Sports

અબ્દુલ્લા શફીક : પાકિસ્તાનના ક્રિકેટ પરિવારનું સંતાન, જેની બેટિંગ જોઇ દિગ્ગજોને
ભૂલી જશો

ટેસ્ટ ક્રિકેટમાં જે મેદાન પર 300થી વધુ રનનો લક્ષ્યાંક ચેઝ કરી શકાયો ન હોય અને તેવા મેદાન પર જ્યારે ચોથા દાવમાં 342 રનનો ટાર્ગેટ સામે હોય તો મોટા મોટા ખેલાડીઓનો ઉત્સાહ પણ નબળો પડી શકે છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ગોલ ટેસ્ટમાં પણ આવું જોવા મળ્યું હતું. પાકિસ્તાની બેટીંગ લાઇન અપના સ્ટાર કહેવાતા બેટ્સમેનો ઇમામ-ઉલ-હક (35), અઝહર અલી (6), બાબર આઝમ (55) અને મહંમદ રિઝવાન (40) એક પછી એક પેવેલિયન ભેગા થઇ ચૂક્યા હતા, જો કે આવા સમયે દાવની શરૂઆત કરવા આવેલા માત્ર 22 વર્ષના અબ્દુલ્લા શફીકે એક છેડે અંગદની જેમ પગ જમાવી દીધો કે જેને શ્રીલંકન બોલરો અંત સુધી હલાવી સુદ્ધાં ન શક્યા અને શફીકે તે પછી પાકિસ્તાનને વિક્રમી જીત અપાવીને એક અલગ જ ઇતિહાસ રચ્યો હતો.
સ્ટાર બેટ્સમેનો ફેલ ગયા ત્યારે શફીકે એકલા હાથે શ્રીલંકાને હરાવ્યું.
અબ્દુલ્લા શફીકે પ્રથમ ટેસ્ટના ચોથા દાવમાં 408 બોલમાં માત્ર 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો અને 160 રન બનાવીને નોટઆઉટ રહીને પોતાની ટીમને જીત અપાવીને તે પરત ફર્યો. આ આંકડાઓને જોતા એવું સમજાય છે કે તેના 160 રનમાં તેણે બાઉન્ડ્રીથી માત્ર 34 રન બનાવ્યા હતા, જ્યારે રનિંગ કરીને 126 રન બનાવ્યા હતા. રન ચેઝ કરતા આ મેદાન પર કોઈ પણ ટીમની આ સૌથી મોટી જીત છે અને આ જીતનો હીરો શફીક હતો. આ પરાક્રમ બાદ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ બેટ્સમેન કોણ છે, જેની સામે બાબર આઝમ પણ આ મેચમાં ફિક્કો પડી ગયો હતો.
બેટ માટે વિશ્વમાં પ્રખ્યાત
સિયાલકોટમાં જન્મ
ક્રિકેટ બેટ માટે વિશ્વ પ્રસિદ્ધ સિયાલકોટના એક ક્રિકેટ પરિવારમાં 20 નવેમ્બર, 1999ના રોજ જન્મેલા આ યુવાન તુર્કે ખૂબ જ નાની ઉંમરમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ તેની કારકિર્દીની માત્ર છઠ્ઠી ટેસ્ટ હતી અને તેના ખાતામાં 2 બેજોડ સદીઓ છે. ક્રિકેટ પરિવાર એટલા માટે કહેવું પડે છે કે તેના પિતા અને કાકા બંને ક્રિકેટર હતા. પિતા શફીક લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા અને બાદમાં કોચ બન્યા. તેના કાકા અરશદ અલી આંતરરાષ્ટ્રીય સ્તરે UAE માટે ક્રિકેટ રમ્યા હતા.
ફર્સ્ટ ક્લાસ અને T-20માં સદી સાથે શરૂઆત કરી હતી
અબ્દુલ્લાને 2018માં પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલ્તાન્સ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી. 2 નવેમ્બર, 2019ના રોજ, તેણે કાયદે-આઝમ ટ્રોફીમાં મધ્ય પંજાબ માટે 133 રન ફટકારીને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. એટલું જ નહીં, 30 સપ્ટેમ્બર 2022ના રોજ તેણે નેશનલ T-20 કપમાં મધ્ય પંજાબ માટે T-20 ડેબ્યૂ કર્યું અને 102 રનની રેકોર્ડ બ્રેક ઇનિંગ રમીને તે આવું કરનાર પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
ટેસ્ટ ડેબ્યૂ ઇનિંગ્સમાં અડધી સદી
અને ઓસ્ટ્રેલિયા સામે સદી
નવેમ્બર 2021માં, જ્યારે અબ્દુલ્લાને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે ડેબ્યૂ ટેસ્ટમાં 52 રનની નોટઆઉટ ઇનિંગ સાથે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં પદાર્પણ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં જ્યારે તેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હોમ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હતું કે આ ખેલાડી અહીં પણ સદી ફટકારશે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટની ચોથી ઇનિંગમાં નોટઆઉટ 136 રન બનાવ્યા હતા.
વિશ્વ ક્રિકેટમાં પોતાની કાબેલિયત દાખવવા માટે તૈયાર
કહેવાય છે કે જો તમારે કોઈ ખેલાડીની કારકિર્દી બગાડવી હોય તો તેને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરાવડાવો, પરંતુ આ 20-21 વર્ષના ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે શરૂઆત કરીને વર્લ્ડ ક્લાસ બોલિંગનો ક્લાસ લીધો હતો.
તેણે પોતાની સદીમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતા, જ્યારે પ્રથમ દાવમાં 44 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ દર્શાવે છે કે પાકિસ્તાનને અબ્દુલ્લાના રૂપમાં વધુ એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન મળ્યો છે જે વિશ્વ ક્રિકેટ તખ્તે પોતાની કાબેલિયત દાખવવા માટે તૈયાર છે.

Most Popular

To Top