વડોદરા,: વડોદરા જિલ્લામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. વડોદરા-હાલોલ રોડ ઉપર ભણીયારા ગામના પાટીયા પાસે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રેલરના ચાલક અને બસના મુસાફરો સહિત 15ને ઇજા પહોંચી હતી. ગમખ્વાર અકસ્માતમાં ફસાયેલા મુસાફરોને ફાયર બ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આપ્યા હતા. જેમાં બસના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને ગેસ કટરની મદદ લેવી પડી હતી.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા ભણીયારા ગામ પાસે વહેલી સવારે લકસઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાલોલ તરફથી વડોદરા તરફ મુસાફરો લઇને આવી રહેલી લકઝરી બસ ધડાકાભેર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ગમ્ખાવર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે અકસ્માત સર્જાતા બસમાં સવાર નિંદ્રાધિન મુસાફરોના માથામાં આગળની સીટમાં ભટકાયા હતા. તો કેટલાંક મુસાફરો સીટ ઉપરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ધડાકા સાથે અકસ્માત સર્જાતાની સાથે ભણીયારા ગામ તેમજ પેટ્રોલ પંપ ઉપર રહેતા કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બસમાં ફસાયેલા 15 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા આ અકસ્માતમાં લકઝરી બસના કેબિનમાં ફસાઇ ગયેલા ડ્રાઇવર શાહરૂખ કુરેશી (રહે. મધ્ય પ્રદેશ)ને ગેસ કટરનો ઉપયોગ કરીને સહીસલામત બહાર કાઢ્યો હતો. ડ્રાઇવરને બહાર કાઢ્યા બાદ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા પામેલાની યાદી
મનિષ ભગવત ગોસ્વામી (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન), સુધાબહેન સુનિલભાઇ શર્મા (રહે. તારોડ, મધ્યપ્રદેશ), લલિતાબહેન રાદેશ્યામ શર્મા (રહે. તારોડ, મધ્યપ્રદેશ), પંકજ ભેરૂમલ જૈન (રહે. રાજસ્થાન), સીરીનબહેન હમજાખાન (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન), આપા અર્જુન કાપસે (રહે. રાજસ્થાન), શાહજી જયસીંગ યાદવ (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન), ગોપાલ રાજપુત (રહે. રાજસ્થાન), અને નરેન્દ્રભાઇ રાધેશ્યામ જોષી (રહે. મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.