નડિયાદ/સંતરામપુર: મહિસાગર જિલ્લાના સંતરામપુરથી મલાતજમાં બિરાજમાન મેલડી માતાના દર્શને જઇ રહેલા ભક્તોને મહુધા નજીક અકસ્માત નડતાં ૪ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓને ઇજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા ટ્રક ટ્રેલરના ચાલક સામે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં રહેતા જીતુભાઇ ભૂલાભાઇ ભોઇ (ઉ.વ.૨૯) તેમના ભત્રિજા સંજય દિલીપભાઇ ભોઇ, મિત્ર સંજય અરજણભાઇ બારૈયા, રાજુભાઇ શનાભાઇ ભોઇ, સુરેશભાઇ અંબાલાલભાઇ ભોઇ, આકાશભાઇ અશોકભાઇ ડબગર (દેવડા) સાથે મલાતજ ગામે બિરાજમાન મેલડી માતાના મંદિરે દર્શન કરવા જવા માટે તા.૧૯ મી ઓક્ટોબરના રોજ આઠેક વાગ્યાના સુમારે ઇકો ગાડી લઇને નીકળ્યા હતા.
રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં ગાડી મહુધા નજીક મંગળપુર ગામની સીમ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી, તે સમયે સામેથી બેફામ ગતિએ આવી રહેલા ટ્રક ટ્રેઇલરના ચાલકે ઇકો ગાડીને અડફેટે લેતાં, ગાડી રોડની સાઇડની ગટરમાં ઉતરી ગઇ પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતને પગલે આસપાસથી લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, માથાના અને શરીરના ભાગે થયેલી ગંભીર ઇજાઓને કારણે સુરેશભાઇ અંબુલાલ ભોઇનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. એકઠા થયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
જેમાં તમામ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સંજયભાઇ અરજણભાઇ બારૈયા અને રાજુભાઇ શનાભાઇ ભોઇને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે સંજયભાઇ દિલીપભાઇ ભોઇને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં આકાશભાઇ અને જીતુભાઇ સારવાર હેઠળ છે. આ મામલે જીતુભાઇ ભોઇની ફરિયાદના આધારે મહુધા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા ટ્રક ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.