સુરત: ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પણ પેપર લીકકાંડ સામે આવ્યો છે. યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર ત્રણની પરીક્ષાનું (Exam) એક કે પછી બે નહીં, પરંતુ ચાર ચાર પેપર અઠવા ગેટ સ્થિત એમટીબી આર્ટ્સ કોલેજના (MTB Arts Collage) સ્ટ્રોંગ રૂમમાંથી લીક થયાની શંકા એબીવીપીએ (ABVP) વ્યક્ત કરી છે. જો કે, આ ફરિયાદ યુનિવર્સિટીને મળતાં તેમને તાકીદે પેપર બદલવાની ફરજ પડી હતી. આટલું જ નહીં આ મામલે આખી તપાસ યુનિવર્સિટીએ ફેક્ટને સોંપી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સુરત મહાનગર કાર્યાલય મંત્રી મલ્હાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર ત્રણની પરીક્ષા ગત 11 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. જે હાલમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં ચાર પેપર પૂર્ણ થઈ ગયાં છે. પરંતુ આ ચારેય પેપર એમટીબી આર્ટ્સ કોલેજના સ્ટ્રોંગ રૂમમાંથી લીક થઇ ગયાં હતાં. જે મામલે યુનિવર્સિટીને જાણ કરાઈ હતી. ઉપરાંત યુનિવર્સિટી પાસે કોલેજના સીસીટીવી મંગાવાયા હતા. પરંતુ તેમની પાસે પણ ન હતા. કોઇ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતો પકડાય તો યુનિવર્સિટી જે-તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે પેનલ્ટી કરતી હોય છે. જેથી એમટીબી કોલેજ સામે શું કાર્યવાહી થાય એ હવે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી બીએના સેમેસ્ટર ત્રણમાં એમસીક્યુ બેઝ્ડ ઓફલાઇન પરીક્ષા એટલે કે પેપર અને ઓએમઆર સિસ્ટમથી પરીક્ષા લઈ રહી છે.
કોલેજ પોતાની સગવડતા માટે પરીક્ષાના એક દિવસ પહેલાં પેપરનું બંડલ ખોલતી!
કોલેજનાં સૂત્રોથી જાણવામાં આવ્યું હતું કે, પેપર લીકની કોઇપણ પ્રકારની ઘટના બની નથી. પણ કોલેજ પોતાની સગવડતાને જોતાં એક દિવસ પહેલાં જ બંડલ ખોલી દેતી હતી. એ પછી પેપર અને ઓએમઆર બંનેની જોડી બનાવીને પરીક્ષા ખંડના નંબર મુજબનાં બાસ્કેટમાં મૂકી દેતી હતી. ત્યાર બાદ જે-તે દિવસે જે પણ પરીક્ષા હોય એ અનુસાર સુપરિન્ટેન્ડેન્ટ સ્ટાફને બાસ્કેટ અપાતી હતી. જો કે, કોઈપણ પ્રશ્ન કે પછી કોઇપણ પેપર વિદ્યાર્થીઓના હાથ સુધી પહોંચ્યું ના હોવાનું પણ જણાય આવે છે.
આખી તપાસ ફેક્ટને સોંપવામાં આવી છે, જેના રિપોર્ટને સિન્ડિકેટમાં મૂકી નિર્ણય લેવાશે
અમને ફરિયાદ મળતા જ અમે તાકીદે પેપર બદલી નાંખ્યું હતું. એટલું જ નહીં, આખી તપાસ ફેક્ટને સોંપી છે. જેથી આગામી દિવસોમાં તેનો રિપોર્ટ આવશે. જેને પછી સિન્ડિકેટમાં મૂકીને નિર્ણય લેવાશે.
- ડો.કે.એન.ચાવડા, કુલપતિ, વીએનએસજીયુ
પેપર ફૂટ્યાનો ખોટો આક્ષેપ છે, કોઈપણ પ્રશ્ન કે પેપર વિદ્યાર્થીના હાથ સુધી પહોંચ્યાં નથી
કોઇપણ પેપર ફૂટ્યું નથી અને ખોટો આક્ષેપ થયો છે. અમારા સ્ટાફથી ભૂલથી પેપરનું બંડલ ખૂલી ગયું હતું. જેથી અમે તાકીદે નીતિ નિયમોને જોતાં યુનિવર્સિટીને જાણ કરી હતી. જે પછી યુનિવર્સિટીએ પેપર બદલી નાંખ્યાં હતાં. કોઇપણ પ્રશ્ન કે પછી કોઇપણ પેપર વિદ્યાર્થીઓના હાથ સુધી પહોંચ્યું નથી.
- ભાવના ચાંપાનેરિયા, ઇનચાર્જ પ્રિન્સિપાલ, એમટીબી આર્ટ્સ કોલેજ