવી છે.
સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને કહ્યું- એક દુઃખદ સમાચાર… મારા ભાઈ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું. તે વાત માની શકાય તેમ નથી.
જણવી દઈએ કે વર્ષ 2022માં જ 28 જૂને સાયરસ મિસ્ત્રીના પિતા અને બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું પણ નિધન થયું હતું. સાયરસ અને તેમના પિતાના નિધન પછી તેમના પરિવારમાં તેમની મા પાટ્સી પેરિન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેન લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે.
સાયરસ પલોનજી મિસ્ત્રી ભારતીય મૂળના આઇરિશ ઉદ્યોગપતિ હતા. ઓક્ટોબર 2016માં, ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની, ટાટા સન્સના બોર્ડે મિસ્ત્રીને સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવાની તક આપ્યા બાદ તેમને 24 ઓક્ટોબર 2016નાં રોજ ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા પછી વચગાળાના ચેરમેન તરીકે પાછા ફર્યા, અને થોડા મહિના પછી 12 જાન્યુઆરી 2017નાં રોજ નટરાજન ચંદ્રશેખરનનું નવા ચેરમેન તરીકે નામ આપવામાં આવ્યું. જો કે, ડિસેમ્બર 2019માં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ ચંદ્રશેખરનની કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂકને ગેરકાયદેસર જાહેર કરી અને મિસ્ત્રીને પુનઃસ્થાપિત કર્યા હતા.