સુરત: (Surat) મહિલા સફાઇ કામદારોને તેમનું કામનું સ્થળ બદલવા તેમજ રજા પાસ કરાવવા માટે થઇ લાંચ માંગનારા એસએસઆઇ તેમજ બે સફાઇ કામદાર (Health Worker) રંગેહાથ પકડાયા હતા. એસએસઆઇ (સેનેટરી સબ ઇન્સ્પેક્ટર)ની કરપ્શનની ટેક્નિકથી એસીબી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. એસએસઆઇએ લાંચના 10 હજાર મહિલાકર્મીને કહીને પોતાના ટેબલ નીચે મુકાવ્યા હતા. ત્યારબાદ એસએસઆઇ પોતાના કામમાં ચાલ્યો ગયો હતો. એસએસઆઇ દ્વારા તેના હાથ નીચે કામ કરતા અન્ય બે વ્યક્તિને આ નાણાં લેવા માટે જણાવ્યું હતું. આ કેસમાં એસીબીની સામે જ નીચલા સ્ટાફ દ્વારા આબાદ રીતે દસ હજાર રૂપિયા કાઢી લેવાયા હતા. એસીબી પોલીસ પણ આ ટેક્નિકથી દંગ થઇ ગઇ હતી. અલબત્ત, પોલીસે તમામ 3 આરોપીને ભેગા કરી રોકડ રકમ કબજે કરી આખું સ્કેમ પકડી પાડ્યું હતું. અડધા કલાક બાદ વોર્ડ ઓફિસમાં આવેલા એસએસઆઇને એસીબી પોલીસે રંગેહાથ પકડ્યો હતો, સાથે જ બે સફાઇ કામદારને પણ ભ્રષ્ટાચારના કેસમાં પકડી પાડ્યા હતા.
SSIની કરપ્શન કરવાની ટેક્નિકથી એસીબીના અધિકારીઓ પણ દંગ રહી ગયા
– કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલાને સફાઇના કામનું સ્થળ બદલવા તેમજ રજા પાસ કરાવવા માટે એસએસઆઇ દ્વારા પાંચથી 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.
– ભ્રષ્ટાચારી અધિકારીઓની સાન ઠેકાણે લાવવા માટે મહિલાએ તાપી એસીબી પોલીસને ફરિયાદ કરી હતી.
– મહિલા કતારગામના વોર્ડ નં.7માં ગઇ હતી. ત્યાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી બેઠો હતો.
– ધીરેનકુમારે મહિલાને 10 હજાર રૂપિયા ટેબલ નીચે મૂકી દેવા માટે કહ્યું હતું.
– થોડીવાર બાદ એસએસઆઇએ મહિલાને ઇશારો કરી ચાલ્યા જવા જણાવ્યું હતું.
– મહિલાની પાછળ પાછળ એસએસઆઇ ધીરેનકુમાર પણ વોર્ડ ઓફિસ છોડી પોતાના કામમાં ચાલ્યો ગયો હતો.
– ત્યારબાદ આ નાણાં સિફ્તાઇથી અન્ય કામદાર દ્વારા કાઢી લેવામાં આવ્યાં હતાં.
– આ નાણાં કઢાયાં તેની ગંધ એસીબીને આવી પણ ન હતી. આ નાણાં ત્યારબાદ ત્રીજા કર્મચારીને આપી દેવાયાં હતાં.
– એસીબીએ ધીરેન આવતાં તેને ટ્રેપની વિગત આપતાં એસએસઆઇ ધીરેન ફફડી ગયો હતો.
– ધીરેનકુમારે એસીબીને કહ્યું કે, 10 હજાર રૂપિયા સફાઇ કર્મચારી લાલજીભાઇ છનાભાઇ જોગડિયા લઇ ગયા હતા.
– લાલજીભાઇની પૂછપરછ કરવામાં આવતાં તેને લાંચના 10 હજાર રૂપિયા અન્ય સફાઇ કર્મચારી દીપક અરજણભાઇ મકવાણાને આપી દીધા હતા.
કોરોનાની મહામારીમાં રજા પાસ કરાવવાનો પણ પાંચથી 10 હજારનો ભાવ
એસએસઆઇ અને સફાઇ કર્મચારીઓ એકબીજાના મેળાપીપણામાં અન્ય સફાઇ કર્મચારીઓને રજા પાસ કરાવવા તેમજ કામનું સ્થળ બદલવા માટે લાંચ માંગતા હોવાની ફરિયાદો ઊઠી હતી. કોરોનાની મહામારી દરમિયાન ક્યારેક મહિલાઓ રજા પાસ કરાવવા આવે ત્યારે તેમની પાસેથી પણ લાંચ માંગવામાં આવતી હતી. જો મહિલાઓ રૂપિયા આપવાની ના પાડે તો તેમને જ્યાં વધુ કામ હોય ત્યાં મૂકી દેવામાં આવતી હતી. આ બાબતને લઇને એક જાગૃત મહિલાએ એસીબીને ફરિયાદ કરતાં સમગ્ર ભ્રષ્ટાચારીઓનો કાળો ચહેરો બહાર આવ્યો હતો.