પાટણ(Patan): રાજ્યના પાટણમાં આવેલા શંખેશ્વર (Shankheshwar) નજીક આજે તા. 15 માર્ચની સવારે ભયંકર અકસ્માત (Accident) થયો હતો. અહીં પિકઅપ વાન અને વેગન આર કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે બંને વાહનોમાં આગ લાગી હતી. આગને લીધે વાહનની બહાર નહીં આવી શકનાર બે જણા વાહનની અંદર જ જીવતા ભૂંજાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આજે શુક્રવારે જોરદાર અકસ્માત થયો હતો. બે વાહનો સામસામે અથડાયા હતા. અકસ્માતને લીધે બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગઈ હતી, જેથી તેઓ 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
શંખેશ્વરના PSI વસાવાએ જણાવ્યું હતું કે આજે તા. 15 માર્ચની સવારે 7:00 વાગ્યાની આસપાસ પિકઅપ વાન અને વેગનઆર વચ્ચે અકસ્માત થયો હતો. બંને ગાડીમાં આગ લાગતાં વેગનઆરમાં સવાર બે લોકો અંદર ફસાઈ જવાથી 70% દાઝી ગયા હતા, જેના લીધે તેમનાં મોત થયાં છે.
બીજી તરફ સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો, જે બહાર નીકળી ગયો હતો, જેથી અન્ય કોઈનું મોત થયું નથી. હાલમાં બન્ને મુતકની ઓળખ કરવાની પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પિકઅપ વાનના ચાલકની પણ શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.