નવી દિલ્હી: યુક્રેન (Ukraine) અને રશિયામાં (Russia) યુદ્ધ (war) વચ્ચે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકાર સજ્જ બની છે. આજે એર ઈન્ડિયાના (Air India) 4 પ્લેનની મદદથી ભારતીયો પરત પોતાના વતન ફરશે. એક પ્લેન યુક્રેનના રોમાનિયા અને એક પ્લેન હંગરીમાં ભારતીયોને લેવા જશે. દિલ્હથી 2 વિમાન ભારતીયોને પરત લેવા જશે. ભારતની રેસ્કયુ ટીમ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બોર્ડર સુધી પહોંચાડવામાં મદદ કરશે. જેમાં કેટલાક ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. રાજ્ય સરકારે પણ ખાતરી આપી છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન ફરશે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયને પરત લાવવા માટે આજે એર ઈન્ડિયાના 4 પ્લેન ભારતથી રવાના કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેસ્ક્યૂ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ, જ્યાંથી યુક્રેનની રાજધાની કીવનું અંતર ફક્ત 12 કલાક છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને વિમાન સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્યાર બાદ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર પણ વિદ્યાર્થીઓ માટે પરત પોતાના વતન જવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.
100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરશે
યુક્રેનથી વિદ્યાર્થીઓ ભારતના વિશેષ પ્લેનમાં ભારત પહોંચશે. સાંજે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર AI 1944 નંબરની ફ્લાઈટમાં ગુજરાતના 56 વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચશે અને મુંબઈ એરપોર્ટથી રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાત લાવવામા આવશે. આ માટે વિદ્યાર્થીઓને લાવવા GSRTC ની 2 વોલ્વો બસ મુંબઈ મોકલવામાં આવશે. જે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને સલામત રીતે પોતાના વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈ ટ્વીટ કર્યુ છે કે પ્રથમ રેસ્કયુ પ્લેનમાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓને હેમખેમ ગુજરાત પોતાના વતન લાવવામાં આવશે.
યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર સજ્જ છે. આજે ભારતીયો દેશમાં હેમખેમ વતન પરત આવશે અને ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. દિલ્હીથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર અને મુંબઈમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે.