અમદાવાદ: ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અપ્રિય અપમાનજનક નિવેદન કરીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમસિંહ રુપાલા બરોબર ફસાયા છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી કરી છે. આ મામલે દિલ્હીમાં આજે મિટિંગ છે. રૂપાલા સમાજની માફી માંગી ચૂક્યા છે તેમ છતાં સમાજનો રોષ શાંત થઈ રહ્યો નથી. આજે ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ અન્નત્યાગ કરી આંદોલન છેડ્યું છે.
અનશન પર બેઠેલા પદ્મિનીબાએ કહ્યું કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ અંગે કરેલું નિવેદન અપમાનજક છે. ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે તેવી અમારી માંગણી છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ અંગે કરેલું નિવેદન અપમાનજનક છે. અમારી એક જ માગ છે કે, ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું.તેમની સાથે ક્ષત્રિય મહિલાઓએ પણ અન્નનો ત્યાગ કર્યો છે.
રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શિશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાનું એલાન કર્યું હતું. પદ્મિનીબા સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરના પરિસરમાં બેસી ગઈ હતી. આ મહિલાઓએ રામધુન બોલાવી હતી. ત્યાર બાદ રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા હતા.
દરમિયાન પદ્મિનીબાને અમદાવાદ ખાતે બેઠકમાં આમંત્રણ આપવામાં આવતા તેઓ અમદાવાદ ખાતે રવાના થયા છે, જોકે તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવાય તોય અમારી માગ ઉપર અમે અડગ રહીશું.